બંદરોને પ્રદુષણ મુક્ત બનાવવા ટૂંક સમયમાં જાહેર થશે ગ્રીન પોર્ટ પોલિસી

પ્રદુષણ રહિત ઇંધણનો વધુ ઉપયોગ, 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં 30 ટકા સુધીનો ઘટાડો સહિતના મુદ્દે દિશા સૂચનો કરાશે

દેશના બંદરો પ્રદુષણ મુક્ત બને અને આંતરરાષ્ટ્રીય ધોરણે આગળ આવે તે માટે સરકાર ટૂંક સમયમાં ગ્રીન પોર્ટ પોલિસી જાહેર કરશે. આ પોલીસીથી કાર્બન નેટ ઝીરોના લક્ષ્યને હાંસલ કરવામાં સરકારને મદદ મળશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નીતિ ઓછા પ્રદૂષિત ઇંધણ તરફ આગળ વધવા અને એકંદર કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે પ્રોત્સાહનો આપશે. પોલીસી એ વ્યાખ્યાયિત કરશે કે ગ્રીન પોર્ટ્સ મોડલને બંદરોમાં પહેલાથી જ લાગુ થયેલ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલ સાથે કેવી રીતે વણવામાં આવશે.

પોર્ટ અને શિપિંગ ઉદ્યોગમાં સ્વચ્છ ઇંધણનો ઉપયોગ કેવી રીતે કરવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રીન હાઇડ્રોજન મિશન સાથે એકીકરણ માટે પણ આ પોલિસી દિશા પ્રદાન કરશે.

ગ્લાસગોમાં યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વ્યાખ્યાયિત કરાયેલ પંચામૃત સિદ્ધાંતોને અનુરૂપ આ પોલિસી હશે. પંચામૃત હેઠળ, વડા પ્રધાને 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાને 500 ગીગાવોટ સુધી વધારવાનું રાષ્ટ્રીય લક્ષ્ય નક્કી કર્યું છે. ભારત, યોજનાના ભાગરૂપે, 2021 થી 2030 સુધીમાં કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો કરશે.  અને 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જક બની જશે.

“ભારતીય બંદરોએ વાર્ષિક ગ્રીનહાઉસ ગેસ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની પણ ગણતરી કરવી પડશે. એકવાર ઉત્સર્જનનો જથ્થો આધારરેખા તરીકે સ્થાપિત થઈ જાય, પછી સ્થાનિક બંદરો તેને નિર્ધારિત રીતે સરભર કરવા માટે તેમના પ્રયાસો શરૂ કરશે.

ભારતીય બંદરો પહેલાથી જ 2030 સુધીમાં હેન્ડલ કરવામાં આવતા કાર્ગો પ્રતિ ટન કાર્બન ઉત્સર્જનને 30% ઘટાડવાની દરખાસ્ત કરી રહ્યા છે. આઇએમઓ ગ્રીન વોયેજ 2050 પ્રોજેક્ટ હેઠળ ગ્રીન શિપિંગ સંબંધિત પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરનાર ભારત પહેલો દેશ હશે.

2021-2030ના સમયગાળા માટેના પેરિસ કરાર હેઠળ ભારતના રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાનમાં 2005ના સ્તરથી 2030 સુધીમાં તેના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના ઉત્સર્જનની તીવ્રતાને 33 થી 35% સુધી ઘટાડવાના લક્ષ્યોનો સમાવેશ થાય છે.