Abtak Media Google News

ધોરાજી પોલીસે પ્રોકસો કલમ હેઠળ એક શખ્સની કરી ધરપકડ

ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે રહેતી સગીરા શાળાએ મોડી સાંજ સુધી પરત ન આવતાં દાદી અને પિતાને લાગી આવ્યું હતું દાદીએ એસિડ ગટગટાવી લીધું હતું અને પિતાએ વાડીએ જઇને ઝેરના પારખાં કરી લીધા હતા. જો કે દાદીને ગંભીર અસર થઇ હતી અને તેમને જુનાગઢ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે   પિતાની તબીયત ગંભીર ગણાવાઇ રહી છે. બીજી તરફ આ સગીરાની છ મહિના અગાઉ ગામના જ એક શખ્સ છેડતી કરી હતી તેની જાણ કાકાને થતાં તેમણે ફરિયાદ નોંધાવતાં પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી અને ફરિયાદ લીધા બાદ પોક્સોની કલમ હેઠળ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.

આ અંગે ધોરાજી પોલીસ મથકે સગીરાના કાકાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ઝાંઝમેર ખાતે માતા-પિતા અને મોટાભાઈ સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. અને મોટાભાઇ અને ભાભીના છૂટાછેડા થઇ ગયા હોય મોટાભાઇની પુત્રી તેમની સાથે રહે છે. મોડી સાંજ સુધી દીકરી ઘરે ન આવતાં મારી માતાને લાગી આવ્યું હતું અને હું પાણી વાળવા ખેતરે ગયો હતો ત્યારે મારી માતાએ એસિડ પી લીધું.

હું તેમને તાબડતોબ જૂનાગઢ હોસ્પિટલ લઇ ગયો હતો અને ત્યાં તેમનું મોત નીપજ્યું હતું. બીજી તરફ સગીરાના પિતાએ પણ વાડીએ ઝેર પી લીધું હોવાની પાસેની વાડીના માલિકે મને જાણ કરી હતી અને તેમને ઉપલેટા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે જ્યાં તેમની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. જો કે સગીરાના પિતાએ શા માટે ઝેર પીધું એ જાણવા મળ્યું નથી. સગીરાએ આપેલી કેફીયત બાદ પોલીસે આરોપી જયરાજસિંહ ચુડાસમાની 354 (ક) અને પોકસો હેઠળ ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.