Abtak Media Google News
જીએસટીની હકારાત્મક અસરો ઘણી પણ સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવું જરૂરી: ચાઇનીઝ વસ્તુઓના ભરડા વચ્ચે જીએસટીનું ભારણ ભારતીય ઉદ્યોગો માટે ગળેટુંપા સમાન?

દેશમાં ૧ જુલાઈથી ‘વન નેશન વન ટેકસ’ જીએસટી લાગુ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા ૧૭ વર્ષથી જીએસટીને લાગુ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા પણ અંતે આ મહેનત ફળી છે અને દેશભરમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ લાગુ કરી દેવામાં આવ્યો છે. જીએસટી લાગુ થતા કર પઘ્ધતિમાં પારદર્શકતા આવશે. કર ભરવામાં સરળતા રહેશે, કરચોરી અટકશે, વધુમાં જીએસટીમાં વસ્તુઓનું વિભાજન પણ લોકોની જ‚રીયાતના હિસાબે કરવામાં આવ્યું હોવાથી લોકોને પણ ઘણો ફાયદો મળી રહેશે તેમ કહેવાય રહ્યું છે. બીજી તરફ જીએસટીમાં હજી પણ ઘણા વિધ્નો અને ખામીઓ હોવાનું કહેવાય રહ્યું છે.

જીએસટીના કારણે કાપડ, ફર્નિચર સહિતના ક્ષેત્રોના વેપારીઓ રોષે ભરાયા છે. બીજી તરફ રાજકોટ આસપાસના હાઈવે અને એમ પણ કહી શકાય કે મોટાભાગના વિસ્તારોમાં ફેરીયાઓ ચાઈનીઝ છત્રીઓ, રમકડા અને બીજી ઈલેકટ્રીક વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ થાય છે તેને વન નેશન વન ટેકસની કર પઘ્ધતિમાં કેવી રીતે આવરી લેવા તે પ્રશ્ર્ન સર્જાય રહ્યો છે. એક તરફ સ્થાનિક ઉધોગો ઉપર ટેકસનું ભારણ લાદવામાં આવે છે તો બીજી તરફ ટેકસ લાગ્યો હોવા છતા પણ ચાઈનીઝ વસ્તુઓ ભારતીય ઉત્પાદન કરતા સસ્તી મળી રહેતી હોવાથી ભારતમાં ઉધોગોને જોઈએ તેટલો વેપાર મળતો નથી.

જીએસટી દેશ માટે ફાયદા‚પ છે. આર્થિક વિકાસમાં વધારો થશે તે પણ હકિકતની વાત છે પણ સ્થાનિક ઉધોગોને રક્ષણ આપવામાં ન આવે તો ચાઈનીઝ વસ્તુઓ અને જીએસટી ભારતીય ઉધોગો માટે ગળેટુંપો સમાન બનશે. એક રીતે ‘ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો’ જેવી પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના છે. ચાઈનીઝ વસ્તુઓનો ભરડો સ્થાનિક બજારો ઉપરથી પહેલેથી જ હાવી થયો છે. તેમાં પણ જીએસટીમાં ચાઈનીઝ વસ્તુઓના છુટથી વેચાણ ઉપર કોઈ નિર્ણયો કરવામાં આવ્યા ન હોવાથી વેપારીઓ માટે પડયા ઉપર પાટુ સમાન સ્થિતિ ઉભી થઈ રહી છે. જીએસટીની અમલવારી પહેલા પણ ઘણા પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા હતા. જોકે જીએસટી કાઉન્સીલે રાત-દિવસ મહેનત કરીને મોટાભાગના પ્રશ્ર્નોનો ઉકેલ કર્યો છે પણ હવે ચાઈનીઝ વસ્તુઓ સ્થાનિક ઉધોગો ઉપર હાવી થતી અટકાવવા માટે જ‚રી પગલા લેવા ઘટે છે.

