નાના વ્યવસાયકારોના અર્થતંત્રને વેગ આપવા ગુજરાતે નવી દિશા સ્થાપિત કરી છે: મુખ્યમંત્રી રૂપાણી

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતની 10 લાખ બહેનોને પગભર કરવાના સરકારના અભિયાનમાં સહકારી બેંકો લેશે આગેવાની

રાજકોટ નાગરિક બેંકે આત્મનિર્ભર યોજનામાં 38600 લાભાર્થીઓને રૂા.522 કરોડનું ધીરાણ આપતી બેંકની શાખાઓની ટીમોનું મુખ્યમંત્રીના હસ્તે પુરસ્કાર-સન્માન કરાયું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ નાગરીક બેન્ક દ્વારા ગુજરાત સરકારની આત્મનિર્ભર યોજનામાં નોંધપત્ર કામગીરી કરી 38600 નાના વ્યવસાયકાર લાભાર્થીઓને રૂ522 કરોડનું ધિરાણ અપાતા બેન્કની કામગીરીની સરાહના કરી ગુજરાતના સહકારી માળખાની ગુજરાતના વિકાસમાં મહત્વની ભૂમિકા છે. તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહયું કે, ગુજરાતે કોરોનાની મહામારી વચ્ચે અર્થતંત્રને વેગવંતું બનાવવા માટે દેશને નવી દિશા આપી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતની સંકલ્પનામાં ગુજરાત નવી સિધ્ધીઓ હાંસલ કરી રહયું છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહયું કે, આત્મનિર્ભર સહાય યોજનામાં 2.50 લાખ લોકો જોડાયા છે અને નાના વ્યવસાયકારો બેઠા થઇ રહયા છે.

નાના લોકો લોન સમયસર ચુકવી આપે છે અને નાના વેપારીઓ માટે સહકારી બેન્કો વધારે અનુકુળ આવે છે. રાજકોટ નાગરીક બેન્કને આત્મનિર્ભર યોજનામાં સફળતા બાદ હવે આ બેન્ક ગુજરાત સરકારની મહિલા ઉત્કર્ષ યોજનામાં 200 કરોડનું ધિરાણ આપી શકે તેવું આયોજન કરવા પણ અનુરોધ કર્યો હતો. બેન્કોને આત્મનિર્ભર યોજનામાં તત્કાલ ઇન્સેન્ટીવ અને વ્યાજની રકમ ચુકવવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓને ઝીરો ટકા વ્યાજે લોન આપીને આપણે પગભર કરવી છે. તેને ઉંચા વ્યાજે નાણા ન લેવા પડે તે માટે ગુજરાત સરકાર નવી યોજના લઇને આવી છે.  જો 10 લાખ બહેનો તેના  ઉત્કર્ષ માટે વ્યવસાય બીઝનેસમાં પગભર બનશે તો ગુજરાતની ઇકોનોમીને ગ્રાઉન્ડ લેવલે નવુ બળ મળશે. મુખ્યમંત્રીએ રાજકોટમાં અરવિંદભાઇ મણિયારે નાનામાં નાના માણસને લોન મળે તે માટે કરેલા પ્રયાસને યાદ કરીને સહકારી બેન્કો  કઇ રીતે લોકો સાથે નજીકથી  જોડાયેલી હોય છે તેનો ચિતાર આપ્યો હતો.

મુખ્યમંત્રીએ છેવાડાના લોકોની પ્રગતી માટે એકાત્મ માનવવાદ અંત્યોદયનો વિચાર સાર્થક કરવા પણ અનુરોધ કર્યો હતો. નાગરિક બેંક દ્વારા તેની બેંકોની 38 શાખાઓના સ્ટાફ અને ટીમને  માટે ઇન્સેન્ટીવ અર્પણ કરાયા હતા. મુખ્યમંત્રીએ પણ પ્રતીક રૂપે પાંચ બેંકોની ટીમોને તેમના હસ્તે પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. બેંકના પથદર્શક અરવિંદભાઈ મણીયારના ચિત્રપટ ઉપર ફુલહાર અર્પણ કર્યા હતા. તેમજ બેંકના સૂત્ર-ટેગ લાઇન નાના માણસની મોટી બેંકનું અનાવરણ કર્યું હતું.

બેંકના ઇનચાર્જ  સીઈઓ રાયચુરા દ્વારા બેંક દ્વારા પાંચ  મહિનાના ટૂંકા ગાળામાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની સફળતાની માહિતી પાવર પોઇન્ટ પ્રેઝેન્ટશન દ્વારા રજુ કરી હતી. તેમજ આ અંગે વિડિઓ કલીપ પણ રજૂ થઈ હતી. જેમાં આ યોજનાના લાભાર્થીઓના પ્રતિભાવો રજૂ થયા હતા.

