Abtak Media Google News

રાજ્યોને ૠજઝ વળતર લંબાવવા અંગે કોઈ નિર્ણય નહિ: વેલ્યુએશન  પદ્ધતિ અંગે 15 જુલાઇ સુધીમાં અહેવાલ આપવા નિર્દેશ

જીએસટી કાઉન્સિલે કેસિનો, ઓનલાઇન ગેમિંગ, હોર્સ રેસિંગ અને લોટરી પર 28 ટકા ટેક્સ લગાવવાના પ્રસ્તાવને હાલ સ્થગિત રાખી દીધો છે. જીએસટી કાઉન્સિલની 47મી બેઠકમાં મંત્રીઓના સમૂહ દ્વારા રજૂ કરવામાં આવેલ 4 રિપોર્ટ અંગે ચર્ચા કરીને સ્વીકારવામાં આવ્યા છે. નાણામંત્રીએ બેઠક બાદ જણાવ્યું હતુ કે આ બેઠેકમાં રાજ્યોને કમ્પનસેશન આગળ વધારવા એટલેકે જીએસટી લાગુ થતા રાજ્યોને થઈ રહેલ નુકશાનની ભરપાઈ કરવા માટેની યોજનાને આગળ વધારવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.

કેન્દ્ર સરકારે જીએસટીના અમલ સમયે જે રાજ્યોને કરવેરામાં નુકસાન થાય તેની ભરપાઈ કરવા માટે પાંચ વર્ષની જોગવાઈ કરી હતી જે તા.30 જૂનના રોજ પૂરી થાય છે. ગત સપ્તાહે કેન્દ્ર સરકારે જીએસટી વળતર ભરપાઈ માટે કેટલીક ચીજો ઉપર લાદવામાં આવતી સેસની મુદ્દત માર્ચ 2026 સુધી લંબાવી છે પણ વળતર માટે કોઈ જાહેરાત કરી નથી. વિવિધ રાજ્યોએ વળતર માટે માંગ કરી હતી. ભાજપ સિવાયના રાજ્યોએ વળતર ઉપરાંત, જીએસટીમાં રાજ્યોનો હિસ્સો 50 ટકાથી વધારવા પણ માંગ કરી હતી. આ સિવા બેઠકમાં કેસિનો, ગેમિંગ અને હોર્સ રેસિંગ ઉપર 28 ટકા ટેક્સ લાદવાની ભલામણ અંગેના રિપોર્ટ પર ચર્ચા કર્યા બાદ વધુ માહિતી સાથે ઓગષ્ટ મહિનાની જીએસટી કાઉન્સિલની બેઠકમાં અંતિમ નિર્ણય થવાની સંભાવના નાણામંત્રીએ વ્યકત કરી છે. ક્રિપ્ટોકરન્સી અંગે પણ યથાસ્થિતિ જાળવીને કોઈ જીએસટી કરવેરો લાદવાનો નિર્ણય આ બેઠકમાં નથી લેવામાં આવ્યો.

અસંગઠિત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યમાં, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સકાઉન્સિલ નાના ઓનલાઈન વેચાણકર્તાઓ માટે ફરજિયાત નોંધણીને માફ કરવા સંમત થઈ છે. કાયદામાં ફેરફાર 1 જાન્યુઆરી, 2023થી અમલમાં આવશે. આ પગલાથી અંદાજે 120,000 નાના વેપારીઓને ફાયદો થશે. કાઉન્સિલે કમ્પોઝિશન ડીલર્સને ઇ-કોમર્સ ઓપરેટરો દ્વારા આંતરરાજ્ય પુરવઠો કરવાની મંજૂરી પણ આપી હતી. રૂ. 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કમ્પોઝિશન ડીલરો છે. તેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે ફ્લેટ દરે જીએસટી ચૂકવવાની જરૂર છે.

હાલમાં, ઈ-કોમર્સ ઓપરેટર્સ દ્વારા સપ્લાય કરતા વિક્રેતાઓએ ફરજિયાત રીતે નોંધણી કરાવવી જોઈએ, પછી ભલે તેમનું કુલ વાર્ષિક ટર્નઓવર રૂ. 40 લાખ અથવા રૂ. 20 લાખની થ્રેશોલ્ડ મર્યાદાથી નીચે હોય. ઑફલાઇન કામ કરતા વિક્રેતાઓને રૂ. 40 લાખ અથવા રૂ. 20 લાખ સુધીના માલ અને/અથવા સેવાઓના સપ્લાય માટે નોંધણીમાંથી મુક્તિ આપવામાં આવે છે.

