- 20 મિનિટ સુધી ઘટનાનું નિરીક્ષણ કરતા નરેન્દ્રભાઈ મોદી: રૂપાણી પરિવારને મળ્યાં ગાંધીનગરમાં સમીક્ષા બેઠક
- 20 મિનિટ સુધી ઘટનાનું નિરીક્ષણ કરતા નરેન્દ્રભાઈ મોદી: હતભાગી પરિવારો સાથે મુલાકાત
- લંડન ખાતે દીકરી-જમાઈના ઘરે જઈ રહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન
- બી જે મેડિકલ કોલેજના મેસમાં ભોજનનો કોળિયો લઇ રહેલા પાંચ તબીબો પણ કાળનો કોળિયો બની ગયા : કરુણ રકાશ
- દુર્ઘટના સર્જાતા સર્વત્ર આક્રંદ: ભડથું થયેલા મૃતદેહ જોઈ કઠોર મનના માનવીની આંખો પણ ભીની થઇ ગઈ
- બપોરે 1:38 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરનાર એર ઇન્ડિયાનું પ્લેન ફક્ત બે મિનિટમાં ક્રેશ થતાં 229 મુસાફરો, બે પાયલોટ, 10 ક્રુ મેમ્બર ભડથું
12/06.. આ તારીખ ગુજરાતના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે સ્થાપિત થઇ ગયો છે. ગઈકાલે અમદાવાદ એરપોર્ટ ખાતેથી 1:38 કલાકે 230 મુસાફરો, બે પાયલોટ અને 10 ક્રુ મેમ્બર સાથે લંડનની ઉડાન ભરનાર એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ફક્ત બે મિનિટમાં મેઘાણીનગર રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઇ જતાં સર્વત્ર આક્રંદ જોવા મળ્યો હતો. પ્લેન ક્રેશ થતાંની સાથે જ ભયાવહ વિસ્ફોટ થતાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને આ કરુણ દુર્ઘટનામાં 290 લોકોને કાળ ભરખી ગયો હતો. અત્યંત કરુણ ઘટના એ પણ છે કે, ક્ષતિગ્રસ્ત પ્લેન બી જે મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાયું હતું જેના લીધે હોસ્ટેલની મેસમાં ભોજનનો કોળિયો લઇ રહેલા પાંચ તબીબો કાળનો કોળિયો બની ગયા હતા. ઉપરાંત લંડન ખાતે દીકરી-જમાઈના ઘરે જઈ રહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થઇ ગયું હતું. હજુ પણ એનડીઆરએફની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે માટે દુર્ભાગ્યવશ મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા છે. આ દુર્ઘટના બાદ શોકમગ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સવારે અમદાવાદ ખાતે દોડી આવ્યા હતા અને ક્રેશ પોઇન્ટ સહીતની મુલાકાત લઇ 20 મિનિટ સુધી નિરીક્ષણ કર્યું હતું. બાદમાં તેઓ ઈજાગ્રસ્તોને પણ મળ્યા હતા.
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને ઘાયલો સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને એરપોર્ટથી સીધા જ સિવિલ અને દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી જ્યા તેમણે 20 મિનિટ સુધી નિરીક્ષણ કર્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. બાદમાં તબીબો પાસેથી દર્દીઓની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ, કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી રામ મોહન નાયડુ સહિતના હાજર રહ્યા હતા.
બીજી બાજુ પ્રાપ્ત વિગત અનુસાર ઘટના બન્યા બાદ સેનાની ત્રણેય પાંખો ઉપરાંત એનડીઆરએફ, ફાયર બ્રિગેડ સહીતની ટીમો દ્વારા સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેથી ગણતરીની કલાકોમાં દુર્ભાગ્યવશ આશરે 290 ભડથું થયેલા મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહો એટલી હદે સળગી ઉઠ્યા હતા જાણે કોલસાનો ઢગ હોય જેના લીધે મૃતદેહની ઓળખ કરવા હતભાગી પરિવારોના ડીએનએ ટેસ્ટ કરવાની ફરજ પડી હતી. હાલ સુધીમાં ભાવનગરના બે, ગ્વાલીયરના એક મળી કુલ પાંચ મૃતદેહની ઓળખ થઇ જતાં પરિજનોને મૃતદેહની સોંપણી કરી દેવાઈ હતી.
