જસદણના ગઢડીયાજામ-ખડવાવડી રોડ પર પુલના નિર્માણથી લોકોને મોટી રાહત

ગઢડીયાજામ-ખડવાવડી વચ્ચે ૧.૫૦ કરોડના ખર્ચે પાંચ કોઝ-વેનુ ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

પાણીપુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જસદણ તાલુકા ગઢડીયાજામ અને ખડવાવડી રોડ પર નિર્માણધીન નારા અલગ અલગ પાંચ કોઝવેનું રામોલીયા ખાતે ખાતમુર્હત કરતા જણાવ્યું હતું કે, આ રોડ પર વર્ષોથી ચોમાસામાં વરસાદના પાણી ભરાતા સરધારથી આટકોટ તરફ જવા માટે રોડ બંધ થઈ જતા હતા. આ રોડ પર જરૂરી પુલીયાના નિર્માણ બાદ હવે બારમાસી રસ્તો બની જશે. આ પુલના નિર્માણથી રામોલીયા, ગઢડીયા, કનેસરા અને ખડવાવડી ગામના લોકોને વિશેષ લાભ મળશે. આ ગામોના લોકોને આવાન જાવન માટે કોઈપણ ઋતુમાં કોઈ મુશ્કેલી નહીં રહે તેમ મંત્રીએ ઉમેર્યું હતુ.

મંત્રી બાવળીયાએ જસદણ અને વિંછીયા પંથકમાં રોડ, રસ્તા, પીવાના પાણી સહીતની વિવિધ જરૂરિયાતોને પ્રાથમિકતા આપી અનેક વિકાસલક્ષી કામો આગળ ધપાવ્યા છે. પીવાના પાણી માટે સૌની યોજના હાલ ગતિમાન હોવાનું આ તકે તેમણે ગ્રામજનોને જણાવ્યું હતું. પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે યોજનાકીય માહિતી આ તકે પુરી પાડી હતી. હાલમાંજ રાજ્ય સરકાર દ્વારા ૧૯૬૨ પશુ દવાખાના મોબાઈલ વાન સેવા લોન્ચ કરાવવામાં આવી હોવાનું અને રાજકોટ જિલ્લામાં કુલ ૩ વાન ઉપલબ્ધ કરાયાનું તેમેણે જણાવી લોકોને ઈમરજન્સીમાં આ સેવાનો લાભ લેવા જણાવ્યું હતું.

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી માર્ગ અને મકાન વિભાગ હેઠળ રામોલીયા ખાતે રૂ. ૧૫૧.૧૬ લાખના ખર્ચે બંને તરફ ૯ કિલોમોટર અંતરમાં કુલ પાંચ કોઝવે નિર્માણ પામશે. જેની અવધી ૪ માસ છે. ટૂંકા ગાળામાં આ રોડ પર સ્પાન બોક્સ કલ્વર્ટ પુલીયા તૈયાર કરવામાં આવશે. જેની માહિતી અધિક્ષક ઈજનેર  આર.પી. સોલંકીએ આપી હતી.

આ પ્રંસગે પ્રાંત અધિકારી પી.એચ.ગલચર, રામોલીયા ગામના સરપંચ હંસાબેન રવજીભાઈ, ગઢડીયાના સરપંચ નરસિંહભાઈ કળોતરા, કનેસરાના સરપંચ હસુભાઈ હાંડા, ખડવાવડીના સરપંચ જેન્તીભાઇ માલકીયા સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.