Abtak Media Google News

વિધાનસભાની 182 બેઠકો માટે બે તબકકામાં મતદાન: નવેમ્બરના અંતમાં પ્રથમ તબકકાનું અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં બીજા તબકકાનું મતદાન: કમુરતા પહેલા નવી સરકાર સત્તારૂઢ થઇ જાય તેવી શકયતા

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખોનું એલાન દિવાળીના તહેવારો પૂર્ણ થતાની સાથે તુરંત કરી દેવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ હાલ ગુજરાતની મુલાકાતે આવી છે ગઇકાલે તેઓએ રાજકીય પક્ષોના હોદેદારો સાથે બેઠક યોજી હતી. ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા  પંચ સમક્ષ વિવિધ સુચનો રજૂ કરવામાં આવ્યા હતા. રાજયની 182 બેઠકો માટે બે તબકકામાં મતદાન યોજાશે. પ્રથમ તબકકાનું મતદાન નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં જયારે બીજા તબકકાનં મતદાન ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં યોજાઇ તેવી શકયતા દેખાઇ રહી છે.

કમુરતા શરૂ થાય તે પહેલા રાજયમાં નવી સરકાર સત્તારૂઢ થઇ જશે.ગુજરાત વિધાનસભાની મુદત ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થઇ રહી છે. દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હાલ ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગઇકાલે આણંદ ખાતે એક કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધતા ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલે એવો ઇશારો પણ કર્યો હતો કે ચૂંટણી 10 થી 1ર દિવસ વહેલી યોજાઇ શકે છે. નવેમ્બર માસમાં મતદાનની સંભાવના તેઓએ વ્યકત કરી હતી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ દિવાળીના તહેવારો પૂર્ણ થતાની સાથે જ વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવશે આગામી 19મી ઓકટોબર સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અલગ અલગ તારીખના ગુજરાતના પ્રવાસ ફાઇનલ થઇ ગયા હોય અને ત્યારબાદ દિવાળીના તહેવારોની સિઝન શરૂ થઇ થવાની હોય દિવાળી બાદ તુરંત જ ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવશે. 31મી ઓકટોબરે  સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ છે. જેની એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટા પાયે ઉજવણી કરવામાં આયોજન ઘડાય રહ્યં છે જેમાં વડપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી પણ સામેલ થવાના હોય જો ચૂંટણીની આરાર સંહિતા અમલમાં હોય તો આ કાર્યક્રમ યોજી ન શકાય  આવામાં હાલ એવી સંભાવના પણ દેખાય રહી છે કે 31ઓકટોબરે અથવા 1 નવેમ્બરે વિધાનસભાની ચુંટણીનું તારીખનું એલાન કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં શાંતિપૂર્વક ચૂંટણી યોજાઈ તે માટે ચીફ ઇલેક્શન કમિશનર રાજીવકુમાર બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને દરેક રાજકીય પક્ષોની સાથોસાથ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ યોજવાના છે. જન્મદિવસની બેઠક અંગે જો વાત કરવામાં આવે તો આ બેઠકમાં ભાજપ કોંગ્રેસે અનેક મુદ્દાઓ સૂચવ્યા છે જેમાં ભાજપે જણાવ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વડાપ્રધાન મોદી દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવે તેનો ખર્ચ પાર્ટી ખર્ચમાં સમાવેશ કરવો જોઈએ એટલું જ નહીં મતદાનનો સમય વધારવા અંગે પણ ચીફ ઇલેક્શન કમિશનર સામે રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગતાં જ ચીફ ઇલેક્સન કમિશનર અને તેની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે.  મુખ્ય ચૂંટણી કમિશનરની અધ્યક્ષતામાં આવેલી આ ટીમે ગાંધીનગર ખાતે કલેક્ટર્સ અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત રાજકીય પક્ષો સાથે પણ બેઠક યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર અનૂપચંદ્રા પાંડેની અધ્યક્ષતામાં અનેક અધિકારીઓની ટીમ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. ચૂંટણી પંચની ટીમે સૌ પ્રથમ રાજ્યના મુખ્ય વહીવટી અધિકારીઓ સાથે ઔપચારિક મુલાકાત કર્યા બાદ રાજ્યના તમામ કલેક્ટર્સ સાથે બેઠક યોજી હતી. જેમાં દરેક જિલ્લાની વિગતો મેળવાઈ હતી.

બાદમાં ભાજપ- કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો સાથે બેઠક યોજવામાં આવી હતી. ભાજપે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે મતદાનનો સમય વધારીને 11 કલાક કરવામાં આવે. એટલુંજ નહીં બેઠકમાં એ મુદ્દા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી કે, ચૂંટણી પ્રચાર દરમિયાન વીઆઈપીના સ્વાગત માટે એરપોર્ટ પર પ્રવેશ આપવાની સાથે જાહેરસભાઓ માટે વડાપ્રધાનની મુલાકાત દરમિયાન થયેલા ખર્ચને પાર્ટી ખર્ચમાં સમાવવો એટલુંજ નહીં વિકલાંગ અને 80 વર્ષથી ઉપરના મતદારો માટે પોસ્ટલ બેલેટ સુવિધા આપવા સહિતની રજૂઆતો ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી છે. આ બેઠકમાં ગુજરાત ભાજપના વાઈસ પ્રેસિડેન્ટ ગોરધન ઝડફીયા પણ જોડાયા હતા.

