Abtak Media Google News

સરકારના તઘલખી નિર્ણયને રદ કરાવીને જ ઝંપીશુ… સુરેન્દ્રનગર કલેકટરને વિદ્યાર્થીઓની લેખિત રજૂઆત

રાજયની સરકારી કૃષિ યુનિ.ઓનાં વિદ્યાર્થીઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરી જણાવ્યું છે કે ખાનગી યુનિ.ઓને કૃષિ સંલગ્ન અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી આપવાના ગુજરાત રાજય કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગનો પરિપત્ર સરકારી કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓ તેમજ ખેડુતો માટે અન્યાયકારી હોવાનું જણાવ્યું છે.

વિદ્યાર્થીઓએ આ બાબતેકરેલ વિસ્તૃત છણાવટમાં રાજયમાં હાલની તારીખે સરકાર હસ્તકની કુલ ચાર કૃષિ યુનિ.ઓ કાર્યરત છે. જે અંતર્ગત અગિયાર કોલેજો કૃષિ સ્નાતકનું શિક્ષણ આપી રહેલ છે. અને કૃષિ સંલગ્ન સ્નાતક, અનુસ્નાતક અને ડિપ્લોમાંનું શિક્ષણ આપતી અન્ય કોલેજો, સંસ્થાઓ પણ કાર્યરત છે. જે પોતાનું કાર્ય ખૂબજ સરાહનીય રીતે કરી રહી છે આવી ઉત્કૃષ્ટ કામગીરી બદલ જ ગયા વર્ષે કૃષિ યુનિ.ઓને યુનિ. રેન્કીંગમાં પણ સ્થાન મળેલ હતુ આ ચાર કૃષિ યુનિ.ઓમાંથી દર વર્ષે ૯૦૦-૧૦૦૦ કૃષિ સ્નાતકો ૩૫૦-૪૦૦ અનુસ્નાતકો, ૨૦૦-૨૫૦ કૃષિ ડિપ્લોમાં અને કૃષિ સંલગ્ન અભ્યાસક્રમના બીજા ૧૦૦૦થી વધુ સ્નાતકો દર વર્ષે બહાર પડે છે. અથવા અભ્યાસ પૂરો કરે છે. આ સંખ્યા રાજયની કૃષિ તજજ્ઞોની જરૂરીયાત ને પહોચી વળવા માટે પૂરતી જ નહી પરંતુ જરૂરીયાતથી પણ વધારે માત્રામાં છે. આ સંજોગોમાં ખાનગી કોલેજો હસ્તક કૃષિ શિક્ષણને મંજૂરી આપવાની શું જરૂરીયાત ? તે કોઈ રીતે સમજાતું નથી.

કોરોનાની મહામારી વચ્ચે રાજય સરકારની કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓની યુનિ., કોલેજો ખાતે ગેરહાજરીનો યોગ્ય સમય જોઈ કૃષિના અગ્રસચિવએ પોતાની વયનિવૃત્તિના એક અઠવાડિયા પહેલા જ મંજૂરી આપી દેવાની જે શંકાસ્પદ કામગીરી કરેલ છે. તેને સંપૂર્ણ વિદ્યાર્થી આલમ સખત રીતે વખોઢી કાઢે છે. અને ખેડુતોના હિતની વિરૂધ્ધ કામ કરતા આવા અધિકારી સામે એક તટસ્થ અને નિષ્પક્ષ કમિટી બનાવી આ મંજૂરીની પ્રક્રિયાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને જે તે અધિકારીના તમામ નિવૃત્તિ લાભને સ્થગિત કરવામાં આવે આવા અધિકારી ભ્રષ્ટ સાબિત થયેથી તેમની સામે યોગ્ય શિક્ષાત્મક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી વિદ્યાર્થી આલમ મજબૂતાઈથી માંગણી કરે છે સમગ્ર રીતે આ મુદાને સરકાર ગંભીરતાથી લે અને તે માટે ત્વરિત કરવામાં આવે તેવી યોગ્ય તટસ્થ અને નિષ્પક્ષ તપાસની અમો માંગ કરીએ છીએ.

અમે રાજય સરકારની કૃષિ યુનિ.ઓનાં વિદ્યાર્થીઓ રાજય સરકારને ખેડુતોના હિતને અન્યાય આ નિર્ણયને રદ કરવાની માંગણી અને વિનંતી કરીએ છીએ અન્યથા રાજયની સરકારી કૃષિ યુનિ.ઓનાં તમામ વિદ્યાર્થીઓ કે જેમાંથી મહત્તમ ખેડુતપુત્રો છે તે સૌ પોતાના ગામ, ગામના ખેડુતો સગાવ્હાલા અને ખેડુતોને આ મુદાથી વાકેફ કરી અને આવનાર સમયમાં આ મુદાઉપર સરકારનો વિરોધ કરીશું સરકાર ભ્રષ્ટાચાર વિરોધી નીતિની ખૂબજ વાતો કરે છે. પરંતુ તેનાથી વિપરીત લેવામાં આવે આ ભ્રષ્ટ નિર્ણયનો અમે ખૂબજ વિરોધ કરીશું અને તેને દૂર કરવા તમામ પ્રયાસો કરીશું અને દૂર કરાવીને જ જંપીશું તેવો વિશ્ર્વાસ વ્યકત કરીછીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.