- નાણાકીય વર્ષ 2026 માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાનું બજેટ 80% વધારીને રૂ. 20,000 કરોડ કરાયું
સરકારે નાણાકીય વર્ષ 2026 માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાનું બજેટ 80% વધારીને રૂ. 20,000 કરોડ કર્યું છે, જેનાથી ગયા વર્ષે જાહેર કરાયેલા તેના મુખ્ય સોલાર રૂફટોપ કાર્યક્રમને વેગ મળશે. નાણાકીય વર્ષ 2025 માટે સુધારેલ બજેટ અંદાજ રૂ. 11,100 કરોડ હતો. સરકાર નાણાકીય વર્ષ 2027 સુધીમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનની સંખ્યા વર્તમાન 800,000 થી વધારીને 1 કરોડ ઘરો સુધી પહોંચાડવાની યોજના ધરાવે છે.
હાર્ટેક ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ સિમરપ્રીત સિંઘે જણાવ્યું હતું કે, “આ પહેલ સૌર ઉર્જાના વ્યાપક સ્વીકારને પ્રોત્સાહન આપશે, નાગરિકોને સ્વચ્છ ઉર્જા ઉકેલો સાથે સશક્ત બનાવશે અને ભારતની એકંદર ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવશે.” ફેબ્રુઆરી 2024 માં શરૂ કરાયેલ, આ યોજનાનો ઉદ્દેશ્ય 1 કરોડ પરિવારોને પોતાની વીજળી ઉત્પન્ન કરવા સક્ષમ બનાવવાનો છે, જેનો ખર્ચ 75,021 કરોડ રૂપિયા છે. ઓક્ટોબરમાં, એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું કે અગાઉની છત યોજનાની તુલનામાં આ યોજના હેઠળ સ્થાપનોમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ સુધારા માટે ઘણા ક્ષેત્રો છે જે લોન અને સબસિડીના વિતરણમાં લાગતા સમયને ઘટાડવામાં મદદ કરી શકે છે.
સરકારને 2026-27 સુધીમાં 1 કરોડ ઘરોના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાનો વિશ્વાસ છે અને અવરોધો દૂર થયા પછી સ્થાપનોની ગતિ ઝડપી થવાની અપેક્ષા છે. આ યોજના ઘરોને 40% સુધીની સબસિડી પૂરી પાડે છે, જે નવીનીકરણીય ઊર્જાને વધુ સસ્તું અને સુલભ બનાવે છે. આ પહેલ લાખો લોકોને સ્વચ્છ ઉર્જા અપનાવવા માટે સશક્ત બનાવે છે, જે ટકાઉ વિકાસ અને ઉર્જા નવીનતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
બજેટમાં ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું
બજેટમાં માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ વિકાસ માટે મહત્વાકાંક્ષી રોડ મેપ રજૂ કરવામાં આવ્યો છે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે અને સપ્લાય ચેઇનની સરળ કામગીરીથી સ્થાનિક ઉત્પાદનને મોટો વેગ મળશે.
તેમણે કહ્યું કે બજેટ પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય મલ્ટી-મોડલ કનેક્ટિવિટી યોજનાને વેગ આપશે જેમાં જીઓસ્પેશિયલ લેન્ડ રેકોર્ડ્સ, બહેતર એર કાર્ગો સુવિધાઓ અને વેપાર દસ્તાવેજોને સુવ્યવસ્થિત કરવા માટે ભારત ટ્રેડ નેટ પ્લેટફોર્મ જેવા અન્ય અપગ્રેડ સહિત સુધારેલ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થશે. “ઉત્પાદન અને લોજિસ્ટિક્સ પ્રોત્સાહન દેશના ટાયર 1 અને 2 શહેરોમાં ઔદ્યોગિક અને વેરહાઉસ લીઝિંગ પ્રવૃત્તિ પર સૌથી વધુ અસર કરશે,” રિયલ એસ્ટેટ ક્ધસલ્ટન્સી કોલિયર્સ ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બાદલ યાજ્ઞિકે જણાવ્યું હતું.
