Abtak Media Google News

કસોટીમાંથી જે કલ્યાણનો માર્ગ કંડારે એ મહાપુરૂષ

ગોંડલ સંપ્રદાયના તપસ્વી માણેકચંદ્રજી મહારાજ સા.તા.૯૯માં પૂણ્ય સ્મૃતિ અવસરે ગૂરૂદેવ નમ્રમૂનિ મહારાજની પ્રેરક સ્મરણાંજલી: પાંચ દિવસીય તપસ્વી ગૂરૂવર સ્મણાંજલી અવસરે હજારો ભાવવિભોર

મહાનતાનો જન્મ હંમેશા પ્રતિકુળતામાંથી જ થતો હોય છે. મહાપુરૂષો હંમેશા જાતને અને જગતને અજવાળવા માટે જ જન્મ ધરણા કરતા હોય છે તેમ ગુરૂદેવ નમ્રમૂનિ મહારાજે ગોંડલ સંપ્રદાયના તપસ્વી માણેકચંદ્રજી મહારાજ સા.ની ૯૯મા પૂણ્ય સ્મૃતિ અવસરે જણાવ્યું હતુ. ૯૯ વર્ષ પહેલા જેમના દેહની ઉપસ્થિતિમાં અગ્નિમાં રાખ થઈ જવા છતા આજે પણ તેઓ અનેક સંયમીઓનાં અને ભકતજનોનાં રખોપા કરી રહ્યા છે. જેમનું નામ સ્મરણ માત્ર અનેકોનાં વિઘ્નોને વિદાય આપીરહ્યું છે. એવા પ્રગટ પ્રભાવક તપસ્વી ગૂરૂદેવ પૂ. માણેકચંદ્રજી મહારાજ સા.ની ૯૯મી પૂણ્યસ્મૃતિ નિમિતે રાષ્ટ્રસંત પરમ ગૂરૂદેવ નમ્રમૂનિ મહારાજ સા.ના સાંનિધ્યે આયોજિત પાંચ દિવસીય તપસ્વી ગૂરૂવર સ્મરણાંજલિ અવસર હજારો હૃદયને પરમ તત્વના સાક્ષાત્કારની અનુભૂતિ કરાવી ગયો હતો.

હજારો હૃદયનાં આરાધ્ય કેન્દ્ર સ્વરૂપ તપસ્વી ગુરૂદેવની પૂણ્ય સ્મૃતિના આ અવસરે દેશ પરદેશના હજારો ભાવિકો પાંચ પાંચ દિવસ સુધી જય માણેકની જોડી, કર્મ નાખે તોડી આ મંત્ર સાધનાનો શ્રધ્ધાભાવે ગુંજારવ કરીને ધન્ય બન્યા હતા. તપસ્વી ગુરૂદેવના ગુણ સમૃધ્ધ જીવનની ઘટનાઓ તેમજ સમગ્ર જીવન કવન પર રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવની પ્રેરણાથી રચાયેલ સુંદર ગીત પંકિતઓને આ અવસરે લોકગીત શૈલીમાં અમુદાનભાઈ ગઢવી દ્વારા અનોખી રીતે પ્રસ્તુત કરવામાં આવતા સહુ તપસ્વી ગુરૂદેવના જીવનકાળની જીવંત અનુભુતિ કરી કૃતકૃતાર્થ બન્યા હતા.

Namramuni

પાંચ દિવસ સુધી અત્યંત મધુર વાણીથી, હૃદય સ્પર્શી શૈલીમા તપસ્વી ગુરૂદેવને ચિરસ્મરણીય વ્યકિતત્વ તરીકે ઓળખાવીને એમનું જીવન કવન વર્ણવતા ગુરૂદેવે સમજાવ્યું હતુ કે, કેટલાક આત્માઓ એવા હોય છે જન્મ લેતા પહેલા અને વિદાય લેતા પહેલા પણ સંકેત આપી જતા હોય છે. મહાપુરૂષના ગુણો અને એમની સક્ષમતાઓ આસપાસનાં વાતાવરણને પણ અસર કરતી હોય છે. મહાનતાનો જન્મ હંમેશા પ્રતિકુળમાંથી જ થતો હોય છે. મહાપુરૂષો હંમેશા જાતને અને જગતને અજવાળવા માટે જન્મ ધારણ કરતા હોય છે.

સુખ સામગ્રી અને સમૃધ્ધિનો ભોગવટો કરીને કોઈ મહાપુરૂષ ન બની શકે. ભોગી કદી વંદનીય ન બની શકે, પરંતુ ત્યાગી હંમેશા વંદનીય બનતા હોય. કસોટીઓ અનેકનાં જીવનમાં આવતી હોય ખોટ અનેકના જીવનમાં સર્જાતી હોય પરંતુ કસોટીમાંથી જે કલ્યાણનો માર્ગ કંડારે, ખોટમાંથી જ જે ખૂબીનું સર્જન કરે તે મહાપુરૂષ હોય છે. તપસ્વી પૂ. માણેકચંદ્રજી મહારાજ સા. એટલે એક એવા તપસ્વી જેમને માત્ર ૧૭ વર્ષની ઉંમરે આજીવન પાણીનો ત્યાગ કયો હતો, ૧૨ વર્ષ સુધી છાશમાં લોટ મેળવીને રસાસ્વાદનો ત્યાગ કયો હતો. ૧૮ મહિના સુધી લાકડાની ભૂકી અને છાશ વાપર્યા હતા અને બે કલાકથી વધારે નિંદ્રા કરવાનો ત્યાગ કર્યો હતો.

ઉપરાંતમાં, આ અવસર દરમિયાન ઘાટકોપરનાં કામાગલી સંઘથી પૂ. ઉર્મિલાબાઈ મહાસતીજી વસઈ માણેકપૂરથી ડો. પૂ. આરતીબાઈ મહાસતીજી, ગિરનારથી ડો. પૂ. ડોલરબાઈ મહાસતીજી પૂ. પરમ સંબોધિજી મહાસતીજી, પૂ. પરમ પવિત્રાજી મહાસતીજી તેમજ રાજકોટ, રોયલ પાર્ક બિરાજીત પૂ. સુનિતાબાઈ મહાસતીજીએ પોતાના જીવનમા અનુભવેલી તપસ્વી ગૂરૂદેવની પ્રગટ પ્રભાવકતાની ભાવભીની અભિવ્યકિત કરતાં હજારો હૃદય અભિવંદિત બન્યા હતા.

તપસ્વી ગૂરૂદેવનાં નામસ્મરણની જપ-સાધના લોકગીત શૈલીમાં પ્રસ્તુત થયેલું એમનું સચિત્ર જીવન દર્શન, પરમ ગૂરૂદેવના શ્રીમુખેથી અભિવ્યકત થયેલા એમના અનુપમ ગુણો જેતપૂર સ્થિત તપસ્વી ગૂરૂદેવની ઓરડીનાં લાઈવ દર્શન તેમજ પૂ. મહાસતીજીવૃંદના શ્રીમુખેથી પ્રગટ કરવામાં આવેલા પ્રભાવક પ્રસંગોના શ્રવણ સાથે આ પાંચ દિવસીય અવસર હજારો ભાવિકોને તપસ્વી ગુરૂદેવ પ્રત્યે નતમસ્તક કરી ગયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.