જીએસટીમાં પાકા બીલને પ્રાધાન્ય આપવામાં આવે છે પણ હજી ઘણી વસ્તુઓ બીલ વગર પણ ધમધોકાર વેચાય છે. તેને જીએસટીમાં કઈ રીતે આવરી લેવાશે તે બાબતે પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. અગાઉ ‘વન ટેકસ વન નેશન’ની વાત કરવામાં આવતી હતી પણ આ વન ટેકસ વન નેશનમાં પણ ચાર સ્લેબ ઉપરાંત ત્રણ જાતના જીએસટીનો સમાવેશ થાય છે. જેથી વન ટેકસની વ્યાખ્યામાં જીએસટી ગણી શકાય નહીં. તેમાં પણ અમુક વસ્તુઓ ઉપર જીએસટીનું ભારણ વધારે હોવાથી દાણચોરીનું પ્રમાણ વધશે. આ ઉપરાંત બે નંબરના ધંધામાં પણ વધારો થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે.

ઘણા ક્ષેત્રો દ્વારા અત્યારે જીએસટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેનું કારણ કાયદાને લઈને મુંઝવણ અને કરના દરથી અસંતોષ છે. આ પરિસ્થિતિમાં એક વાત સાચી પડે કે જો લોક માન્યતા ન મળે તો કાયદો એ કાયદો રહેતો જ નથી. ત્યારે જીએસટી બાબતે પણ હજી સરકારે લોકોને સમજણનો કોળીયો ગળે ઉતારવો પડશે. રસ્તા ઉપર જે રીતે ચાઈનીઝ વસ્તુઓનું બેફામ વેચાણ થાય છે તેને જોતા સ્થાનિક વેપારીઓને ફાયદો ન મળે તો ધીમી ગતિએ મંદીમાં વધારો થશે. દરેક ઘરમાં અનેક જગ્યાએ ચીનથી આયાત થતી વસ્તુઓનો ઉપયોગ થાય છે અને લોકો પણ આ વસ્તુઓના આદી બની ગયા છે. તેવામાં સ્થાનિક ઉધોગોને આગળ લઈ આવવા માટે જ‚રી માળખુ ગોઠવવુ પડશે. જીએસટી લાગુ કરતા પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે, કાયદાની અમલવારી બાદ પણ પ્રશ્ર્નો ઉઠી શકે છે પણ સમય જતા તેમાં ફેરફારો કરીને લોકોને પડતી મુશ્કેલીઓ દુર કરવાના સતત પ્રયત્નો કરવામાં આવશે. જીએસટીની અમલવારીથી કર પઘ્ધતિ પારદર્શક બનશે અને કરચોરીનું પ્રમાણ ઘટશે. આ ઉપરાંત એક કરતા વધારે કર અગાઉ ભરવા પડતા હતા પણ જીએસટીમાં આવા કરને રદ કરીને એક માત્ર ટેકસની અમલવારીથતી વેપારીઓને ગુંચવણભરી કર પઘ્ધતિમાંથી પણ મુકિત મળી છે જો કે લોકોમાં મુંઝવણ અને નવા નિયમોને કારણે રોષ પણ જોવા મળે છે. અગાઉ પણ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ત્યારે જીએસટીમાં ચાઈનીઝ વસ્તુઓના વેચાણ ઉપર અંકુશ મુકવા માટે અસરકારક પગલા લેવાય તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે. જેથી ભારતીય ઉધોગો ઉપર કસાઈ રહેલો ગળેટુંપો દુર થાય અને સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન મળે તે દિશામાં કામ થવુ જોઈએ. આઝાદી બાદનો સૌથી મોટો બંધારણીય સુધારો કરવાનું સાહસ સરકારે ખેડયું છે ત્યારે હવે આ સાહસને સફળ બનાવવા માટે લોકોમાં ફેલાતા રોષને અટકાવવાની દિશામાં પણ કામગીરી થાય તે જ‚રી બન્યું છે.

આ તકે ખુબ વિચારવા જેવું એક વાકય કહેવું ઘટે…લોકોનો રોષ કુદરતી આફત કરતા પણ મોટી આફત છે, તંત્રએ જીવવુ હોય અને સરકારે સતામાં રહેવું હોય તો લોક રોષ ફેલાવા દેવો જોઈએ નહીં. આ વાત પ્રખ્યાત અર્થશાસ્ત્રી ચાણકય દ્વારા કહેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.