ગુજરાત મૂળની દીકરી ન્યૂ જર્સીની મ્યુનિસિપલ કોર્ટમાં બની જજ !!

 

દીપ્તિ વૈદના દાદા સૌરાષ્ટ્રના નિવાસી: પરિવાર અગાઉ ભાયાવદર અને માંગરોળમાં રહેતો

અબતક, અમદાવાદ

ગુજરાતીમાં એક કહેવત છે ‘વડ એવા ટેટા, બાપ એવા બેટા’, પરંતુ આ એક ગુજરાતી છોકરીએ કહેવતને ટ્વીસ્ટ કરીને સાબિત કરી બતાવ્યું છે કે, વડ એવા ટેટા અને મા-બાપ એવા બેટા-બેટી. ન્યૂજર્સીના એડિસનમાં રિટેલ બિઝનેસ શરૂ કરનાર આ દીકરીની માતા પ્રથમ ભારતીય મહિલા હતી. માતાની સાસુ પોતાના જોરે મોટેલ (અલગ પ્રકારની હોટલ) ચલાવતી પ્રથમ મહિલા ઉદ્યોગસાહસિકોમાંની એક હતી. પોતાના વડાઓની જેમ જ, દિપ્તી વૈદ્ય દેઢિયાએ તાજેતરમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. એડિસન મ્યુનિસિપલ કોર્ટમાં નિમણૂક સાથે દક્ષિણ એશિયાઈ પ્રાંતની પ્રથમ મહિલા મ્યુનિસિપલ કોર્ટ જજ બનીને દિપ્તીએ ઈતિહાસ રચી દીધો છે.

આજે ન્યૂ જર્સીના સૌથી વધુ વૈવિધ્યસભર વિસ્તારોમાંના એકમાં મ્યુનિસિપલ જજ તરીકે નિમણૂંક મેળવનારી પ્રથમ ભારતીય મહિલા હોવાનો ગર્વ માત્ર નથી પરંતુ આ મારા પરિવાર અને આપણા સમુદાયની સિદ્ધિ છે તેમ દિપ્તીએ જણાવ્યું છે.દિપ્તી દેઢિયાએ બિઝનેસમાં ડિગ્રી મેળવ્યા બાદ કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું. લો ફર્મમાં ઇન્ટર્નશિપે તેમને આ ક્ષેત્રમાં વધુ રુચિ જગાડી હતી અને તેમના માતાપિતા પણ આ પ્રોફેશનો આદર કરતા અને સહકાર આપતા હતા, તેથી તેઓ આજે આ મુકામ સુધી પહોંચ્યાં હોવાનું કહે છે.

દેઢિયાની પુરોગામી પેઢીઓની વાત કરીએ તો તેઓ ગુજરાત અને વિશ્વના અનેક દેશોમાં ફરી ચૂક્યાં છે. તેના પરદાદા ભાયાવદર અને માંગરોળમાં રહેતા હતા. તેના દાદા કેન્યા શિફ્ટ થયા. પરિવાર બાદમાં લંડન ગયો. માતાના પક્ષેથી નાના-નાની એડન ગયા અને મુંબઈ પરત ફર્યા. તેમના માતાપિતાએ લંડનમાં લગ્ન કર્યા અને યુએસ શિફ્ટ થયા. તેઓ પહેલા ન્યૂયોર્ક અને પછી ન્યૂ જર્સી રહ્યા. તેમની માતા હજુ પણ જુનો બિઝનેસ ચલાવે છે અને તેના પિતા એમ્બ્રોલોજિસ્ટ છે.અમેરિકાના પ્રથમ પેઢીના જુવાનિયાઓ જ્યારે અમને શ્રેષ્ઠ શિક્ષણ અપાવવા માટે આપણા માતાપિતાના કેટલું કઠોર પરિશ્રમ કરી રહ્યાં છે તે જોઈને તેઓને પણ ગૌરવ થાય છે અને બાળકો તરીકે અમને પણ આ રાતદિવસ મહેનતનું સુખદ પરિણામ અપાવવાની ઇચ્છા થવી સ્વાભાવિક છે તેમ દિપ્તીએ ઉમેર્યું હતુ.

દેઢિયાએ કહ્યું કે, જેમ મારા માટે ઐતિહાસિક ભૂમિકા મારા પરિવાર દ્વારા ભજવાઈ તેમ જ મારી આશા અને લક્ષ્યાંક એ છે કે, આપણો સમાજ ભાવિ મહિલા લઘુમતી લીડર્સને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખે.ગુજરાતી પરંપરા વિશે દિપ્તીએ કહ્યું કે “અમે ઘરે ગુજરાતી જ બોલીએ છીએ અને તમામ તહેવારો ઉજવીએ છીએ. મારા માતા-પિતા માટે તે મહત્વનું છે કે, આપણે આપણા મૂળને યાદ રાખીએ. અમે હંમેશા દિવાળીમાં ગ્રાંડ-સેલિબ્રેશનનું આયોજન કરીએ છીએ, ગરબામાં પણ હાજરી આપીએ છીએ, અમારા મંદિરમાં હોળી પણ રમીએ છીએ અને ઘરે થતી પૂજામાં પણ ભાગ લઈએ છીએ.

દેઢિયાએ આગળ કહ્યું, વિદેશમાં આપણી સંસ્કૃતિ જાળવવાનું મહત્વ સમજીને, હવે અમે અમારા બાળકો સાથે પણ આવું જ કરીએ છીએ.એડિસને ગયા વર્ષે ગુજરાતી મૂળ ધરાવતા વ્યક્તિ સામ જોશીને મેયર તરીકે ચૂંટ્યા હતા. દેઢિયાએ એક મીડિયા અહેવાલમાં કહ્યું કે, ભૂતકાળમાં આપણા સમુદાયની ખૂબ ઓછી સ્વીકૃતિ હતી. જોકે, હવે મહત્વ સમજાય છે અને સાથે-સાથે આપણા ગુજરાતીઓ પોતાની જાતને અહિં પુરવાર પણ કરે છે