Abtak Media Google News

યુગાન્ડા અને આફ્રિકન દેશોમાં હાલ મોટાભાગનો માલ ઈમ્પોર્ટ કરવામાં આવે છે. લોકલ ઉત્પાદન લગભગ નહિવત છે.સૌરાષ્ટ્રમાં નાના અને મધ્યમ ઉદ્યોગોની ઉત્પાદન ક્ષેત્રે ખુબ સારી આવડત અને ફાવટ છે. સૌરાષ્ટ્રની આ ઉદ્યોગ ક્ષેત્રે નિપુણતાને ધ્યાનમાં રાખીને યુગાન્ડા એમ્બેસી દ્વારા વિઝિટ પ્લાન કરવામાં આવેલ.

યુગાન્ડાથી બે હાઈ લેવલ બિઝનેસ ડેલીગેશન ટૂંક સમયમાં રાજકોટ આવશે અને વિવિધ ફેકટરીઓની મુલાકાત લેશે

આફ્રિકાના અનેક દેશો ગુજરાતમાં કાર્યરત લઘુ ઉદ્યોગો જેવા જ ઉદ્યોગો સ્થાપવા આયોજન કરી રહ્યાં છે. યુગાન્ડા હાઈ કમિશ્નર દ્વારા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગભાઈ તેજુરાનો આ બાબત સંપર્ક કરવામાં આવેલ છે. યુગાન્ડા હાઈ કમિશ્નર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈને પણ પત્ર લખવામાં આવેલ છે.

યુગાન્ડા હાઈ કમિશ્નર દ્વારા લખવામાં આવેલ તેમની જરૂરિયાતમાં ટી પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા, ડેરી અને આઈસક્રીમ પ્લાન્ટ અને મશીનરી, ટોયલેટ અને ટીસ્યુ પેપર બનાવવાની મશીનરી, મકાઈની મિલ માટે પ્લાન્ટ અને મશીનરી, અનાજ સંગ્રહ શાંતિ માટે, પશુ હાર બનાવવા માટે પ્લાન્ટ અને મશીનરી, માચ્છીમારીના સાધનોની ખરીદી સહિતના ઉદ્યોગો સ્થાપવા માટે તેઓ રસ ધરાવે છે.

યુગાન્ડાના ડેપ્યુટી હેડ ઓફ ગુજરાત મિશન કેઝાલ દ્વારા સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ સાથે આ બાબતમાં ઘણા વખતથી કોમ્યુનિકેશનનો દોર ચાલુ હતો. એસવીયુએમના પ્રયાસોથી બે હાઈ લેવલ ડેલિગેશન આવનારા દિવસોમાં રાજકોટની મુલાકાત લેશે. એસવીયુએમના પ્રમુખ પરાગ તેજુરાના જણાવ્યા પ્રમાણે સૌપ્રથમ યુગાન્ડાના હાઈ કમિશ્નર અને તેમના અધિકારીઓની ટીમ અભ્યાસ અર્થે જૂન માસના અંત ભાગ અથવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં રાજકોટ આવશે અને વિવિધ ફેકટરીઓની મુલાકાત લેશે.

ત્યારબાદ બીજા તબક્કામાં લગભગ 35 લોકોનું ડેલિગેશન આવશે જેમાં ત્યાંના મોટા બિઝનેશમેન તથા સરકારી અધિકારીઓની ટીમ ઓગસ્ટ માસમાં આવશે. સૌરાષ્ટ્ર ગુજરાતના બિઝનેશમેન માટે આફ્રિકામાં ઉદ્યોગો સ્થાપવા તો સ્થાપવા માટેની ટેકનોલોજી, મશીનરી, તાલીમ અને કાચોમાલ પુરો પાડવાની ઉત્તમ તકનું સર્જન થયેલ છે.

યુગાન્ડાના ડેલિગેશનની સંપૂર્ણ વ્યવસ્થાની તૈયારીઓ સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ નગદીયા, કેતનભાઈ વેકરીયા, નિશ્ર્ચલ સંઘવી, મયુર ખોખર, લવ પીઠવા, મિહિર સખીયા, હેમાંગ સોલંકી, નીરવ પટેલ, તીર્થ મકતી તથા વિરલ રૂપાણી કરી રહ્યાં છે.

વિદેશમાં મશીનરીની નિકાસનો દરવાજો બનશે ‘રાજકોટ’

Dsc 0427

યુગાન્ડાના પ્રતિનિધિ મંડળને જરૂરીયાતની તમામ મશીનરીઓ માટે માર્ગદર્શક બની રહેલુ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ

રાજકોટની મશીનરી હવે યુગાન્ડા અને આફ્રિકાના દેશોમાં પણ નિકાસ થશે. ‘અબતક’ની મુલાકાતે આવેલા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રતિનિધિ મહેશભાઈ નગદીયા, કેતનભાઈ વેકરીયા, નિશ્ર્ચલ સંઘવી, મયુર ખોખરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુગાન્ડાથી મશીનરી પ્લાન્ટ પ્રોજેકટ માટે આવી રહેલા પ્રતિનિધિઓને રાજકોટની તમામ પ્રોડકટ ઉપરાંત રાજકોટથી બહાર બનતી મશીનરીનું ડેમોસ્ટ્રેશન અને ખરીદીથી લઈ નિકાસની વ્યવસ્થા કરી દેવામાં આવશે. યુગાન્ડામાં ફૂડ પ્રોસેસીંગ યુનિટથી લઈ ફીશરીઝ ઉદ્યોગને કામ આવે તેવા સાધનોની મોટાપાયે ખપત છે. રાજકોટ આ તમામ નિકાસમાં નિમીત બનશે. અત્યારે દેશમાં મશીનરીની નિકાસનું પ્રમાણ માત્ર 2 ટકા છે. તેને 8 ટકા સુધી લઈ જવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું આવા પ્રયાસોથી સાકાર થશે. જો બે માંથી માત્ર 4 ટકાએ નિકાસ પહોંચે તો પણ ઉદ્યોગજગત અને ખાસ કરીને નિકાસ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.