Abtak Media Google News
  • કૌશલ્ય નિર્માણ અને કૌશલ્ય અનુરૂપ રોજગારીની પૂરતી તકો પૂરી પાડવાનો ગુજરાત સરકારનો દ્રઢ સંકલ્પ: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત
  • સુરેન્દ્રનગરની આઈ.ટી.આઈ-મુળી તેમજ તાપીની આઈ.ટી.આઈ-કુકરમુંડાના નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા શ્રમ અને રોજગાર મંત્રી
  • રૂ. 16 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત બંને આઈ.ટી.આઈમાં મળી કુલ 400 બેઠકોનો વધારો કરાયો; આઈ.ટી.આઈ- મુળીમાં 240 બેઠકોનો વધારો
  • કુકરમુંડા ખાતે રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને મુળી ખાતે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગાંધીનગર ખાતેથી સુરેન્દ્રનગરની આઈ.ટી.આઈ-મુળી અને તાપીની આઈ.ટી.આઈ-કુકરમુંડાના નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાપર્ણ કર્યું હતું. આશરે રૂ. 16 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત આઈ.ટી.આઈ ભવનના લોકાર્પણ પ્રસંગે કુકરમુંડા ખાતે શ્રમ અને કૌશલ્ય રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ મુળી ખાતેથી વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આઈ.ટી.આઈ-કુકરમુંડામાં 276 બેઠકો હતી, જેને હવે વધારીને 436 કરવામાં આવી છે. જ્યારે, આઈ.ટી.આઈ-મુળીમાં અગાઉ 240 બેઠકો હતી, તેને વધારીને 480 કરવામાં આવી છે.
મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓના કૌશલ્ય નિર્માણ તેમજ તે કૌશલ્યના અનુરૂપ રોજગારીની પૂરતી તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે. આજે લોકાર્પણ થયેલા નવીન આઈ.ટી.આઈ ભવનોને મળીને ગુજરાત સરકારે ગત બે વર્ષમાં 11 અદ્યતન આઈ.ટી.આઈ ભવનનું નિર્માણ કર્યું છે. એટલું જ નહિ, રાજ્યના વધુમાં-વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી તાલીમબદ્ધ કરી શકાય તે માટે આઈ.ટી.આઈની બેઠકોમાં પણ વધારો કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્કીલ ઇન્ડિયા મિશન થકી ભારત ભવિષ્યમાં ગ્લોબલ સ્કિલ હબ બનશે, જેમાં ગુજરાતના અનેકવિધ નવતર પ્રયાસોનો મહત્વપૂર્ણ ફાળો રહેશે. ગુજરાતમાં દેશની પ્રથમ નવી ટેકનોલોજીને અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરવા માટે નવા અને અદ્યતન અભ્યાસક્રમો ધરાવતી કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સીટી બનાવવામાં આવી છે. સાથે જ, સ્કિલ બેઝ્ડ શિક્ષણ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા રાજ્યની 558 જેટલી આઈ.ટી.આઈમાં 54થી વધુ કોર્ષ શરુ કરાયા છે. ગુજરાતનો યુવાન ક્યાય પાછો ન પડે તે માટે રાજ્ય સરકારે અનેક નવી વ્યવસ્થાઓ કરી રહી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
શ્રમ અને રોજગાર મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગત 20 વર્ષ દરમિયાન વિશ્વના 500 પ્રતિષ્ઠિત ઉદ્યોગો પૈકી 100 જેટલા ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું છે. આ પ્રતિષ્ઠિત ઉદ્યોગકારોને તેમની જરૂરિયાત મુજબનું કૌશલ્યવાન માનવબળ પૂરું પાડવા માટે રાજ્ય સરકારે કેટલાક ઉદ્યોગો સાથે MoU કરીને સ્થાનિક યુવાનોને ઘર આંગણે રોજગારી પૂરી પાડી છે. આવા નવતર અભિગમોના પરિણામે ગુજરાતના બેરોજગારી દરમાં ઘટાડો આવ્યો છે. સાથે જ, રોજગાર કચેરીઓ દ્વારા યુવાનોને રોજગાર પૂરો પાડવામાં આજે ગુજરાત દેશમાં પ્રથમ છે.
આ કાર્યક્રમ દરમિયાન કુકરમુંડા અને મુળી ખાતે સંસદ સભ્સ સર્વ પ્રભુભાઈ વસાવા, ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય ડૉ. જયરામભાઈ ગામીત સહિતના પદાધિકારી-અધિકારીઓ તેમજ  ગાંધીનગર ખાતેથી શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગના સચિવ  વિનોદ રાવ સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.