- સૌથી નીચા બેરોજગારી દર તથા સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર રાજય તરીકે ગુજરાત દેશભરમાં મોખરે: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુત
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુત:-
- કુલ 554 ITI દ્વારા દર વર્ષે અંદાજે દોઢ લાખ વિદ્યાર્થીઓને કૌશલ્યબદ્ધ કરાયા
- અનુબંધનમ વેબ પોર્ટલ પર 50,000થી વધુ નોકરીદાતા અને સાડા ચાર લાખથી વધુ ઉમેદવાર નોંધાયા
- ગત વર્ષ સુધીમાં 7,636 એકમોમાં 12 લાખથી વધુ શ્રમિકોને 1,729.94 કરોડની માતબર રકમ બોનસ તરીકે ચૂકવણી કરાવાઈ
- બાંધકામ શ્રમિકોને પાંચ રૂપિયાના નજીવા ભાડે મૂળભૂત સુવિધાઓ સાથેના આવાસની સુવિધા પૂરી પાડવા માટે શ્રમિક બસેરા યોજના અન્વયે રૂ. 200 કરોડની જોગવાઇ
- શ્રમિકોના આરોગ્ય માટે સ્થળ પર જ પ્રાથમિક તપાસ, સારવાર તથા નિદાન માટે 154 ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત
- શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગની રૂ. 2103 કરોડથી વધુની અંદાજપત્ર માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર
વિધાનસભા ગૃહમાં શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગની અંદાજપત્ર માંગણીઓની ચર્ચા દરમિયાન શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે દેશના વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત હંમેશા શ્રમયોગીઓને કેન્દ્રમાં રાખીને નીતિઓ બનાવે છે. રાજયના શ્રમિકોને યોગ્ય વેતન મળે, તેમના પરિવારના કલ્યાણને લગતી યોજનાઓ બનાવવી તેનું અમલીકરણ કરવું તેમજ રાજયના યુવાનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી તેમને તાલીમબદ્ધ કરી ઉદ્યોગોની જરૂરિયાતને અનુરૂપ માનવબળ તૈયાર કરવાની કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
મંત્રી રાજપૂતે કહ્યું હતું કે રાજ્ય સરકાર ભરતી મેળાઓના આયોજન દ્વારા રોજગારી પૂરી પાડનાર તથા મેળવનાર વચ્ચે સેતુ બનીને વધુમાં વધુ યુવાનો રોજગારી પ્રાપ્ત કરી શકે તે દિશામાં નક્કર કામગીરી કરી રહી છે. જેના પરિણામે દેશભરમાં સૌથી નીચા બેરોજગારી દર તથા સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર રાજય તરીકે ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે.
રોજગાર અને તાલીમ વિશે વિગતો આપતા મંત્રીએ કહ્યું કે રાજયના યુવાનોના કૌશલ્ય વર્ધન માટે 288 સરકારી, 100 ગ્રાન્ટ ઇન એઇડ અને 166 સ્વનિર્ભર ITI એમ કુલ 554 ITI દ્વારા દર વર્ષે અંદાજે દોઢ લાખ વિદ્યાર્થીઓને કૌશલ્યબદ્ધ કરવામાં આવે છે. વર્ષ 2024-25માં રાજયની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ઉદ્યોગોની માંગ મુજબના ન્યુ એઇજ કોર્સિસ જેવા કે સોલાર ટેક્નિશિયનની 200 બેઠકો તેમજ મિકેનીક-ઇલેકટ્રીક વ્હીકલ કોર્સની 72 બેઠકો શરૂ કરવામાં આવી છે, જે થકી રાજયનું યુવાધન હાલની માર્કેટ ડિમાન્ડને અનુરૂપ વ્યવસાયોમાં તાલીમ મેળવી સક્ષમ બની શકશે. ગત નાણાંકીય વર્ષમાં રાજ્યની વિવિધ રોજગાર કચેરીઓ દ્વારા અંદાજે 2.96 લાખ જેટલા ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.
રાજપૂતે જણાવ્યું કે રાજયના યુવાનો સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડી શકે તે માટે રોજગાર કચેરીઓ દ્વારા 30 દિવસીય નિવાસી તાલીમનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં ગત નાણાંકીય વર્ષમાં 48 તાલીમ વર્ગમાં 1,415 જેટલા ઉમેદવારોને શારીરિક તેમજ લેખિત કસોટીઓની તૈયારીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનુબંધનમ વેબ પોર્ટલ દ્વારા નોકરીદાતા અને નોકરી વાંચ્છુઓ વચ્ચેનું અંતર ઘટાડી બંનેને એક જ પ્લેટફોર્મ ઉપર લાવી શકાયા છે. જેના પરિણામે આ પોર્ટલ પર 50,000થી વધુ નોકરીદાતા અને સાડા ચાર લાખથી વધુ ઉમેદવાર નોંધાયેલ છે.