ક્ષત્રિગ્રસ્ત પ્લેનની ટક્કર બી જે મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે ટક્કર થઇ હતી. બાદમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેના લીધે હોસ્ટેલની મેસમાં ભોજન લઇ રહેલા આશાસ્પદ તબીબી વિદ્યાર્થીઓ પૈકી પાંચના મોતની પુષ્ટિ થઇ હતી. હોસ્ટેલ મેસના ટેબર પર ભોજન સાથેની થાળીઓ એ કરુણ દ્રશ્યોની કલ્પના કરાવી રહી છે.
જો 500 મીટર દૂર પ્લેન ક્રેશ થયું હોત તો મૃત્યુઆંક અકલ્પનિય
અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક ઘોડા કેમ્પ પાસે સ્ટુડન્ટ મેસ બિલ્ડીંગ અને હોસ્ટિલ બિલ્ડીંગ પાસે જે પ્લેન ક્રેશની ઘટના બની છે તે આમ તો હૃદય કંપાવનારી અને અત્યત કરૂણ છે પરંતુ મહત્વની વાત એ છે કે આ પ્લેન ક્રેશ થયુ ત્યાંથી સૌથી મોટી એવી 1200 બેડ હોસ્પિટલ માત્ર 500 મીટર જ દૂર હતી.જો થોડે જ દૂર પ્લેન ક્રેશ થયુ હોત તો મૃતકો અને ઘાયલોની સંખ્યા અનેકગણી વધારે હોત.
હોસ્ટેલની મેસમાં 10થી વધુ તબીબી વિદ્યાર્થીઓના મોતની આશંકા: પરિવારો પર આભ ફાટ્યા જેવી સ્થિતિ
પ્લેન ક્રેશ થતાં બી જે મેડિકલ કોલેજની હોસ્ટેલ ઇમારત સાથે ટક્કર થઇ હતી. જેના લીધે જોરદાર બ્લાસ્ટ થતાં હોસ્ટેલની મેસમાં ભોજનનો કોળિયો લઇ રહેલા તબીબી વિદ્યાર્થીઓ કાળનો કોળિયો બની ગયા હતા. હાલ સુધીમાં પાંચ તબીબી છાત્રોના મોતની પુષ્ટિ થઇ ચુકી છે જયારે હજુ અનેક વિદ્યાર્થીઓ લાપતા હોવાના અહેવાલ વચ્ચે હોટેલ મેસમાં 10 થી વધુ વિદ્યાર્થીઓના મોતની આશંકા છે. આશાસ્પદ યુવાનો તબીબ બનવા મોકલનાર પરિજનો પર આ દુર્ઘટનાને પગલે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.
પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ તપાસવા અમેરિકન એજન્સી અમદાવાદ આવશે
અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઈન્ડિયા ફ્લાઈટની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (એનટીએસબી)એ જાહેરાત કરી છે કે, તે ભારતની વિમાન અકસ્માત તપાસ બ્યુરો (એએઆઈબી)ને ઘટનાની તપાસ કરવામાં મદદ કરશે. અમેરિકાની એજન્સી એલટીએસબીએ પોતાની એક્સપર્ટ્સની ટીમ ભારત મોકલવાની તૈયારી કરી દીધી છે. આ ટીમ એઆઈઆઈબી સાથે મળી અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનની તમામ બાબતોની તપાસમાં કરશે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (આઈસીએઓ)ના એનેક્સ-13 પ્રોટોકોલ મુજબ, જ્યારે કોઈ દેશમાં વિમાન દુર્ઘટના થાય છે અને તે વિમાન જે કંપનીએ બનાવ્યું હોય છે, ત્યારે તે વિમાન બનાવનાર કંપની તપાસમાં સામેલ થઈ શકે છે. ક્રેશ થયેલું એર ઈન્ડિયાનું વિમાન બોઈંગ 787-8 હતું, જે અમેરિકાની કંપની બોઈંગ દ્વારા બનાવાયું છે, તેથી ઘટનામાં એનટીએસબીની ભૂમિકામાં હોવાનું સ્વાભિવક છે.
