Abtak Media Google News

ગ્રાન્ટેડ કોલેજો પ્રાઇવેટ યુનિવર્સિટી સાથે જોડાતા શિક્ષણ માેઘું થશે?

સરકાર ભવિષ્યમાં ગ્રાન્ટેડ કોલેજોની ગ્રાન્ટ આપશે કે કેમ? પ્રોફેસર સહિત કર્મચારીઓના પગાર અને અન્ય લાભોના મુદ્દે પણ અનેક અટવળો વચ્ચે ગ્રાન્ટેડ કોલેજોના ખાનગી યુનિવર્સિટી સાથે જોડાણ માટે વિરોધનો સુર ઉઠ્યો છે.

સરકારી યુનિવર્સિટીની ઉદાસીનતા અને કથળતી સ્થિતિને પગલે હવે ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી તરફ દોટ મુકાવશે?  સરકારમાં અત્યારે ખાનગીકરણનો વાવર ચાલે છે. બેંકો ખાનગી હતી તો તેનું 1969માં રાષ્ટ્રીયકરણ થયું ને હવે સરકારને લાગે છે કે રાષ્ટ્રીયકરણ નિષ્ફળ ગયું છે તો બેન્કોને ફરી ખાનગી કરીએ. આનો બેન્કોને વિરોધ છે. વિરોધ એટલે છે કે તેના કર્મચારીઓને નોકરી અને પગારની સલામતી જણાતી નથી. જેવી રીતે બેન્કોની સ્થિતિ થઈ તેમ હવે ઉચ્ચ શિક્ષણની પણ આવી જ સ્થિતિ થાય તે નક્કી છે. કેમ કે સરકારી યુનિવર્સિટી અને કોલેજોમાં અધ્યાપકોની બેફામ લાલિયાવાડી ચાલી રહી હોય જેના કારણે નાગરિકોનો શિક્ષણનો અધિકાર એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન જોખમમાં મુકાઈ શકે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.

હાલમાં જે રીતે ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં પ્રોફેસર મનઘડત વલણ મુજબ કામ કરી રહ્યા છે. જોવા જઈએ તો યુજીસીના નિયમ મુજબ પ્રોફેસરોએ સાત કલાકની હાજરી આપી પૂરતા લેક્ચર લેવાના હોય છે અને શેક્ષણિક પ્રવૃત્તિ સિવાયની ઇતર પ્રવુતિ અને વિદ્યાર્થીઓના વિકાસના પણ કામ કરવાના હોય છે જો કે કોલેજોમાં મોટાભાગના પ્રોફેસરો માંડ માંડ બે કલાકની હાજરી આપીને ઘરે ભાગી જાય છે આમ વિદ્યાર્થીઓને શિક્ષણ કઈ રીતે મળે તે પણ સવાલ છે. હવે જ્યારે ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટીઓ સાથે જોડાય તો ફરજીયાત પણે કોલેજોએ ખાનગી યુનિવર્સિટીના ધારા ધોરણ હેઠળ કામ કરવુ પડે. બીજીબાજુ ખાનગી યુનિવર્સિટી સાથે જોડાવવાના નિર્ણયનો ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકો દ્વારા વિરોધ પણ ચાલી રહ્યો છે કેમકે પગાર ધોરણ અને બીજા અન્ય લાભો પર લટકતી તલવાર ઉભી છે.

ધારો કે સાર્વજનિક યુનિવર્સિટી સાથે જોડાણ થાય છે તો આ ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે જોડાશે. એ કોલેજોનું સ્ટેટસ શું હશે? તે કોલેજો ગ્રાન્ટેડ ગણાશે કે ખાનગી? ગ્રાન્ટેડ ગણાય તો, તો બહુ વાંધો નહીં આવે, પણ ખાનગી ગણાય તો વિદ્યાર્થીઓની અને અધ્યાપકોની હાલત ખરાબ થશે. જો કે બીજીબાજુ વાત કરીએ તો શિક્ષણની સ્થિતિ પણ સુધરશે અને શિક્ષણ મોંઘુ દાટ બનશે.

વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીમાં જાય તો ફીનું ધોરણ તેમને પરવડી શકે નહીં. એ સ્થિતિમાં કેટલાકે ભણવાનું છોડવું પડે. એ તો ઠીક, આ કોલેજોમાં પીએચ.ડી.ના ગાઇડ્સ છે, સિનિયર અધ્યાપકો છે, એ પણ ખાનગી યુનિવર્સિટીમાં ધકેલાય તો તેમનું પગાર ધોરણ અને બીજા લાભોનું શું તે પણ વિચારવાનું રહે. ખાનગી શાળાઓમાં શિક્ષકોનું જે શોષણ થાય છે તે અહીં નહીં જ થાય એની ખાતરી નથી. સરકાર તો કહે છે કે ખાનગી યુનિવર્સિટીઓમાં ગ્રાન્ટેડ કોલેજો જોડાશે તો વિદ્યાર્થીઓએ વધારે ફી નહીં ભરવી પડે કે ન તો અધ્યાપકોના હકો ડૂબશે.

નવી શિક્ષા નીતિમાં કોલેજો અને યુનિવર્સિટીઓને સ્વાયત્તતા આપવાની વાત છે. એ ધ્યાને લઈએ તો એમ લાગે છે કે સરકાર શિક્ષણમાંથી હાથ કાઢી લઈને આખો કારભાર ખાનગી કોલેજોને અને યુનિવર્સિટીઓને માથે નાખવા માંગે છે. એમ થાય તો ખાનગી સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ચલાવશે. જેને એમાં રસ છે તે સોર્સિસ ઊભા કરશે ને આર્થિક તેમ જ શૈક્ષણિક માળખું તૈયાર કરી ને સ્વતંત્ર રીતે કારભાર કરશે. એમાં તંદુરસ્ત સ્પર્ધા થાય તો ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ વધે ને નવાં કીર્તિમાન સ્થપાય. એટલે એમ પણ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય કક્ષાની ઓકસફોર્ડ યુનિવર્સિટીની જેમ ભારતનું એજ્યુકેશન ખાનગીકરણથી સુધરશે એ નિશ્ચિત છે જો કે સામે શિક્ષણ મોંધુ બનશે તે વાત પણ નકકી જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.