Abtak Media Google News

એક સપ્તાહમાં જયુડિશિયલ કર્મચારીઓનું રસીકરણ પૂર્ણ કરી ન્યાયમંદિર શરૂ કરાશે

કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે માસથી બંધ રહેલી હાઇકોર્ટ હવે આગામી ૭મી જૂનથી ફરીવાર વર્ચ્યુલી ધમધમવા જઈ રહી છે. વિડીયો કોન્ફરન્સ થકી હાઇકોર્ટની તમામ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટે છેલ્લા એક વર્ષથી કોરોના સંક્રમણ અને લોકડાઉનને ધ્યાને રાખી વિડીયો કોનફરન્સ થકી સુનાવણી શરૂ કરી હતી પરંતુ આ સમય દરમિયાન હાઇકોર્ટમાં મોજુદ જજોની ખંડપીઠની સંખ્યા ઘટાડી દેવામાં આવી હતી. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં હાઇકોર્ટ દ્વારા રેગ્યુલર ખંડપીઠ અને ન્યાયાધીશોની સંખ્યા ઉપર પણ કાપ મુકવામાં આવ્યો હતો. સાથોસાથ આ તબક્કામાં ફક્ત અરજન્ટ મેટર ઉપર જ સુનાવણી કરાઈ રહી હતી.

બે સપ્તાહ અગાઉ જ્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ કાબૂમાં આવી. જેના પરિણામે રાજ્ય સરકારે વેપાર-ધંધાને છૂટછાટો આપી હતી. દિવસમાં ૬ કલાક વેપાર કરવા માટે છૂટછાટ અપાઈ તે સમયે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા ચીફ જસ્ટિસને રજૂઆત કરાઈ હતી કે, ૨૪મી મેથી કોર્ટ વિડીયો કોન્ફરન્સ મારફત શરૂ કરી દેવામાં આવે. રજુઆતમાં જણાવાયું હતું કે, જ્યુડિશિયલ કર્મચારીઓનું વેકસીનેશન પણ થઈ રહ્યું છે ત્યારે હવે ન્યાયમંદિર શરૂ કરી દેવી જોઈએ. જો કે, હવે ૭મી જૂનથી વિડીયો કોન્ફરન્સ મારફત હાઇકોર્ટ ધમધમશે. નોંધનીય બાબત છે કે, આ સપ્તાહના અંત સુધીમાં જ્યુડિશિયલ કર્મચારીઓનું વેક્સિનેશન પૂર્ણતાના આરે છે જેથી સંક્રમણનો ભય ખૂબ ઓછો થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.