- રાજયની કોઈ એક જીઆઈડીસીને સંપૂર્ણ પણે ગ્રીન એનર્જી આધારિત ઉદ્યોગો ધરાવતી વસાહત બનાવાશે: સીએમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હરિત ઊર્જાને વેગ આપવા રાજ્યમાં ઉદ્યોગોને પણ ગ્રીન એનર્જી પૂરી પાડવાની નેમ વ્યક્ત કરી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારે એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે, તેવી જ રીતે હવે ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ વધુને વધુ ઉદ્યોગોને ગ્રીન એનર્જીના ઉપયોગ તરફ વાળવા છે.મુખ્યમંત્રી સી.આઈ.આઈ. ગુજરાત આયોજિત એન્યુઅલ મિટ-2025માં સંબોધન કરી રહ્યા હતા. આ મિટિંગમાં ‘વિકસિત ગુજરાત-પાવરિંગ અ પ્રોસ્પરસ ઈન્ડિયા’ની વિષયવસ્તુ સાથે ચર્ચા-સત્રો પણ યોજવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો મિજાજ બદલાયો છે અને હવે મોટા સંકલ્પો, મોટા લક્ષ્યો સાથે વિકસિત ભારત માટે સૌ સજ્જ બની રહ્યા છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ગ્રીન એનર્જીથી ગ્રીન ગ્રોથનો સંકલ્પ પાર પાડવા રાજ્યની કોઈ એક ઔદ્યોગિક વસાહત – જી.આઈ.ડી.સી.ને સંપૂર્ણપણે ગ્રીન એનર્જી આધારિત ઉદ્યોગો ધરાવતી જી.આઈ.ડી.સી. બનાવવાની દિશામાં સરકાર આગળ વધવા માંગે છે.તેમણે એમ પણ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ ડેવલપમેન્ટ માટે ભારતે લીડ લેવાનો આ સમય સહી સમય છે તેવું આહવાન કર્યું છે. આવા આ સહી સમયે વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતમાં પણ ક્વોલિટી પ્રોડક્ટ, એમ.એસ.એમ.ઈ.ને પેકેજિંગ માટે સહાય અને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર તત્પર છે. ઉદ્યોગજગત પણ રાજ્ય સરકાર સાથે સહયોગી બને તો આપણી પ્રોડક્ટ ગ્લોબલ કોમ્પિટીટિવ માર્કેટમાં ક્વોલિટી પ્રોડક્ટ તરીકે પ્રસ્થાપિત કરી શકાશે .
સી.આઇ.આઇની વાર્ષિક બેઠક વિઝન ઇન્ડિયા 2047માં ચેરપર્સન સ્વાતિ સંલગાવલકરે જણાવ્યું હતું કે, ભારતીય ઉદ્યોગ સંઘ (CII) 600થી વધુ સભ્યોની સમર્પિત ટીમની અવિરત મહેનત થકી રાજ્યના વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસની નવીન તકો માટે સૌના સાથ અને સૌના વિકાસથી આગળ વઘી રહ્યા છીએ, તેમણે ઉમેર્યું હતું કે, સરકારની નીતિઓને પગલે ઔધોગિક વિકાસે હરણફાળ ભરી છે.
તેમણે ગિફ્ટ સિટી, ધોલેરા એસ.આઇ.આર અને પીએ મીત્ર પાર્ક, રાજ્યમાં રોકાણ માટે એક આકર્ષક સ્થળ તરીકે ઉભરી આવ્યા છે તેમ જણાવ્યું હતું. આ સંસ્થા રાજ્યના વિકાસ થકી ઔધોગિક વિકાસ માટે કટિબધ્ધ છે તેમ જણાવી ગુજરાત સરકાર અને સીઆઇઆઇના સહયોગ દ્વારા “વિક્સિત ગુજરાત”ની દિશામાં આ વાર્ષિક સભા ખાસ કદમ બની રહેશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
સી.આઇ.આઇ.ના ચેરમેન કુલીન લાલભાઇએ જણાવ્યું હતુ કે, દેશના પ્રધાનમંત્રીશ્રીની વિઝનરી લિડરશીપમાં રાષ્ટ્ના ઔધોગિક વિકાસ સાથે રાજ્યનો પણ વિકાસ થઇ રહ્યો છે. સરકાર હમેશાં ઉધોગોની સમસ્યા ઉકેલવા માટે કટિબધ્ધ છે તેમ જણાવી ગુજરાત ભારતના આર્થિક વિકાસનું મજબૂત કેન્દ્ર બની રહ્યું છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ઔધોગિક ક્ષેત્રોના વિવિધ એકમોમાં પ્રગતિ કરી નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે તેના પાયામાં ઉદ્યોગોને પ્રોત્સાહન અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસનો સરકારનો અભિગમ રહ્યો છે.