કબૂતર પાળવાનો વધતો ક્રેઝ: વિશ્ર્વમાં 200થી વધુ પ્રજાતિના કબૂતરો

અબતક-અરૂણ દવે,રાજકોટ

 

કબૂતરનું ઘૂ……ઘૂ…….ઘૂ……..અને નિર્દોષ પારેવાના નામથી ઓળખાતા કબૂતરોને શાંતિદૂતના પ્રતિક ગણવામાં આવે છે. સમગ્ર વિશ્ર્વની સાથે ભારતમાં અને આપણાં ગુજરાત, સૌરાષ્ટ્રમાં દિનપ્રતિદિન કબૂતરોના પ્રેમીઓની સંખ્યા વધી રહી છે. એક જમાનામાં તેનો સંદેશા વ્યવહારમાં પણ ઉપયોગ થતો હતો. રાજા-રજવાડાઓ સારી પ્રજાતિના કબૂતરો રાખતા કે પાળતા હતા. આજે પણ લશ્કરમાં તેનો ઉપયોગ પેટ પર કેમેરો બાંધીને જાસૂસી માટે થાય છે.

આજે વિશ્ર્વમાં 200થી વધુ જાતિના કબૂતરો લોકો પાળી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં પણ આશરે ત્રણ હજાર કબૂતરપ્રેમી કબૂતર પાળી રહ્યા છે. રાજકોટમાં મારવાડા, સફેદ, કચ્છા, કાબરા, છાપરા, હરા, ચોટી-મોજારા, અકડા, ફાઉન્ટેન, નકાબ પોશ, સિરાજી વિગેરે પ્રજાતિના કબૂતરો જોવા મળે છે. અમુક લોકો તે પાળવાના શોખને શુભ ગણે છે. જો કે હાલ લગભગ બધા જ લોકો તેને પાળી રહ્યા છે.

તાજેતરમાં ઓપન સૌરાષ્ટ્ર સ્પર્ધા કબૂતર ઉડાડવાની રાજકોટ ખાતે સ્પર્ધા યોજાય હતી જેમાં કાસમભાઇનું કબૂતર બાર કલાક નવ મિનીટ ઉડીને પ્રથમસ્થાને રહ્યું હતું. જો કે આ અગાઉ શફી બાપુનું કબૂતર 12 કલાક અને બે મિનીટ ઉડ્યું હતું. કબૂતરો ઉડવાની સ્પર્ધામાં તેને નિયત સિક્કો લગાવીને ઉડાડવામાં આવે છે તો દર બે કલાકે નિર્ણાયકોને સ્પર્ધકે પોતાનું ઉડતું કબૂતર બતાવવાનું ફરજીયાત હોય છે. નીચે આવે ત્યારે પોતાના જ ઘર પર બેસે કે ઉતરે તેવા નિયમ પણ હોય છે. નિર્ણાયકો આ બધા નિયમો વચ્ચે તટસ્થ નિર્ણય આપતા હોવાથી આવી સ્પર્ધામાં કબૂતરપ્રેમી વધારે ભાગ લઇ રહ્યા છે.

જાણિતા કબૂતરપ્રેમી રાજુભાઇ ખાંટે ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવેલ કે મારી પાસે 400થી વધુ કબૂતરો છે. ભારતની શ્રેષ્ઠ પ્રજાતિના કબૂતરો હવે રાજકોટમાં લોકો પાળવા લાગ્યા છે. શહેરમાં છેલ્લા ચાર દાયકાથી કબૂતરો ઉડાડવાની સ્પર્ધા યોજાય છે. આ સ્પર્ધાના પાયાના પથ્થરસમા કબૂતરપ્રેમીઓમાં નારણભાઇ ગમારા, છત્રસિંહ ઝાલા, ભયલી બાપુ, નાનુભાઇ, ગાંડુભાઇ અને જાદુભાઇનો સમાવેશ થાય છે. રાજકોટમાં કબૂતરપ્રેમીઓના શોખ વિકાસ માટે પણ વિવિધ કાર્ય પ્રોજેક્ટ થઇ રહ્યા છે.