બીજી તરફ કોંગ્રેસે પણ ચૂંટણી પંચને અનેક રજૂઆત કરી હતી.  જેમાં ઈવીએમ-વીવીપેટની સાયન્ટિફિક ચકાસણી કરવા પણ જણાવ્યું હતું. બીજી તરફ મતદાર યાદીમાં ઘણા નામો બે વાર આવેલા છે, આ માટે ચોક્કસ એક એપ્લિકેશન બનાવવી જોઈએ અને નામો દૂર કરવા જોઈએ, બૂથ નજીકના સ્થળે હોવા જોઈએ,  સાથોસાથ ઈવીએમ અને વીવીપેટની સાયન્ટિફિક ચકાસણી પણ સચોટ રીતે કરવીજરૂરી છે.

ચૂંટણી પંચ દ્વારા આયોજીત મીટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળ તરીકે શ્રી બાલુભાઈ પટેલ, શ્રી દીપકભાઈ બાબરીઆ, શ્રી મેહુલભાઈ પટેલ જોડાયા હતા. જેમાં સુચનો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યાં હતા.ગરીબ અને મધ્યમ વર્ગ વિસ્તારમાં સાથે રહેતો હોય છતાં મધ્યમ વર્ગનું બુથ ટ કિ.મી. દૂર હોય અને ગરીબોનું બુથ 1 ટ કિ.મી. દૂર હોય તે રીતે ગોઠવેલ છે જે બરાબર નથી. મતદાર યાદીમાં ડબલ નામો ઘણાં હોય છે તો એપ બનાવી તેવું ના થાય તેવું કરવું જોઈએ.

અમે એક જ વિધાનસભા મહેસાણાના 6,784 નામ ડબલ શોધી આપેલા. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને તે અંગે પત્ર લખ્યો તેમનો જવાબ મળ્યો કે ગુજરાતમાં બધાને આ સુધારણા માટે સૂચના આપી છે. પરંતુ તેમની સૂચનોનો કેટલો અમલ થયો તેની જાણ અમને કરવી જોઈએ ને ? તમે જિલ્લાવાર કેટલાં નામ ડબલ છે તેની લેખિત વિગત આપો ના હોય તો ગઈંક લખીને આપો.

ચૂંટણી બે તબક્કે થાય છે. ઉત્તર ગુજરાત મોટે ભાગે અમદાવાદમાં  દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર છે. ખોટું અને ડબલ મતદાન ના થાય માટે ઉત્તર ગુજરાત ની તારીખ એક જ હોવી જોઈએ. સુરત સૌરાષ્ટ્રની તારીખ એક હોવી જોઈએ. બુથની આજુબાજુ ભેગા થવાની 100 મીટર બહારની મર્યાદા છે. તો બુથ તેવી જગ્યા હોય ત્યાં જ રાખવાં જોઈએ. ઈવીએમ અને વીવીપેટની સાયન્ટીફીક ચકાસણી જરૂરી છે. મતદાન પછી જે સ્લીપ પાંચ સેક્ધડ દેખાય છે તેને બદલે તે સ્લીપ મતદાર ના હાથમાં આવે તે મત બરાબર જોઈ લે અને પછી પેટીમાં નાખે તેવું કરવું જોઈએ.

રીટર્નીંગ ઓફિસર સર્વેસર્વા હોય છે. નોટિફીકેશ બહાર પડ્યા પછી પરિણામ આવે ત્યાં સુધી કોર્ટમાં જઈ શકાતું નથી. બેલેટ પેપરના મત પરિણામ વખતે પહેલા ગણી પછી ઈવીએમના ગણવાના હોય છે. છતાં અધિકારીએ તે નિયમનો ભંગ કર્યો. કેસ હાલ કોર્ટમાં પેન્ડીંગ છે. પાંચ વર્ષ પુરાં થયાં. જીતેલો ઉમેદવાર હારી ગયો. તેને ન્યાય ના મળ્યો, ખોટું કરનાર અધિકારીને કડકમાં કડક સજા કરવી જોઈએ.

  • પટેલ-પાટીલ સાથે “શહેનશાહ” ઓચિંતી બેઠક
  • ત્રણ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ સિધા કમલમ પહોંચી ગયા: રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન દિવાળીના તહેવારો પૂર્ણ થતાની સાથે ગમે ત્યારે કરી દેવામાં આવશે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન થાય અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી પરિણામ આવી જાય તેવી શક્યતા પણ સેવાઇ રહી છે. દરમિયાન હાલ ગુજરાતની બે દિવસની મૂલાકાતે આવેલા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહે આજે ઓચિંતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે બેઠક યોજી હતી. તેઓએ રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંગે સંપૂર્ણ ચિતાર મેળવ્યો હતો. આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આજે ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગૃહ મંત્રી અમિતભાઇ શાહ અલગ-અલગ સાત કાર્યક્રમોમાં ઉ5સ્થિત રહ્યા હતા. દરમિયાન સવારે ગાંધીનગર જિલ્લાના કલોલમાં 750 બેડની હોસ્પિટલનું ખાતમુહુર્ત, રૂપાલ ગામે વરદાયિની માતાજીના દર્શન અને સુવર્ણ જડીત ગર્ભગૃહના દ્વાર ખૂલ્લા મૂક્યા હતા. ગાંધીનગર મહાપાલિકા દ્વારા નિર્મિત અન્ડરબ્રિજનું લોકાર્પણ કર્યા બાદ અઢી કલાકના વિરામના સમયનો તેઓએ સદ્ઉપયોગ કર્યો હતો. સર્કિટ હાઉસ ખાતે પહોંચવાના બદલે અમિતભાઇ સિધ્ધા જ કમલમ ખાતે પહોંચી ગયા હતા. તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે બેઠક યોજી હતી અને રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.