Abtak Media Google News

કાપડના વેપારીઓ હડતાલ ઉપર

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ(GST)નો ૧ લી જુલાઇથી અમલ થઇ રહ્યો છે ત્યારે તેમાં રજિસ્ટ્રેશન માટે ૨૫મી જૂનને રવિવારે પોર્ટલનો પ્રારંભ થયો હતો. પોર્ટલના પ્રથમ દિવસથી જ ધાંધિયા શરૂ થઇ ગયા હતા. જેને લીધે વેપારીઓ રજિસ્ટ્રેશનથી વંચિત રહી ગયા હતા. બપોરે બે વાગ્યે પોર્ટલ શરૂ થશે અને તેના ઓટીપી મોબાઇલ પર જ આવશે તેવા મેસેજ મળતાં વેપારીઓએ રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ કરી હતી પરંતુ તેમના ઓટીપી જનરેટ જ ન થતાં રજિસ્ટ્રેશન થઇ શક્યું નહોતું. એક તરફ જીએસટીનો દેશમાં ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. છતાં સરકાર જીએસટીના અમલ માટે મક્કમ છે. ડિપાર્ટમેન્ટ દ્વારા મોટા ભાગના વેપારીઓને જીએસટીમા માઇગ્રન્ટ કરી દેવામાં આવ્યા છે.

જયારે જેમને કોઇ ટેક્સ ભરવાનો થતો નહોતો તેમના પણ જીએસટી રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ કરાવી દીધી હતી. તેમ છતાં જુદા જુદા કારણોસર ઘણાબધા વેપારીઓના જીએસટી રજીસ્ટર્ડ થયા નથી. માત્ર ગુજરાતમાં જ હજુ ૫૦ હજારથી વધુ વેપારીઓ કે જેઓ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેમના રજિસ્ટ્રેશન બાકી છે. માટે વેપારીઓ અને ઘણા ઔદ્યોગિક સંગઠનો દ્વારા કરાયેલી રજૂઆતને પગલે ૨૫ જૂનથી ત્રણ માસ માટે જીએસટી માઇગ્રેશન માટેની સુવિધાનો પ્રારંભ કરવાનો નિર્ણય લેવાયો હતો. આજથી જીએસટી પોર્ટલની સેવાની શરૂઆત થઇ હતી. બે વાગ્યે પોર્ટલનો પ્રારંભ થતાં વેપારીઓ પોતાનું પેઢીનું નામ પાન નંબર, ગુમાસ્તાધારાનું સર્ટીફીકેટ, અડ્રેસ પ્રુફ સહિતની માહીતી ભરી ફોન અપલોડ કર્યં હતું પરંતુ રજિસ્ટર્ડ મોબાઇલ પર ઓટીપી જ ન આવતાં વેપારીઓ રજિસ્ટ્રેશનથી વંચીત રહી ગયા હતા.

કાપડ ઉપર ક્યારેય કોઇ જ ટેક્સ નહતો ત્યારે હવે સરકારે કાપડ ઉપર જીએસટી લાદવાનો નિર્ણય લીધો છે. જેના વિરોધમાં દેશભરના કાપડ બજારો ૨૭,૨૮ અને ૨૯ જૂનના રોજ બંધ પાળી સરકારના નિર્ણયનો વિરોધ કરશે. જીએસટીના વિરોધ માટે દિલ્હીમાં મળેલી વેપારી સંગઠનોનાના હોદ્દારોની મિટિંગમાં જીએસટી સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી છે. જે સમિતિ જ આગામી દિવસોમાં નિર્ણય લેશે. સોમવારે કાપડના વેપારીઓ દુકાનો કે ઓફિસો ખુલ્લી રાખીને પોતાનું કામ કરશે. મંગળવારથી તમામ વેપારીઓ ન્યુ કલોથ માર્કેટ ખાતે મળીને આગમી દિવસોમાં શું કરવું તેની વ્યૂહરચના ઘડશે. બીજી તરફ કાપડ ઉદ્યોગ બંધ રહે તો કરોડો ‚પિયાના વેપારને પણ નુકસાન પહોંચવાની શક્યતા છે. કાપડના વેપારીઓને બંધ દરમિયાન મોટા નેતાઓ મળવા જાય તેવી સંભાવના જોવા મળી રહી છે. કાપડ ઉદ્યોગ ઉપર લાદવામાં આવેલા જીએસટીના વિરોધમાં અમદાવાદ કાપડ મહાજનના હોદ્દેદારોએ એક દિવસની પ્રતિક હડતાળ પાડી હતી. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેપારીઓની રજૂઆતને જીએસટી કાઉન્સિલ સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. ગત રવિવારે મળેલી જીએસટી કાઉિન્સલની બેઠકમાં કાપડ ઉદ્યોગના મુદ્દે કોઇ જ નિર્ણય લેવાયો નહોતો. જેથી દિલ્હી ખાતે દેશભરના કાપડ ઉદ્યોગના વેપારી સંગઠનોના હોદ્દેદારોની બેઠક મળી હતી. લગભગ ૫૦૦થી વધુ અગ્રણીઓની મિટિંગમાં ૨૭થી ૨૯મી સુધી બંધ પાળવાનો નિર્યય લેવામાં આવ્યો છે. જેથી મંગળવારથી ગુજરાતમાં અમદાવાદ, જેતપુર, સુરત, રાજકોટ તથા ભાવનગરના કાપડ બજાર બંધ રહેશે.

કાપડના ઉદ્યોગ ઉપર કોઇ જ ટેક્સ લાગતો ન હોવાથી તેમણે વેટ કે સર્વિસ ટેક્સના રજિસ્ટ્રેશન કે ટીન નંબર લીધા હોતા નથી. માટે જ તેમને હવે જીએસટી માટે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું છે. જોકે કાપડના વેપારીઓએ પણ જીએસટીના વિરોધમાં સરકાર સામે બાંયો ચડાવી છે અને કોઇ પણ સંજોગમાં જીએસટીનું રજિસ્ટ્રેશન નહિ જ કરાવવું તેના માટે મક્કમ છે. હવે એક તરફ સરકાર અધિકારીઓને વધુમાં વધુ વેપારીઓ જીએસટીમાં રજિસ્ટ્રેશન કરે તેના માટે દબાણ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ કાપડના વેપારીઓ જીએસટીનું રજિસ્ટ્રેશન ન કરાવવા માટે મકકમ હોવાથી અધિકારીઓ પણ દ્વિધામાં મુકાયા છે. કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ લોકો પણ બંધમાં જોડાશે.

માત્ર કાપડ ઉદ્યોગ જ નહિ પરંતુ તેના સાથે જોડાયેલા તમામ ઉદ્યોગ પણ આ બંધમાં જોડાશે. કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા હાથલારી એસો., લેસ ધુપિયાનું એસો., જરી એસો પણ બંધમાં જોડાઇને કાપડના વેપારીઓને સમર્થન આપશે. કાપડ ઉદ્યોગ ઉપર ઘણા નાના મોટા ઉદ્યોગો નભતા હોય છે. માટે આ ઉદ્યોગોના અગ્રણીઓ દ્વારા કાપડના વેપારીઓને ટેકો આપવાની જાહેરાત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.