Abtak Media Google News

દક્ષિણ ગોળાર્ધનું રમતિયાળ દરિયાઈ પક્ષી, જે પોતાની પાંખોનો ઉપયોગ ઊડવા માટે નહિ પણ પાણીમાં તરવા
માટે કરે છે અને જોનારના મન મોહી લેનારું છે. હવે આ પક્ષી ગુજરાતીઓના મન મોહી રહ્યું છે. મુબઇ બાદ અમદાવાદ ભારતનું પ્રથમ શહેર બન્યું છે જ્યાં હવે તમે પેંગ્વિનની રમત નિહાળી શકશો.

આજે ‘વર્લ્ડ પેંગ્વિન ડે’, કેટલીક પ્રજાતિઓ લુપ્ત થવાના આરે

જી હા, પુમ્બા, ટિમોન, નિમો, સ્વેન અને મુશુએ અમદાવાદના સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં અનુકૂલન સાધી લીધું છે. તેમના નવા ઘરમાં તેઓ પેંગ્વિન તેમના મૂડ પ્રમાણે સ્થાન બદલતા રહે છે. આ જળચર પક્ષીઓને દક્ષિણ આફ્રિકામાં તેમના નિવાસસ્થાનથી સાયન્સ સિટીમાં ખસેડાયા તેને અંદાજિત છ મહિના જેટલો સમય થઈ ગયો છે.  સાઉથ આફ્રિકાથી સાયન્સ સિટીમાં લાવ્યા બાદ તેઓને 40 દિવસ માટે ક્વોરન્ટાઈન હતા. નવી જગ્યામાં અનુકૂલન સાધી લીધા બાદ હવે તેઓ બાળકોના ફેવરિટ બની ગયા છે. રોજ 1000 કરતાં વધુ લોકો તેમને નિહાળવા અહી  આવે છે.

Screenshot 6 31

પેંગ્વિન હવે લગભગ બે વર્ષના થઈ ગયા છે અને તેમનું વજન 3.2 કિલો છે. આ વિકાસ તેમના સારા સ્વાસ્થ્યનું પ્રતિબિંબ દર્શાવે છે. પેંગ્વીન રાત્રે ઘણા કલાકો સુધી સૂવાને બદલે દિવસ અને સાંજે ટૂંકી નિદ્રા લે છે. તેઓ ઉભા થઈને અથવા પાણીમાં સૂવાની અનન્ય ક્ષમતા ધરાવે છે. સામાન્ય રીતે એન્ટાર્કટિકા, એન્ટાર્કટિક ટાપુઓ, એક્વાડોર, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પેરુ અને ચિલીના દરિયાકિનારે આવેલા ટાપુમાં આ પક્ષીઓ નિવાસ કરે છે.

સૌથી જૂના પેંગ્વિન અવશેષો 62 મિલિયન વર્ષ જૂના 

પેંગ્વીનને 3 પોપચા હોય છે. જ્યારે તેઓ પાણીમાં હોય છે ત્રીજા પોપચાં આંખને આવરી લે છે અને તેમને પાણીમાં તરવા અને જોવા માટે સક્ષમ બનાવે છે. ઘણા નર પેન્ગ્વિન માદા પેન્ગ્વિનને ખડકો સાથે ગિફ્ટ કરે છે જેથી તેમને આકર્ષિત કરી શકે, આ નાનાં ખડકોનો ઉપયોગ માદા પોતાના ઈંડાની ફરતે રક્ષણ આપવા માટે કરે છે.

સાયન્સ સિટી ખાતે 28 મીટર લાંબી વોક વે ટનલ વાળી વિશ્વભરના જળચર જીવો સમાવતી ગેલેરીની સ્થાપના કરાઇ છે જેમાં એક્વેટિક જીવોનું રક્ષણ અને સંવર્ધન થઈ રહ્યું છે, હવે તેમાં આફ્રિકન પેંગ્વિનનો પણ સમાવેશ થયો છે. ઉલ્લેખનીય છે કે, આફ્રિકાના દરિયાકિનારે જોવા મળતા પેંગ્વિનની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. આફ્રિકન પેંગ્વિનને સાચવવા સ્પેશિયલ ટીમ ફોરેનથી સાયન્સ સિટી ખાતે આવી છે. આ પેંગ્વિનનો જીવનકાળ 10-27 વર્ષનો હોય છે, તેઓ 3-4 કિલો વજનના હોય છે. આ પેંગ્વિન પાણીની અંદર 20 મિનિટ સુધી શ્વાસ લીધા વગર રહી શકે છે, તે ભોજનમાં મૅકરલ, સાર્ડીન અને ક્રિલ પસંદ કરે છે.

Screenshot 2 16

તેમનું પ્રદર્શન ખાસ કરીને તેમના ટાઈમ ઝોન તેમજ 8-20 ડિગ્રી સેલ્સિયસના નિષ્ક્રિય તાપમાનને જાળવે એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. પેંગ્વિનનું નિયમિત માસિક મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને પાણીની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. પેંગ્વિનની હેલ્થ પર નજર રાખવા માટે તેમને ટેગ નંબર અપાયો છે.

પેંગ્વિન માત્ર ઠંડા વાતાવરણમાં જ રહી શકે છે તે ગેરમાન્યતા છે. આ વાત માત્ર એન્ટાર્કટિકાની પેંગ્વિનની પ્રજાતિ માટે જ સાચી છે. આફ્રિકાના પેંગ્વિન ટેમ્પરેચર ક્લાઈમેટ સાથે અનુકૂલન સાધીને રહી શકે છે અને અહીં એક્વેરિયમ ખાતે અમે તેમના રહેઠાણનું તાપમાન તેમની અનુકૂળતા મુજબ રાખવામા આવી રહ્યું છે. સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં લાવવામાં આવેલ પેંગ્વિનની પ્રજાતિ સામાન્ય રીતે દક્ષિણ આફ્રિકામાં જ જોવા મળે છે. જોકે, તેમને કાળજી અને યોગ્ય દેખરેખ મળે તો વિશ્વના કોઈપણ ખૂણામાં ઉછેરી શકાય છે. આફ્રિકન પેંગ્વિનની વસ્તી ઝડપથી ઘટી રહી છે અને લુપ્ત થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. 2026 સુધીમાં આફ્રિકન પેંગ્વિનની પ્રજાતિ લુપ્ત થઈ જશે તેવું અનુમાન નિષ્ણાંતો કરી રહ્યા છે.

Screenshot 5 35

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.