Abtak Media Google News

એસટી કર્મચારીઓની જો માંગ નહીં સંતોષાય તો આજ મધરાતથી હજારો એસટીના પૈડા થંભી જશે: મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગોને ભારે હાલાકી ભોગવવી પડશે

આજ સાંજ સુધીમાં સરકાર યોગ્ય નિર્ણય કરશે તેવો એસટીના ત્રણેય યુનિયનનો વિશ્વાસ

હાલ ગુજરાતમાં એસટીનું ખાનગીકરણ તેમજ એસટીમાં ફરજ બજાવતા કર્મીઓની વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઇને આંદોલન ચાલુ રહ્યું છે. જેની અસર રાજકોટ જિલ્લાના ડેપો પર પણ થઇ છે. રાજકોટના ડ્રાઇવર કંડક્ટર સહિતના 2300 ST કર્મીઓએ માસ સીએલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. જો કે બીજી બાજુ એવું પણ લાગી રહ્યું છે કે, આ હડતાલ ખાળવા માટે સરકાર ખુબજ ગંભીર છે અને આજે બપોરે મળનારી કેબીનેટમાં પણ એસટી કર્મચારીઓની હડતાલ મુદ્દે વાતચીત કરવામાં આવી હતી. રાજ્યના ત્રણેય એસટી યુનિયન મક્કમ છે કે જો માંગણી સંતોષવામાં નહીં આવે તો હળતાલ પર ઉતારશું તે નક્કી છે.

ઉલ્લેખનીય છે કે, એસટી કર્મીઓની પડતર માંગણીઓ ન ઉકેલાતા ત્રણ યુનિયન સરકાર સામે મેદાને આવ્યા છે. જો કે હવે આજ રાત સુધીમાં જો સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ના આવે તો, આજ મધરાતથી રાજકોટ એસટીના 2300 સહિત સૌરાષ્ટ્રના 20 હજાર કર્મીઓની હડતાલ પર ઉતરશે અને જેને કારણે એસટી નિગમને તો ખોટ જશે સાથોસાથ અનેક વિદ્યાર્થીઓ કે જે અપ ડાઉન કરતા હોય અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે.

જો કે હાલની પરિસ્થિતિ મુજબ આજ રોજ રાજ્ય સરકારની કેબીનેટ બેઠક પણ મળશે જેમાં એસટી કર્મીઓની હડતાલને લઈને અને તેઓની માંગને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવશે. સરકાર પણ ગંભીર દેખાઈ રહી છે કે કર્મીઓની હડતાલ ખાળવા માટે પૂરો પ્રયાસ કરશે તેવું લાગી રહ્યું છે.

સરકાર સાથે બે બેઠક બાદ પણ કોઈ નિર્ણય નહીં: મહેશ વેકરિયા

ભારતીય મજદૂર સંઘના મહેશભાઈ વેકરિયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એસટી કર્મીઓની પડતર માંગ સંતોષવામાં નહીં આવે તો રાજકોટના અંદાજીત 2300 સહિત સૌરાષ્ટ્રના 20 હજાર કર્મીઓ હડતાલ પર ઉતરી જશે. જો કે છેલ્લા બે દિવસમાં સરકાર સાથે બે વખત બેઠક કર્યા બાદ પણ કર્મીઓ વિશે હજુ કાંઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે આજ સાંજ સુધીમાં સરકાર હકારાત્મક નિર્ણય લે તેવો અમને વિશ્વાસ છે.

સરકાર એસટી કર્મીઓને લઈ પોઝિટિવ નિર્ણય લે: ઘનશ્યામભાઈ બ્રહ્મક્ષત્રિય

રાજ્ય મજદૂર સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ બ્રહ્મક્ષત્રિયએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બહુ લાંબા સમયથી એસટી કર્મીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી જેથી જો સરકાર હવે આ માંગણી ના સંતોષે તો ના છુટકે આજરાતથી જ હડતાલ પર ઉતરવું પડશે. જો કે પરિસ્થિતિ જોતા એવું પણ લાગી રહ્યું છે કે, આજ સાંજ સુધીમાં સરકાર પોઝિટિવ નિર્ણય લઈ શકે છે તો હડતાલ નો કોઈજ પ્રશ્ન ઉદભવતો નથી.

કેબીનેટમાં ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે: મંત્રી અરવિંદ રૈયાણી

રાજ્ય વાહન-વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે કેબીનેટની બેઠકમાં એસટી કર્મીઓની પડતર માંગણીની ચર્ચા વિચારણા કરી બાદમાં યુનિયન સાથે મીટીંગ કરવામાં આવશે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યના એસટી કર્મીઓને કોરોનાકાળમાં પૂરો પગાર આપવામાં આવ્યો છે. અમારી સરકાર હકારાત્મક જ છે અને જે મુખ્ય માંગણીઓ છે તેના પર ગહન ચર્ચા કરીને નિર્ણય કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.