દરવાજો તૂટી જતાં હું બચી ગયો: પ્લેન ક્રેશના બચી ગયેલા રમેશે જણાવી આપવીતી
અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના મોત થયા હતાં. જેમાં એકમાત્ર વ્યક્તિ રમેશ વિશ્વાસનો ચમત્કારિક બચાવ થયો હતો. જે હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. તેની સ્થિતિ સામાન્ય છે. રમેશ વિશ્વાસે મીડિયા ઈન્ટરવ્યૂમાં પોતાનો બચાવ કેવી રીતે થયો તેના વિશે જણાવ્યું હતું.રમેશ વિશ્વાસે જણાવ્યું કે, વિમાન જેવુ રનવે પર સ્પીડથી ટેકઑફ કરવાની તૈયારીમાં હતું, ત્યારે જ કંઈક અજીબ અનુભવ થયો. અચાનક 5-10 સેક્ધડ માટે વિમાન અટકી ગયુ હતું. બાદમાં અચાનક ગ્રીન અને વ્હાઈટ લાઈટ્સ ઑન થઈ ગઈ. જાણે એવુ લાગ્યુ કે, પાયલોટે માંડ-માંડ પ્લેનને ટેકઑફ કરાવ્યું હોય. બાદમાં સ્પીડમાં જ પ્લેન સીધુ હોસ્ટેલની બિલ્ડિંગમાં જઈને અથડાયું. મારી આંખો સામે જ આખું પ્લેન બળીને ખાખ થયુ હતું.આગળ વિશ્વાસ કહ્યું કે, મારી સીટ પ્લેનના જે હિસ્સામાં હતી. તે હિસ્સો જ બિલ્ડિંગના
નીચલા હિસ્સા સાથે અથડાયો હતો. ઉપરના હિસ્સામાં આગ લાગી હતી. અનેક લોકો ફસાયા હતા. હું મારી સીટ સાથે જ નીચે પટકાયો હતો. દરવાજો તૂટી જતાં હું સીટ સાથે પટકાયો, મારી સામે થોડી ખુલ્લી જગ્યા હોવાથી હું માંડ-માંડ તેમાંથી બહાર નીકળ્યો. વિમાનની બીજી બાજુમાં દિવાલ હોવાથી ત્યાંથી કોઈ બહાર નીકળી શક્યુ ન હતું. મારી આંખો સામે જ બે એર હોસ્ટેસ, એક અંકલ-આંટી, અને બધુ જ બળી રહ્યું હતું. આ દુર્ઘટનામાં મારો ડાબો હાથ બળી ગયો હતો. પરંતુ મારો જીવ બચી ગયો. મેં બહાર આવીને જોયું તો ચારેકોર આગ અને ધુમાડાના ગોટે-ગોટા હતાં. જો મને બહાર નીકળવામાં થોડી સેક્ધડ વધુ થઈ હોત તો હું પણ…
વિજયભાઈ રૂપાણીના બહેનનો ડીએનએ ટેસ્ટ કરાયો
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થઇ ગયાના અહેવાલ છે ત્યારે વિજયભાઈની બહેનનો ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યો છે. જો તેમનો ડીએનએ મેચ નહિ થાય તો તેમના પુત્રનો ડીએનએ સેમ્પલ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિજયભાઈના પુત્ર ઋષભભાઈ અમેરિકાથી ભારત આવવા રવાના થઇ ચુક્યા છે અને તેઓ આજે રાત સુધીમાં અમદાવાદ પહોંચી જશે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આઘાતજનક અહેવાલ મળતા જ અંજલિબેન રૂપાણી લંડનથી તાબડતોડ અમદાવાદ દોડી આવ્યા હતા. જ્યા અંજલિબેનનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતાની સાથે જ વિજયભાઈના કમાન્ડો પણ ધ્રુસકે ચડ્યા હતા.