રાજયના યુવાનો સ્વરોજગાર તરફ વળી આત્મનિર્ભર બને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2047ના વિકસિત ભારતના નિર્માણના સ્વપ્નને સાકાર કરવાના યજ્ઞમાં જોડાય તે હેતુથી રાજયના યુવાનોના કૌશલ્ય વિકાસ માટે રાજ્ય સરકારે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરી એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે, એમ મંત્રીએ જણાવ્યું હતું.
શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વધુ વિગતો આપતા જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના પ્રશ્નોના નિરાકરણ માટે શ્રમસેતુ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કેસ એન્ડ કલેઇમ મોડયુલ હેઠળ જૂન-2023 થી ડિસેમ્બર 2024 સુધીમાં 8800થી વધુ અરજીઓ પરત્વે ઓનલાઇન કામગીરી કરવામાં આવી છે. શ્રમિકોને વિવિધ કાયદાઓને લગતી માહિતી માટે શ્રમિક સહાયતા કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગત વર્ષે અંદાજે 18 હજારથી વધુ ફોન કોલ્સ આવેલા અને તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બોનસ ચૂકવણી અધિનિયમ અન્વયે શ્રમિકોને દિવાળીના તહેવારો સમયે બોનસ મળી રહે તે માટે શ્રમ આયુકતની કચેરીના સઘન પ્રયત્નો થકી ગત વર્ષ સુધીમાં 7636 એકમોમાં 12 લાખથી વધુ શ્રમિકોને 1,729.94 કરોડની માતબર રકમ બોનસ તરીકે ચૂકવણી કારવવામાં આવી હતી.
મંત્રીએ જણાવ્યું કે બાંધકામ શ્રમિકોને કામના સ્થળની નજીક રાહત દરે રહેવાની સુવિધા મળે તે માટે શ્રમિક બસેરા યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં કાર્યરત 17 સાઇટો પર અંદાજે 12,832 લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા બાંધકામ શ્રમિકોને પાંચ રૂપિયાના નજીવા ભાડે મૂળભૂત સુવિધાઓ સાથેના આવાસની સુવિધા પૂરી પાડવા માટે શ્રમિક બસેરા યોજના અન્વયે રૂ. 200 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.
રાજપૂતે વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બાંધકામ શ્રમિકોના આરોગ્ય માટે સ્થળ પર જ પ્રાથમિક તપાસ, સારવાર તથા નિદાન માટે ધન્વંતરી આરોગ્ય રથ યોજના અંતર્ગત રાજ્ય સરકારે રૂ. 50 કરોડની જોગવાઇ કરી છે. જે અંતર્ગત 154 ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમિકોની પ્રાથમિક આરોગ્ય તપાસ થાય છે. જેમાં નવા 50 રથ આગામી સમયમાં વધારવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના બાળકોના ધોરણ-1 થી પી.એચ.ડી. સુધીના અભ્યાસ માટે શિક્ષણ સહાય પણ આપવામાં આવે છે. શ્રમિકોને કડિયા નાકા ઉપર માત્ર પાંચ રૂપિયાના નજીવા દરે પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે. આવા 290 કેન્દ્રોમાં ગત વર્ષ સુધીમાં કુલ 86 લાખ શ્રમિકોને ભોજન વિતરણ કરવામાં આવ્યા છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન વિતરણ કરવાના હેતુથી100થી વધુ કેન્દ્રો માટે રૂ. 90 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.
શ્રમિકોની સલામતી વિશે વિગતો આપતા મંત્રીએ કહ્યું કે શ્રમિકોની સલામતી માટે નિયામક-બોઇલરોની કચેરી દ્વારા 7,937 બોઇલરો અને 180 ઇકોનોમાઇઝરનું નિરીક્ષણ કરીને પ્રમાણિત કરવામાં આવ્યા છે. જેથી સમગ્ર વર્ષ દરમિયાન પ્રમાણિત બોઇલરમાં એકપણ અકસ્માત થયેલ નથી, તેમ મંત્રીએ જણાવ્યું હતું.
શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગની રૂ. 2103 કરોડથી વધુની અંદાજપત્ર માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.