ટેક્સટાઇલ ક્ષેત્રની નિકાસ વધારવા ‘રાહતોનો’ બુસ્ટર ડોઝ

વાઇટ ગોલ્ડને ‘પ્લેટીનમ’ બનાવવા સરકાર સજ્જ

ROSCTL સ્કીમ વધુ ત્રણ વર્ષ માટે લંબાવાઇ: રૂ. 30 લાખ કરોડની નિકાસનો લક્ષ્યાંક પૂર્ણ કરવા તરફ મોદી સરકારનું મોટું પગલું

ગુજરાતમાં ‘સફેદ સોના’ની ખેતી ઓછી: અઢી લાખ ગાંસડી ઉત્પાદન ઘટવાની સંભાવના

કોરોનાની વૈશ્વિક મહામારીની દરેક ક્ષેત્ર પર વ્યાપક અસર પડી છે. જેમાંથી ટેક્સટાઇલ ક્ષેત્ર પણ બાકાત નથી. પરંતુ હવે કોરોનાની નકારાત્મક અસર ભૂતકાળ બની ગઈ છે. ટેકસટાઇલ માર્કેટ અને એમાં પણ ખાસ સફેદ સોનું તરીકે જાણીતા કપાસની નિકાસ વધારવા પર સરકારે વધુ ભાર મુક્યો છે. વાઈટ ગોલ્ડને ‘પ્લેટીનમ” બનાવવા સરકાર સજ્જ બની છે. એટલે જ તો ટેક્સટાઇલ ઉપરાંત અન્ય ઔદ્યોગિક ક્ષેત્રને પણ સરકારે રાહતોનો બુસ્ટર ડોઝ આપ્યો છે. કેન્દ્ર અને રાજ્યો દ્વારા વસૂલાતા કરોમાં છૂટછાટ તેમજ મુક્તિ આપતી યોજના આરઓએસસિટીએલ- RoSCTLને વધુ ત્રણ વર્ષ માટે લંબાવાઈ છે.

ઉલ્લેખનીય છે કે નાણાંકીય વર્ષ 2022માં ઉત્પાદનોની નિકાસ રૂપિયા 30 લાખ કરોડે પહોંચાડવાનો મોદી સરકારે લક્ષ્યાંક સેવ્યો છે જેને સાકાર કરવા તરફ મોદી સરકારનું આ એક મોટું પગલુ માનવામાં આવી રહ્યું છે. આ અંગે એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે સરકારના પગલાંની પ્રશંસા કરી છે. નિકાસ પર રાજ્ય અને કેન્દ્રીય કર અને લેવીસ (RoSCTL)ના રિબેટને વિસ્તૃત કરવા અંગેની સરકારના નિર્ણયથી અમે ખુશ છીએ. AEPCના ચેરમેન એ. શકિતવેલે આ જાહેરાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 400 અબજ ડોલરની મર્ચેન્ડાઇઝ નિકાસમાં તેમના સ્વપ્નને હાંસલ કરવાની દિશામાં પહેલું અને અતિ મહત્વનું પગલું ગણાવ્યું છે.

તેમણે જણાવ્યું કે આ નિર્ણય કાપડની નિકાસ નીતિને વધુ સ્થિરતા પ્રદાન કરશે.  હવે અમે સતત RoSCTL સપોર્ટ સાથે મજબૂત વૈશ્વિક ખેલાડી બનવા માટે આતુર છીએ. આ યોજના એમ્બેડેડ ટેક્સ, સેસ અને ડ્યુટીના રિફંડને સુનિશ્ચિત કરશે. જે કાપડ અને વસ્ત્રોની નિકાસ વધારવામાં મોટી મદદરૂપ થશે. વધારાનું રોકાણ આકર્ષશે અને લાખો લોકોને એમાં પણ ખાસ કરીને મહિલાઓને પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ મળશે.

જો કે બીજી બાજુ તાજેતરમાં કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ દેશમાં કપાસના કુલ ઉત્પાદનના આંકલનમાં ઘટાડો કર્યો છે. ખાસ કરીને ગુજરાતમાં ઉત્પાદન દોઢ લાખ ગાંસડી જેટલું ઘટશે તેમ અપેક્ષા વ્યક્ત કરી છે. સીઆઈએએ ગુજરાત અને તેલંગાણામાં નીચા ઉત્પાદનના અપવાદોને અનુસરીને ઓક્ટોબરથી શરૂ થતા 2020-21ના તેના જુલાઈ અંદાજમાં 1.50 લાખ ગાંસડી દ્વારા તેના કપાસના પાકનું અનુમાન ઘટાડીને 354.50 લાખ ગાંસડી કરી દીધું છે.

વર્ષ 2019-20 (ઓક્ટોબર 2019-સપ્ટેમ્બર 2020) માં કપાસનું કુલ ઉત્પાદન 360 લાખ ગાંસડી રહ્યું હતું. જે હાલના માસમાં ઘટશે. ઉત્તર ઝોન માટે કપાસના પાકના અંદાજને તેના અગાઉના મહિનાના 65.50 લાખ ગાંસડીના અનુમાનની જેમ જ જાળવી રાખ્યો છે. જ્યારે, સેન્ટ્રલ ઝોન માટે, તે 0.50 લાખ ગાંસડી ઘટીને 193.50 લાખ ગાંસડી થઈ ગઈ છે. જે ગયા મહિના દરમિયાન અંદાજિત 194 લાખ ગાંસડી હતી.