“આપણે નજીકના ભવિષ્યમાં ગ્રેડ એ લીઝિંગ પ્રવૃત્તિમાં વધારો જોઈ શકીએ છીએ, અને દેશના મુખ્ય બજારોમાં ઔદ્યોગિક શેડ અને વેરહાઉસની માંગ 30-40 મિલિયન ચોરસ ફૂટ સુધી પહોંચી શકે છે,” તેમણે ઉમેર્યું. આ પરિવર્તનના કેન્દ્રમાં પીએમ ગતિ શક્તિનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ડેટા મેપિંગ રોકાણોને આકર્ષિત કરશે, ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપશે અને કાર્યક્ષમતામાં વધારો કરશે.
સમુદ્રના રહસ્યો ઉકેલવામાં મળશે મદદ સમુદ્રયાન પ્રોજેકટ માટે રૂ.600 કરોડ ફાળવાયા
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 2024ના બજેટમાં ભારતના સમુદ્રયાન મિશન માટે 600 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ મિશન સમુદ્રની ઊંડાઈનો અભ્યાસ કરવા માટે સબમર્સિબલ દ્વારા વૈજ્ઞાનિકોને મોકલવા સાથે સંબંધિત છે. બજેટમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયને 3649.81 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. આ પાછલા બજેટ કરતા વધુ છે. ગયા બજેટમાં મંત્રાલયને 3064.80 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. સમુદ્રાયણ મિશન પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ આવે છે.
આ મિશનમાં સમુદ્રની ઊંડાઈનું મેપિંગ, 6,000 મીટરની ઊંડાઈ સુધી ડાઇવિંગ કરવા સક્ષમ માનવસહિત સબમર્સિબલ માટે ટેકનોલોજી વિકસાવવા, ઊંડા સમુદ્રના જૈવ સંસાધન માટે ખાણકામ અને થર્મલ ઉર્જા સંચાલિત પ્લાન્ટ માટે એન્જિનિયરિંગ ડિઝાઇનનો સમાવેશ થાય છે. નાણામંત્રીએ હવામાન આગાહી ક્ષમતા માટે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની પહેલ મિશન મૌસમ માટે રૂ. 1,329 કરોડ પણ ફાળવ્યા.
ભારત આ વર્ષના અંતમાં ચેન્નાઈ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન
ટેકનોલોજી દ્વારા વિકસિત માનવસહિત સબમર્સિબલને સમુદ્રમાં 500 મીટરની ઊંડાઈ સુધી મોકલવાની અને આવતા વર્ષ સુધીમાં સમુદ્રના તળિયામાં 6,000 મીટરની ઊંડાઈ સુધી શોધખોળ કરવાની યોજના ધરાવે છે.ડીપ ઓશન મિશનનો ઉદ્દેશ્ય ઊંડા સમુદ્રી સંસાધનોનું અન્વેષણ કરવાનો અને તેમના ટકાઉ ઉપયોગ માટે ટેકનોલોજી વિકસાવવાનો છે. આ મિશનમાં ઊંડા સમુદ્રમાં ખાણકામ, માનવસહિત સબમર્સિબલ અને પાણીની અંદર રોબોટિક્સ માટે ટેકનોલોજીનો વિકાસ શામેલ છે. ઊંડા સમુદ્રમાં જૈવવિવિધતાના સંશોધનનો સમાવેશ થાય છે. આમાં ઊંડા સમુદ્ર સર્વેક્ષણ અને સંશોધન, સમુદ્રમાંથી ઉર્જા અને તાજા પાણી અને સમુદ્રી જીવવિજ્ઞાન માટે અદ્યતન દરિયાઈ સ્ટેશનોનું નિર્માણ પણ શામેલ છે. ઔદ્યોગિક ઉપયોગોમાં પુનરુત્થાન માટે સમુદ્ર જીવવિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં માનવ ક્ષમતા વિકસાવવામાં આવશે.