સોલાર ઊર્જાક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યું છે: નાણાંમંત્રી કનુ દેસાઇ

ઉર્જા ક્ષેત્રે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે: વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા

લીંબડી ખાતે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ તેમજ વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પાણશીણા પેટા વિભાગીય કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે લોકોની સુખાકારી માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 24 કલાક વીજળી મળી રહે તે માટેની જ્યોતિગ્રામ યોજના અમલી બનાવવામાં આવી હતી. દેશમાં ગુજરાત ફક્ત એવું રાજ્ય છે, જ્યાં અવિરત 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સોલાર ઉર્જા ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યું છે તેમજ જે ખેડૂતો એ ખેતીવાડી વીજ જોડાણ માટે અરજી કરી છે તેમને ઝડપથી વીજ જોડાણ આપવામાં આવશે.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે,  લીંબડી તાલુકાના કાંઠાના ગામોમાં પૂરતા દબાણથી નિયમિત વીજપૂરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. જ્યારે લીંબડી તાલુકામાં પાણશીણા પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ થવાથી લોકો માટે હવે વહીવટી સરળતા રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, ઉર્જા ક્ષેત્રે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. રાજ્ય સરકારના સુદ્રઢ આયોજનથી આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચી રહ્યો છે.

આ તકે અગ્રણી જગદીશભાઈ મકવાણા અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરેએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.

આ કાર્યક્રમમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર  વરુણ કુમાર બરનવાલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને પી.જી.વી.સી.એલ. ક્ષેત્રીય કચેરીના મુખ્ય ઇજનેર એ.એ. જાડેજાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે લીંબડી નગરપાલિકાના પ્રમુખ બેલાબેન વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, અગ્રણીઓ  રાજભા ઝાલા અને મુકેશભાઈ શેઠ તેમજ પી.જી.વી.સી.એલ.ના અધિકારી કર્મચારીઓ સહિત  લોકો ઉપસ્થિત રહ્યા હતા.