Abtak Media Google News

કોરોનાના નવા સ્ટ્રેઈનને લઈને રાજ્ય સહિત દેશભરમાં વરસી રહેલી પરિસ્થિતિનો મામલો આજે હાઈકોર્ટના દરબારમાં પહોંચ્યો હતો. ગુજરાતમાં વાયરસના કારણે સતત કથળી રહેલી પરિસ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો પરિસ્થિતિની સમીક્ષા કરી મહત્વ આદેશો જારી કર્યા હતા. હાઈકોર્ટમાં ચાલેલી સુઓ મોટોની સુનાવણીમાં હાઈકોર્ટે આદેશ જારી કરતા જણાવ્યું હતું કે, લગ્ન અને અંતિમવિધિ સીવાય કોઈપણ પ્રકારના કાર્યક્રમોનું ગુજરાતમાં આયોજન કરવાનું નથી. કોઈની નોકરી પર જોખમ ન આવે તે રીતે વ્યવસ્થા ગોઠવવાની ટકોર કરી હતી. હાઈકોર્ટે મહામારીમાં મીડિયાની ભૂમિકાને બિરદાવી હતી. તમામ પ્રકારના જાહેર મેળાવડા પર પ્રતિબંધની સાથે સાથે ઓફિસમાં કર્મચારીઓની સંખ્યા પણ અડધો-અડધ કરી કોરોનાની સ્થિતિમાં ઓફિસના સ્ટાફમાં ઘટાડો કરવાનું કોર્ટે સુચન કર્યું હતું.

રાજ્યભરમાં કોરોનાના નવા વાયરાને લઈ પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બનતી જઈ રહી છે. ફરીથી લોકડાઉનના ભણકારા ઉભા થયા હોય તેવી સ્થિતિમાં મહાનગરોમાં રાત્રી કરફયુ અને સોશિયલ ડિસ્ટન્સ, જાહેર પરિવહનના નિયમનનો કડક અમલ કરવા હાઈકોર્ટે સુઓમોટોની અરજી પર સુનાવણી કરતા તંત્રને આડેહાથ લીધું હતું. કોર્ટે જણાવ્યું હતું કે, અત્યારની સ્થિતિને હળવાશથી લેવાની જરૂર નથી. કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે ત્યારે તંત્રના સબ સલામતના દાવાનો કેટલો ભરોસો રાખવો તેવો સવાલ ઉભો કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા કહેવામાં આવે છે તેવી પરિસ્થિતિ નથી સ્થિતિ વધુ ગંભીર છે તેમ જણાવી હાઈકોર્ટે કહ્યું હતું કે, રસીના બે ડોઝ લીધા બાદ પણ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. રસીની વધુ અસર નથી તેમ જણાવી ટેસ્ટની પ્રક્રિયા ઝડપી બનાવવાનો આદેશ કર્યો હતો.

ગુજરાત સરકારના એટર્ની જનરલ દ્વારા પરિસ્થિતિ કાબુમાં અને રેમેડીસીવીરને અસર બીજા રાજ્ય કરતા વધારે સારી હોવાનું જણાવી સરકારી હોસ્પિટલોમાં ઈંજેકશનનો અને વેન્ટિલેટરથી લઈને દર્દીઓ દીઠ નર્સની પણ સંખ્યા પુરતી હોવાનો સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. હાઈકોર્ટમાં સરકારે કરેલી રજૂઆત બાદ તંત્રનો ઉધડો લેતા કહ્યું હતું કે, કોર્ટમાં જે ચિત્ર દેખાડવામાં આવ્યું છે. તેનાથી પરિસ્થિતિ કંઈક અલગ જ છે. અત્યારની પરિસ્થિતિને જરા પણ હળવાથી લેવાની નથી. લોકોને ટેસ્ટીંગ રીપોર્ટની ત્રણ-ત્રણ દિવસ રાહ જોવી પડે છે. વીઆઈપીને તરત રીપોર્ટ મળી જાય છે. સામાન્ય લોકોને રિપોર્ટ કેમ તાત્કાલીક મળતા નથી ? આપણે આટલા આધુનિક હોવા છતાં પરિસ્થિતિ કેમ જેમ તેમ, ગુજરાતમાં કોરોનાનો ગ્રાફ વધતો જાય છે. રાજ્યમાં તમામ જિલ્લાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની લેબોરેટરીઓ પણ હજુ ઉપલબ્ધ નથી. ગુજરાતની સરખામણી બીજા રાજ્ય સાથે કરવાની જરૂર નથી. આપણા રાજ્યની વાત કરીને ટેસ્ટીંગ પ્રક્રિયા જેમ બને તેમ ઝડપી થવી જોઈએ તેવી ટકોર સરકારને કરી હતી.

ગુજરાત હાઈકોર્ટમાં સરકારે એટર્ની જનરલ મારફત જણાવ્યું હતું કે, જે વાતો માધ્યમોમાં ચાલી રહી છે તે તથ્ય વગરની છે. રેમેડીસીવીરની અસર બીજા રાજ્યો કરતા સારી છે. સરકારી હોસ્પિટલમાં રેમેડીસીવીરનો જથ્થો પુરતો છે. સુરતમાં વહેંચવામાં આવેલા ઈંજેકશનો ચેરીટી માટેના હતા. રેમેડીસીવીરનો જથ્થો પુરતો હોવાનું સરકારે જવાબ રજૂ કર્યો હતો. હાઈકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટોની સુનાવણી હવે પછી 15મી એપ્રીલે થનાર હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.