ઉચ્ચ સ્તરીય બેઠક: તમામ બાબતોની સમીક્ષા
એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટના સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમગ્ર ઘટનાની તલસ્પર્શી માહિતી મેળવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડૂ, કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ પણ આ બેઠકમાં જોડાયા હતા. કેન્દ્રીય ગૃમંત્રીને આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન વિભાગ, ડીજીસીએ, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને રાહત કમિશનર દ્વારા સમગ્ર વિમાન દુર્ઘટનાનો ઘટનાક્રમ, રાહત-બચાવ કામગીરી, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને દુ:ખદ ગણાવીને કેન્દ્રીય મંત્રી શાહે પીડિત પરિવારોને સરકાર તરફથી જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે આદેશો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે, મૃતક અને પરિવારજનોના ડીએનએ સેમ્પલ કલેક્શન, મૃતકની ઓળખથી લઈને પાર્થિવ દેહને તેમના ઘર સુધી સુરક્ષિત પહોંચાડવા સુધીના દરેક તબક્કે જરૂરી મદદ સરકાર તરફથી પૂરી પાડવામાં આવશે. મૃતકોની ઓળખ થઈ શકે તે માટે ડીએનએ મેચ કરવાની કામગીરીને વધુ સુદ્રઢ અને બનાવવા તેમજ ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘટના સ્થળને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવા માટે અમિત શાહે સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યા હતા. દુર્ઘટનાનો સત્તાવાર મૃત્યુઆંક પરીક્ષણ પછી જ જાહેર થઈ શકશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, તેમણે અકસ્માત સ્થળની પણ મુલાકાત લઈને સમીક્ષા કરી છે. બધા મુસાફરોના મૃતદેહ બહાર કાઢવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જે લોકો વિદેશમાં છે તેમના સંબંધીઓને જાણ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ પહોંચતાની સાથે જ તેમના ડીએનએ નમૂના પણ લેવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં જ લગભગ 1000 ડીએનએ પરીક્ષણો કરાવવા પડશે.
આ બધા પરીક્ષણો કરવા માટેની ક્ષમતા ગુજરાતમાં હોવાથી ડીએનએ પરીક્ષણ માટે ગુજરાતની બહાર ક્યાંય જવાની જરૂર રહેશે નહીં. રાજ્યની એફએસએલ અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે મળીને શક્ય તેટલા ઓછા સમયમાં ડીએનએ પરીક્ષણ પૂર્ણ કરશે અને મૃતદેહ પરિવારના સભ્યોને સોંપશે.રાજ્ય સરકારે દુર્ઘટનાની જાણ થતાવેંત ત્વરિત હાથ ધરેલી રાહત-બચાવની કામગીરી સંદર્ભે આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, ડીએનએ કામગીરી માટે 45 ડોક્ટરની ટીમ, એસડીઆરએફની બે ટીમ, એનડીઆરએફની બે ટીમ રાહત બચાવ કામગીરીમાં 85 ફાયર ફાઈટર અને એએમસીની પૂરી ટીમ તથા 75થી વધુ એમ્બ્યુલન્સને કામગીરીમાં જોડવામાં આવી હતી.
ફ્લાઇટનુ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડર મળ્યું
અમદાવાદમાં ક્રેશ થયેલા બોઇંગ 787 ડ્રીમલાઇનરનું એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. બીજા બ્લેક બોક્સની શોધ ચાલુ છે. આ બ્લેક બોક્સથી ખબર પડશે કે ટેકઓફ પછી તરત જ આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો.અમદાવાદમાં ક્રેશ થયેલી ફ્લાઇટનુ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડર બંને મળી ગયા છે. ટૂંક સમયમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશનું કારણ પણ બહાર આવશે. બ્લેક બોક્સ હોય પરંતુ તે ઓરેન્જ કલરનું હોય છે. કારણ કે દુર્ઘટના બાદ કાટમાળમાંથી તેને શોધવામાં સરળતા રહે. જેમાં બે ભાગ હોય છે. ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઈસ રેકોર્ડર આ બંને મળીને બ્લેક બોક્સ કહેવાય છે.