નાગરિક બેન્ક દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની લોન વિશાળ જન સમુદાય સુધી પહોંચાડવાની સફળ કામગીરીના સૂત્રધાર મનીષભાઈ શેઠનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થી મહિલાઓનું સન્માન મુખ્યમંત્રી દ્વારા કરાયું હતું. શાબ્દિક સ્વાગત વાઇસ ચેરમેન જીવણભાઈ પટેલે કર્યું હતું. ચેરમેન નલિનભાઈ વસા અને ડીરેક્ટર અને  બેન્કના પૂર્વ ચેરમેન અને ગુજરાત અર્બન કો. ઓપરેટીવ બેન્ક ફેડરેશનના ચેરમેન જ્યોતિન્દ્રભાઈ મહેતાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું અને જણાાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં  ગુજરાતે વિકાસની નવી સિધ્ધીઓ હાંસલ કરી છે. મુખ્યમંત્રીએ સંવેદના પૂર્વક ગુજરાતના નાના માણસોને મદદ કરવા અનેક નિર્ણયો લીધા છે. જયોતિન્દ્રભાઇ મહેતાએ  વિજયભાઇના માર્ગદર્શન હેઠળ નાના વેપારીઓ, ખેડૂતો અને મહિલાઓના વિકાસ માટે થયેલા કામો અને તેની સમાજ પર થયેલી પ્રગતિ હકારાત્મક અસરોનો ચિતાર આપ્યો હતો. પ્રારંભે કિર્તીકુમાર ઉપાધ્યાયે બેંકની કામગીરી અને પાંચ મહિનામાં ઝડપભેર આ યોજનામાં મળેલી સિધ્ધીની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, અગ્રણી કમલેશભાઈ મીરાણી, રાજુભાઇ ધૃવ, ડિરેક્ટર અને પૂર્વ ચેરમેન કલ્પકભાઈ મણીયાર, પુર્વ ધારાસભ્ય ટપુભાઇ લીંબાસીયા,  કલેકટર રેમ્યા મોહન તથા બેંકના પ્રભારી ડીરેકટરો, સભાસદો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નલિનભાઇ વસાએ જણાવ્યું હતું કે, ‘આદરણીય અરવિંદભાઇ મણીઆરે આ બેંક માટે જે કેડી કંડારેલી, નાના અને મધ્યમ વર્ગ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવે તેવી રીતે કાર્ય કરીએ છીએ. આ કોરોના કાળમાં આપણે શું કરીએ તેવું વિચારતા હતા તેવા સમયે જ ગુજરાત સરકારે આત્મનિર્ભર યોજના આપી. તેમાં પણ સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીમાં માફી આપી જરૂરી પીઠબળ આપ્યું. રાજ્ય સરકારે આ યોજના જાહેર ર્ક્યા બાદ એક ઇન્સેટીવ સ્કીમ આપી તે મુજબ આપણી બેંકે પણ શાખા માટે ઇન્સેટીવ જાહેર ર્ક્યુ. આજે આ અંતર્ગત કાર્યક્રમ યોજોયેલો છે. લોકડાઉનના આ કપરા કાળમાં પ્રજાજનો ત્રાહિમામ હતા, રાજ્ય સરકાર ઉપર જવાબદારી હતી અને બેંકો પણ મુશ્કેલીમાં હતી. દરેક માટે પ્રશ્ર્ન હતો. આવી સ્થિતિમાં આત્મનિર્ભર યોજનાને કારણે એક બુસ્ટ મળ્યું. આત્મનિર્ભરને કારણે બેંકે વિવિધ લક્ષ્યાંકો ઝડપથી પૂરા ર્ક્યાં. આ યોજનામાં કામ કરવા માટે કર્મચારી-કાર્યકર્તાઓ દિવસે જ નહિ પરંતુ ઓવરટાઇમ ર્ક્યોં અને રજાના દિવસોમાં પણ કામ ર્ક્યું. ઉત્સાહનું સિંચન થયું. આ યોજનાથી 2 લાખથી પરિવાર એટલે 10 લાખથી વધુ લોકોને ઉભા કરવા માટે આપણે નિમિત્ત બન્યા.’

જ્યોતીન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, ‘આજે અમારા આનંદનો અતિરેક છે. રાજકોટનો એક દિકરો આખા ગુજરાતને લીડ કરે છે. તેની એક મજા છે. આત્મનિર્ભર ગુજરાતમાં સૌથી વધુ કામગીરી કરી તો તેનો સૌથી પહેલો શ્રેય અરવિંદભાઇ મણીઆરને જાય છે. તેમણે સૂત્ર આપ્યું, નાના માણસની મોટી બેંક. તેમના બાદ દરેક વ્યક્તિએ આ સૂત્ર સાથે કાર્ય ર્ક્યું છે. વિજયભાઇએ પણ અરવિંદભાઇ મણીઆર સાથે કાર્ય ર્ક્યું છે. આ યોજના સમયે બેંકોએ 11 ટકાને બદલે વિશેષ રાહત સાથે 8 ટકાના દરે ધિરાણ આપવાનું નક્કી ર્ક્યું. તેમાં પણ ગુજરાત સરકારે 6 ટકા સબસીડી આપી. આ યોજનાને સફળ બનાવવામાં બીજો જશ કર્મચારીગણ નહિ પરંતુ કાર્યકર્તા છે. બધાનાં મનમાં કંઇક કરી છૂટવાની ભાવના હતી એટલે આટલું કાર્ય કરી શક્યા છીએ. પહેલા જેવું પૂર્વવત કરવાની વાત એટલે આત્મનિર્ભર યોજના છે. આ યોજના હેઠળ 60 ટકા લોકોએ પહેલી વખત લોન લીધી છે. આ લોકો નિયમીત વ્યવહાર કરશે તો તેમની પણ તાકાત વધશે. રાજકોટ નાગરિક સહકારી બેંકની કુલ લોનમાંથી મહત્તમ લોન નાના માણસોને આપેલી છે.’