ઈદે મિલાદની ઉજવણીને લઈને સરકારની ગાઈડ લાઈનમાં સુધારો, જાણો હવે ઝૂલૂસમાં કેટલાક લોકો જોડાઈ શકશે

કોરોના મહામારીને ધ્યાને રાખીને મુસ્લિમ બિરાદરો ફક્ત પ્રતીકાત્મક ઝુલુસ કાઢશે!!

મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર ઈદે મિલાદ ઉન નબીના રોજ રાજયમાં ઝુલુસ કાઢવા માટે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી અને રાજય ગૃહમંત્રીને પત્ર લખી પરવાનગી માંગી હતી. જેથી સીએમ અને ગૃહમંત્રી દ્વારા શરતી મંજુરી આપી હોવાનું કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે.

આગામી 19 તારીખે મુસ્લિમોનો પવિત્ર તહેવાર ઈદે મિલાદ ઉન નબી આવનાર છે. જેથી કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય દ્વારા ઝુલુસની પરવાનગી માંગવામાં આવી હતી. આ અંગે ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે, સીએમ ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી દ્વારા ત્રણ મુસ્લિમ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ,ઈમરાન ખેડાવાલા અને મોહમંદ જાવેદ પીરઝાદાની માંગણીના અનુસંધાને ઈદે મિલાદ ઉન નબીમાં સમગ્ર ગુજરાત રાજયમાં શરતી પરવાનગી આપવામાં આવી છે. આ અંગે ગૃહ રાજયમંત્રી દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી.

જો કે, કોરોના ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે જુલુસનો સમય,ઝુલુસમાં જોડાવાનારા વ્યક્તિઓની સંખ્યા અને એસઓપી અંગેની જ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ઈદે મિલાદ ઉન નબીમાં ઝુલુસ કાઢવા માટેની પરવાનગી મુખ્યમંત્રી,રાજય ગૃહમંત્રી અને રાજય પોલીસ વડા દ્વારા આપવામાં આવી છે.

રાજકોટ શહેરમાં નહીં નીકળે ઝુલુસ !!!

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં ઝુલુસ નહીં નીકળે તેવું જાણવા મળી રહ્યું છે. રાજકોટ પોલીસ સાથેની મુસ્લિમ બિરાદરોની બેઠકમાં બિરાદરોએ ઝુલુસ નહીં કાઢવા અંગે સહમતી દર્શાવી છે. તમામ ઝુલુસ પ્રતીકાત્મક રીતે ફક્ત શેરીમાં નીકળશે અને ત્યારબાદ ઝુલુસ પૂર્ણ કરી દેવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાને રાખીને મુસ્લિમ બિરાદરોએ સ્વયં જ આ નિર્ણય કર્યો છે.

આ વર્ષે ઇદ મિલાદના અવસરે  રાજ્ય સરકારે ઝુલુસને મંજૂરી આપી છે. મંગળવાર 19 ઓક્ટોબરે ઇદ છે, ત્યારે કોવિડના નિયમો સાથે ઝુલુસ કાઢવાની સરકારે મંજૂરી આપી છે.  સરકાર દ્વારા કાલે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી જેમાં માત્ર 15 લોકોને જ મંજૂરી હતી, જે વધારીને હવે 400 લોકોની કરવામાં આવી છે. જો કે 400ની મંજૂરી  એવા ઝુલુસને જ છે. જે માત્ર મર્યાદિત મહોલ્લામાં જ ફરવાનું હોય એકથી વધુ મહોલ્લામાં ફરતા ઝુલુસ માટે 15 લોકો જ ઝુલુસમાં જોડાઇ શકશે.