આજે રાજકોટમાં સારી પ્રજાતિના કબૂતરોમાં પોપટપરા વિસ્તારના કાસમભાઇ, સંજયભાઇ ભરવાડ, ઇમરાનભાઇ જેવા કબૂતરપ્રેમીઓ અગ્રસ્થાને છે જેની પાસે સારી ઉડાન વાળા અને સારી પ્રજાતિના કબૂતરો છે. આજે કબૂતરોની કિંમતમાં પણ વધારો જોવા મળે છે. આ શાહી શોખમાં તેને પાળવાવાળા તેની માવજતમાં ખૂબ જ કાળજી લે છે.કબૂતરોના ખાવા-પીવા, ચણ બાબતેની કાળજી સાથે કબૂતરનો શોખીનો ટાઢ, તડકો અને ક્યારેક તો તેના જતનમાં ખાવાનું પણ ભૂલી જતાં હોય છે. મોટાભાગે અગાશી ઉપર ખડો કે ઓરડી બનાવીને પાળતા હોય છે. જો કે કેટલાકે તો સુંદર રૂમો તેના કબૂતરો માટે બનાવ્યા છે.

હેવાયા કરવા માટેની તકેદારી સાથે ચણમાં મગ, જુવાર, બાજરો, દાળ સાથે કેલ્શિયમવાળું પાણીની ચિવટ સાથે કબૂતરોમાં જોવા મળતા વાયલ, ચકમા અને કુકા જેવા રોગોમાં કબૂતરપ્રેમી તેની મેડીકલ ટ્રીટમેન્ટ પણ કરાવે છે ને રોગ ન આવે તેની સંપૂર્ણ તકેદારી રાખે છે. અમુક કબૂતરોની પ્રજાતિની કિંમત જોડીના લાખો રૂપિયા હોય છે. વિદેશોમાં પણ તેને પાળવાનો શોખ ધરાવતા લોકો જોવા મળે છે.

શહેરમાં ત્રણ હજાર જેટલા કબૂતરપ્રેમીઓ દ્વારા દર વષે કબૂતરો ઉડાડવાની સ્પર્ધા પણ યોજાઇ છે

પ્રાચિનકાળમાં સંદેશાવ્યવહારમાં ઉપયોગ થતો તો આજે કબૂતરો પોતાને ઘેર અગાસી ઉપર પાળી રહ્યા છે

કબૂતરોને ઉડાડવાની સ્પર્ધા

રાજકોટ ખાતે ઓપન સૌરાષ્ટ્ર લેવલની કબૂતરો ઉડાડવાની સ્પર્ધા છેલ્લા ચાર દાયકાથી યોજાય છે. જેમાં છેલ્લી સ્પર્ધામાં વિજેતા કબૂતર સવારથી સાંજ એટલે કે 12 કલાક અને નવ મિનિટ ઉડીને વિજેતા થયું હતું, જો કે ટોપ ફાઇવમાં માત્ર બે કે ત્રણ મિનિટનો ફેર જોવા મળ્યો હતો. તાજેતરની સ્પર્ધામાં એક કબૂતર 12 કલાક બે મીનીટ ઉડીને રેકોર્ડ કર્યો હતો. સિક્કો લગાવીને ઉડાડતું કબૂતર દર બે કલાકે સ્પર્ધકે નિર્ણાયકને બતાવવાનું હોય અને નીચે ઉતરે ત્યારે પોતાના ઘર ઉપર જ બેસે તેવો નિયમ હોય છે. રાજકોટ શહેરમાં ત્રણ હજાર જેટલા કબૂતરપ્રેમીઓ છે, જેની પાસે બસોથી વધુ પ્રજાતિના કબૂતરો જોવા મળે છે.