સાવજોને ‘સચેત’ કરી ટુરીઝમ હબ બનવા ગુજરાત સજ્જ

કંઈક મેળવવા માટે કંઈક ‘ગુમાવવા’ની તૈયારી રાખવી પડે !!

ગુજરાતીમાં કહેવત છે કે, કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે… બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ ઉપલબ્ધી અને લાભ માટે કંઈક કિંમત તો ચૂકવવી જ પડે. ગુજરાતના વિકાસ અને ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગને વૈશ્ર્વિક ફલક પર વધુ વિસ્તૃત કરવાનાં ધરોહર જેવા વિશ્ર્વમાં એશિયાટીક સિંહોના વતન ગિર અભ્યારણ્યમાં પ્રવાસન ક્ષેત્રને વેગવાન બનાવવા માટે સરકાર દ્વારા સાવચેતીપૂર્વક વિકાસ કાર્યોને આગળ ધપાવવામાં આવી રહ્યાં છે. ગિરના વિકાસ કાર્યોમાં સિંહોને સચેત કરીને પ્રવાસન ઉદ્યોગને વિકસાવી ગુજરાતને ટુરીઝમ હબ બનાવવા માટે સરકાર સજ્જ બની છે.

ગિર નહીં દેખા તો કુછ નહીં દેખા… અને કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં… જેવી જાહેરાતોના માધ્યમથી વિશ્ર્વ ફલક પર ઉભરી આવેલા ગુજરાત અને ખાસ કરીને ગિરના પ્રવાસન ઉદ્યોગને વધુ સુવિધાસભર બનાવવા માટે સરકારે સાવચેતીપૂર્વક વિકાસની રફતાર માટે કમરકસી છે.

પર્યાવરણ અને નેસર્ગીક સંપતિની સલામતીના મુદ્દાઓના અવરોધ ક્યારેક વિકાસ આડે અડચણરૂપ બને છે તેવા સંજોગોમાં ટુરીઝમ ક્ષેત્રના વિકાસ માટે ગિરને વૈશ્ર્વિકસ્તરે વિકસાવવા માટેના પ્રયાસોને લઈને સરકારે ગિરમાં આધુનિક સુવિધાઓ માટે સાવજોને સચેત રાખી વિકાસ માટે લીલી ઝંડી આપી છે.રાજ્યના વન વિભાગે ગિર અભ્યારણ્યમાં વિશ્ર્વસ્તરની આંતર માળખાકીય સુવિધાઓ અને પરિવહન ઉર્જા અને સંદેશા વ્યવહારની સવલતો ઉભી કરી પ્રવાસન ઉદ્યોગને વધુ વિસ્તારવાના પ્રયાસોનો અમલ શરૂ કર્યો છે.ગિર અભ્યારણ્યમાં અને આજુબાજુમાં રેલવે કનેકટીવીટ અને ગેસ પાઈપલાઈન અને ઓપ્ટીકલ કેબલ નાખવાની મંજૂરીની સાથે સાથે અન્ય પ્રાણી સૃષ્ટિની ખુબજ કાળજી લઈ આ પ્રોજેકટ માટે ચક્રોગતિમાન કર્યા છે. જૂનાગઢના વન્ય પ્રાણી વર્તુળના મુખ્ય સંરક્ષક બી.ટી.વસાવડાએ ગિરના વિકાસ માટેની આ પરિયોજના સામે દાખલ કરવામાં આવેલી અરજીનો વિરોધ નોંધાવી એમીક્સ ક્યુરીયા દાખલ કરનાર હેમાંગ શાહે ગેજ રૂપાંતરણ, વિજળીકરણ માટે રેલવેને ૧૫૦ હેકટર જમીન ફાળવવાનો વિરોધ કર્યો હતો. ગિર અભ્યારણ્યમાંથી રેલવે ટ્રેક તેલ અને ગેસ પાઈપ લાઈન અને ઓપ્ટીકલ ફાયબર કેબલ નાખવા સામે એશિયાઈ સિંહોને વિપરીત અસર થાય તેવી અરજી સામે વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, રેલવેએ અભ્યારણ્યમાં ૧૪૮.૪૮ હેકટર જમીન માંગી છે. તેવી જ રીતે પેટ્રોનેટ લીમીટેડે ભૂગર્ભ ગેસ પાઈપ લાઈન માટે ૧૭૩.૨૨૮ હેકટર જમીન માંગી છે તે ૮.૮૧૫ કિલોમીટર અભ્યારણ્યથી દૂર છે અને પીજીવીસીએલએ ઓવરહેડ ૧૧ કેવીની લાઈન માટેની મંજૂરી માંગી છે. આ ત્રણેય પરિયોજના પ્રવાસન ઉદ્યોગ માટે આવશ્યક છે. સાવજોની જીવનશૈલી અને પર્યાવરણને કોઈપણ જાતની નુકશાની ન થાય તે માટે આ પાઈપ લાઈન જમીનની અંદર ઉતારીને જમીનને પૂર્ણ સમતલ કરવાની હિમાયત કરવામાં આવી છે. ગિરનો વિકાસ વૈશ્ર્વિકસ્તરે કરવા અને આંતરમાળખાકીય સુવિધા ઉભી કરવા સરકાર સજ્જ બની છે. રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વિશ્ર્વસ્તરની સુવિધાઓ માટે ગિર અભ્યારણ્યમાં વિકાસ કામોને વેગ આપવામાં આવી રહ્યો છે.

સિંહ સંરક્ષણની પરિસ્થિતિ અને ખેવના રાખીને ગિરમાં પર્યાવરણ સુપેરે જતન થઈ રહ્યું છે. ૨૦૧૦ થી ૨૦૧૫માં સિંહની વસ્તીના ૨૭ ટકા અને આવનાર પાંચ વર્ષમાં સિંહની વસ્તીનો દર ૨૮.૮૭ ટકા જેટલો થવા પામ્યો છે. ગિરના વિકાસ કામોને અદાલતમાં પડકાર આપવામાં આવ્યો છે. તેની સામે વન વિભાગે આ પરિયોજનાથી સિંહ સંવર્ધનમાં કોઈ અવરોધ ઉભા નહીં થાય તેવો બચાવ કર્યો છે. ગિર અભ્યારણ્યમાં વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે હવે વિશ્ર્વ સ્તરે ગુજરાતને પ્રવાસન હબ બનાવવા સરકારે વિકાસને વેગવાન બનાવ્યો છે.

Loading...