Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખેડૂતલક્ષી જાહેરાત: જગતાતમાં ભારે ઉત્સાહ

ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ મહેર ઉતારતા ગુજરાતમાં કપાસ અને મગફળીના પાકનું બમ્પર ઉત્પાદન થયું છે. વધુ ઉત્પાદનના કારણે બંને જણસીના ભાવમાં સતત ઘટાડો થતો હોય ખેડૂતોને ખુબ જ આર્થિક નુકસાની વેઠવી પડતી હતી.

જયારે રાજયની સંવેદનશીલ રૂપાણી સરકારે ગત લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી શરૂ કરી છે.

દરમિયાન આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવા મતલબની એવી જાહેરાત કરી હતી કે ગુજરાત સરકાર દ્વારા માર્ચ માસ સુધી ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી કરવામાં આવશે. તેઓને આ જાહેરાતથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ વ્યાપી જવા પામ્યો છે.

આજે ગીર-સોમનાથ જિલ્લાના પ્રાંચી ખાતે વિકાસ રેલીને સંબોધતા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગત લાભપાંચમથી ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. આ વર્ષે મેઘરાજાની કૃપાથી મબલખ ઉત્પાદન થયું છે અને હજી ખેડૂતોના ઘરમાં પુષ્કળ માલ પડયો છે આવામાં ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી ન પડે તે માટે રાજય સરકારે માર્ચ માસ સુધી ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીની આ જાહેરાતને ઉપસ્થિત જનમેદનીએ ભારે હર્ષોલ્લાસ સાથે વધાવી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.