ગોંડલ નજીક ગોઝારો અકસ્માત: ટાયર ફાટતાં કાર ડિવાઈડર ટપી એસટી બસ સાથે અથડાઈ, 5 લોકોના મોત

ઓવર સ્પીડ તેમજ ટ્રાફિક નિયમોના પાલનના અભાવે માર્ગ અકસ્માતના બનાવો ખૂબ વધ્યા છે. હાઈ-વે પર છાશવારે ઘટતા અકસ્માતોમાં મુસાફરો મોતને ભેટી રહ્યા છે ત્યારે આજરોજ રાજકોટના ગોંડલ નજીક ગોઝારો અકસ્માત બન્યો છે. ભોજપરા અને બિલાયાળા વચ્ચે રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો છે.

કાર ડિવાઈડર ટપી સામેની સાઈડમાં આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા આ ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોનાં મોત થયા છે.  જ્યારે અન્ય 2 વ્યક્તિને ઈજા પહોંચી છે.

અકસ્માતના બનાવના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્વાની કામગીરી હાથ ધરી હતી.  બનાવની જાણ કરાતાં 108 અને હાઇવે ઓથોરિટીનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો છે, ગોંડલ તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવા આવ્યા છે.