Abtak Media Google News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે રૂ. 71 કરોડના ખર્ચે નવનિર્મિત સિંધુ ભવન ચાર રસ્તા અને સાણંદ જંકસન ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ: માર્ગો સહિતના

ઈન્ફરાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામોથી ગુજરાતના શહેરોને વિશ્ર્વ કક્ષાના આધુનિક શહેરોની સગવડ આપીને ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે: મુખ્યમંત્રી

કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઇ શાહના હસ્તે આજે અમદાવાદમાં ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ. 71 કરોડના બે ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે ગુજરાતમાં થયેલા મહત્વના કાર્યોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગુજરાતમાં કોરોનાના સમયમાં પણ વિકાસની ગતિ રોકાઈ નથી જે અભિનંદનને પાત્ર છે. સિંધુભવન ચાર રસ્તા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, સરખેજ- ચિલોડા- ગાંધીનગરના નવનિર્મિત છ માર્ગીય નવનિર્મિત રોડ અમદાવાદ અને ગાંધીનગરના સૌથી ઝડપથી વિકસતાં વિસ્તારમાંથી પસાર થાય છે. તેઓ જે મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેવા ગાંધીનગર મતક્ષેત્રમાંથી 90% માર્ગ પસાર થાય છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. ગુજરાતને જ્યારે પણ જરૂર પડશે ત્યારે કેન્દ્ર સરકાર ચટ્ટાનની જેમ ગુજરાત સરકારની પડખે ઉભી છે તેમ જણાવી કોરોનાના કાળમાં પણ ગુજરાતે અદભુત માળખાકીય વિકાસ સાધ્યો છે તેની તેમણે પ્રશંસા કરી હતી. આજે નિર્મિત અમદાવાદ -ગાંધીનગર -ચિલોડા છ માર્ગીય રોડ થી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જોડાવાની સાથે રાજસ્થાન જેવા રાજ્ય પણ જોડાશે. આ છ માર્ગીય રોડ લોકોની ટ્રાફિકની સમસ્યા નિવારી ઓદ્યોગિક વિકાસ માટે પણ ઉપકારક સાબિત થશે. નેશનલ હાઇવે 147 પર સરખેજ  ગાંધીનગર  ચિલોડા ના કુલ 44 કિ.મી.ના માર્ગને 4 લેનમાંથી 6 લેનમા રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.