જીએસએફસીએ જાહેર ક્ષેત્રની કંપનીઓને ‘આત્મનિર્ભર’નું મોડેલ પૂરું પાડ્યું

આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જીએસએફસીનો ૨૦૦૦ કરોડના રોકાણનો માસ્ટર પ્લાન

નવી ૮ કેમીકલ ઈન્ડસ્ટ્રી, ૧૧ ફાર્મા પ્રોડકટ અને નવી બે ફર્ટીલાઈઝર પ્રોડકટ વિકસાવાશે: ચેરમેન

હાલ, આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ દરેક ક્ષેત્રે સ્વાવલંબનની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સે (જીએસએફસી) જાહેર ક્ષેત્રની કંપનીઓને આત્મનિર્ભરનું મોડલ પૂરું પાડ્યું છે. રૂા.૨ હજાર કરોડના રોકાણનો માસ્ટર પ્લાન ઘડ્યો છે. જેને સ્વિકારવા કેન્દ્ર સરકારે જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રની કંપનીઓને આહ્વાન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી જીએસએફસીના ઘણા પ્લાન્ટ ઠપ્પ પડ્યા હતા જેને ફરી શરૂ કરી આત્મનિર્ભર અભિયાનમાં જોડાવા જીએસએફસીએ કમરકસી છે.

તાજેતરમાં ચીનની ઘણી ચીજ-વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આવા સમયે ભારતના લોકોની જરૂરિયાત સંતોષાઈ રહે તે માયે તે વસ્તુઓનું ઘરેલું ઉત્પાદન થવું પણ અનિવાર્ય છે ત્યારે આ માટે ગુજરાત સરકાર હસ્તકની જીએસએફસી આગળ આવ્યું છે અને ચિનથી આયાત થતી ૨૧ જેટલી મહત્વની વસ્તુઓની ઉત્પાદન પોતે કરશે તેમ જણાવ્યું છે.

રૂપિયા ૨ હજાર કરોડના જીએસએફસીના આ પ્લાનમાં નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પણ આગળ આવી જોડાય તે માટે કેન્દ્ર સરકારે આહ્વાન કર્યું છે. ગુજરાતમાં ઉત્પાદનની પ્રવૃતિઓ વધુને વધુ પ્રોત્સાહિત થાય તે માટે પ્રયાસો હાથ ધરાશે. જીએસએફસીના ઈનીશીયેટીવે આ અંગે જણાવ્યું કે, આ રણનીતિ માટે નવું માળખું ઘડાશે તેમાં ખાસ કરીને ખાતર અને રાસાયણિકો પર ધ્યાન દેવામાં આવશે. આ માટે કેમિકલ્સ મીનીસ્ટ્રી સાથે વાટાઘાટો ચાલી રહી છે.

જીએસએફસીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર અરવિંદ અગ્રવાલે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમે નવી ૮ કેમીકલ ઈન્ડસ્ટ્રી, ૧૧ ફાર્મા પ્રોડકટ અને નવી બે ફર્ટીલાઈઝર પ્રોડકટ વિકસાવશું. જેનાથી આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહિત કરી શકશે. આગામી ૩ વર્ષમાં ૨ હજાર કરોડનું રોકાણ કરવાનું અમારું લક્ષ્યાંક છે.