Abtak Media Google News

મેપીંગમાં પણ ‘આત્મનિર્ભર’ બનવા પહેલ

નવા મેપિંગ પ્રોડકટસ લોન્ચ કરવા માટે લેવી પડતી મંજૂરીઓ હવે નહી લેવી પડે

ભારતની ભુગોળીય માહિતી વધુ સચોટ અને મજબુત બનશે

ગુગલ મેપ જેવી વિદેશી કંપનીઓ પર અંકુશ લાગશે

ભૂ-સ્થાનિક ડેટાના અધિગ્રહણ અને ઉત્પાદનને નિયંત્રિત કરનાર નીતિઓ સરળ બનતા ખેતીથી મંડી તમામ ક્ષેત્રને મદદ મળશે: વડાપ્રધાન મોદી

દરેક ક્ષેત્રે ‘આત્મનિર્ભરતા’ હાંસલ કરી દેશના સર્વાંગી વિકાસ માટે સરકાર વિભિન્ન પગલાઓ ભરી રહી છે ત્યાર હવે, મેપિંગ એટલે કે નકશાઓમાં પણ આત્મનિર્ભરતા મેળવવા મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દેશની મેપિંગ નીતિમાં મોટા ફેરફારો કરી ભૂ-સ્થાનિક ડેટા મેળવવા તથા તેના ઉપયોગ પરનાં 1500 જેટલા નીતિ-નિયમો, નિયંત્રણો હટાવી ‘ખાનગી નકશા’ વિકસાવાને પણ છૂટ આપી દીધી છે. આનાથી આપણા દેશ સહિત આસપાસનાં દેશોની ભૂગોળીય માહિતી વધુ સચોટ અને મજબૂત બનશે તો ગુગલ જેવી વિદેશી કંપનીઓ પર લગામ લાગશે.

નકશા બનાવવાનાં વ્યવસાયમાં ભારતીય સ્ટાર્ટઅપ અને કંપનીઓને નવા મેપિંગ પ્રોડકટસ જેમકે, 3ડી, ફોરડી લોન્ચ કરવા સરકાર પાસેથી ઘણી મંજૂરીઓ લેવી પડતી હતી, પરંતુ હવે, આ ‘મંજૂરી’ની આવશ્યકતા રહેતા કંપનીઓએ લાંબા સમય સુધી રાહ જોઈ લટકી રહેવું નહી પડે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં સેક્રેટરી આશુતોષ શર્માએ કહ્યું કે, સર્વેઈંગ મેપીંગ તેમજ એપ્લીકેશન માટે સુરક્ષા, લાયસન્સ જેવી મંજૂરીઓ હવે લેવી નહિ પડે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં અનેકવાર એ વાતનો ઉલ્લેખ કર્યો છેકે, સ્ટાર્ટઅપ માટેની નીતિઓને સરળ બનાવાશે તેમણે તાજેતરમાં આ નવી માર્ગરેખા અંગે કહ્યું કે, ભૂ-સ્થાનિક ડેટાના અધિગ્રહણ અને ઉત્પાદનને નિયંત્રીત કરનારી નીતિઓ સરળ બનશે જે ‘આત્મનિર્ભર ભારત’ના અભિયાનને વધુ વેગ વંતુ બનાવવામાં મોટી મદદરૂપ સાબિત થશે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રીના જણાવ્યામુજબ, મેપીંગ સેકટરમાં 1500 જેટલા નિયંત્રણો દૂર કરાયા છે. જેનાથી મેપીંગની સાથે સાથે અન્ય ક્ષેત્રોને પણ મોટી મદદ મળશે. ઉચ્ચ ગુણવતા વાળા સચોટ નકશાઓ તમામ જરૂરીયાતમંદ ક્ષેત્રો માટે ઉપલબ્ધ બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરી આ અંગે જણાવ્યું છે કે, સરકારે ડીજીટલ ઈન્ડીયા અને આત્મનિર્ભર ભારત તરફ વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. ભૂ-સ્થાનિક ડેટાના અધિગ્રહણ અને ઉત્પાદનને નિયંત્રીત કરનાર નીતિઓ સરળ બની છે. આનાથી દેશના ખેડુતો, સ્ટાર્ટઅપ, ખાનગી અને જાહેરક્ષેત્ર તેમજ સંશોધન કરતી સંસ્થાઓને ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.