પેકેજ ફૂડની વ્યખ્યામાં અત્યારસુધી વેરામુક્તિ મળતી હતી તેવી ચોખા, ચોખાથી બનાવટો, પાપડ, લસ્સી, છાશ, મધ, અનાજ વગેરેને હવે પાંચ ટકાના દરમાં આવરી લેવામાં આવશે એવું જાણવા મળ્યું છે. અત્યારે માત્ર બ્રાંડ હોય તેવી ખાદ્યચીજો ઉપર જ ટેક્સ લાદવામાં આવે છે. હવે પેકેજ અને જેના ઉપર લેબલ થયું હોય એવી દરેક ચીજો ઉપર ટેક્સ લેવામાં આવશે. જોકે, છૂટક અનાજ કે અન્ય ખાદ્યચીજોને વેરામુક્તિ ચાલુ રાખવામાં આવી છે. કાઉન્સિલની અગાઉની બેઠકમાં વિવિધ ચીજો ઉપરના જીએસટીના દરમાં ફેરફાર કરવા તેમાં સુધારા કરવા માટે કર્ણાટકના નાણામંત્રી બસવરાજ બોમ્માઈના વડપણ હેઠળ એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ કરેલા દરેક સૂચનોનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું મીટીંગ બાદ નાણામંત્રીએ જણાવ્યું હતું.

અન્ય ચીજવસ્તુ-સેવા પર ટેક્સમાં થયેલા ફેરફાર

જીએસટી અંગે પ્રથમ દિવસે લેવામાં આવેલા રૂ. 1000થી ઓછા ભાડાં ઉપર મળતા હોટેલના રૂમને અત્યારે કરમાં મુક્તિ આપવામાં આવે છે હવેથી તેના ઉપર 12 ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે. હોસ્પિટલમાં જે રૂમના ભાડાં રૂ.5000 કે તેથી વધારે હોય તેના ઉપર હવેથી પાંચ ટકા જીએસટી લાદવામાં આવશે. પોસ્ટકાર્ડ અને ઇનલેન્ડ લેટર સિવાય બુક પોસ્ટ, કવર કે જેનું વજન 10 ટકા કરતા વધારે હોય તેના ઉપર પણ જીએસટી લાદવામાં આવશે. આ ઉપરાંત, ચેકબુકની બેંક દ્વારા આપતી સેવા ઉપર પણ 18 ટકા ટેક્સ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક, ઇન્સ્યુરન્સ નિયમનકાર ઈરડા, શેરબજાર અને કોમોડીટી બજારના નિયમનકાર સેબીની સેવાઓ ઉપર પણ હવેથી જીએસટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, કેસીનો, ઓનલાઈન ગેમિંગ જેવી ચીજો ઉપર 28 ટકાના દરે કર વસૂલાત અંગેની ચર્ચા બુધવારે હાથ ધરવામાં આવશે એવું સુત્રોએ જણાવ્યું હતું.

આ ઉપરાંત, ઇન્વર્ટિડ ડ્યુટી હોય (એટલે કે કાચામાલ ઉપર ટેક્સ વધારે હોય અને ગ્રાહકોને વેચવામાં આવતા ઉત્પાદન ઉપર કરવેરો ઓછો હોય) તેવી ચીજોમાં એલઈડી લાઈટ, સોલાર વોટર હીટર, કેટલીક પેટ્રોલીયમ પેદાશો (પેટ્રોલ અને ડિઝલ નહી), ખાદ્યતેલની બનાવટો, શાહી, બ્લેડ, ડેરી મશીનરી જેવી ચીજો ઉપર ટેક્સનો દર વધારવામાં આવ્યો છે જેથી આ ચીજોના ઉત્પાદકો કાચા માલ ઉપર પુરતી ઈનપુટ ટેક્સ ક્રેડીટ (વેરાશાખ) લઇ શકે. આ બેઠકમાં 10 ગ્રામથી નીચે વજન ધરાવતા પેકેટ, પરબીડિયા, ઇનલેન્ડ લેટર, પોસ્ટ કાર્ડ સિવાયની ચીજો ઉપર પણ જીએસટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સત્તાવાર જાહેરાત આવતીકાલે નાણામંત્રી કરશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.