- હાઇકમાન્ડ દિલ્હી વિધાનસભાની ચૂંટણીની કામગીરીથી હળવા થતાં હવે
- સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજના નેતાને પ્રમુખનો તાજ પહેરાવાય તેવી સંભાવના: સ્થાનીક સ્વરાજયની ચૂંટણીના પરિણામ બાદ ગમે ત્યારે પ્રમુખનું નામ જાહેર કરાશે
દિલ્હી વિધાનસભાની ચુંટણીનું પરિણામ જહેર થઇ ગયા બાદ ભાજપ હાઇ કમાન્ડ હાલ થતું હળવું થઇ ગયું છે. હવે ગુજરાત પ્રદેશ ભાજપના નવા અઘ્યક્ષની નિમણુંકની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે. આગામી ર0મી ફ્રેબ્રુઆરી સુધીમાં અર્થાત આવતા સપ્તાહે ભાજપ દ્વારા પ્રદેશ અઘ્યક્ષના નામની જાહેરાત કરી દેવામાં આવશે. આ પૂર્વ કેટલાક જિલ્લા અને મહાનગરોના પ્રમુખો જાહેર કરી દેવામાં આવે તેવું હાલ દેખાય રહ્યું છે.
ગુજરાતમાં આવતા રવિવારે જુનાગઢ મહાનગરપાલીકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચુંટણીનું મતદાન થવાનું છે. 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. 19મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરુ થઇ રહ્યું છે. ર0મીએ રાજય સરકારનું બજેટ છે. આવામાં 18 થી ર0 ફેબ્રુઆરી વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપના નવા અઘ્યક્ષના નામની ધોષણા કરવામાં આવી શકે છે. આગામી દિવસોમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવશે અને પ્રમુખ પદ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રી પદે હાલ પાટીદાર સમાજમાંથી આવતા ભુપેન્દ્રભાઇ પટેલ સત્તારૂઢ છે. આવામાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ પદ સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજના નેતાને આપવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. પ્રમુખ પદ માટે હાલ રાજય સરકારના મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા, વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડના ચર્ચામાં છે.
ભાજપના વર્તમાન પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલની મુદત તો જુન-2024 માં પૂર્ણ થઇ ગઇ છે. દરમિયાન લોકસભાની ચુંટણીને ઘ્યાનમાં રાખી તેઓને પ્રમુખ પદે યથાવત રાખવામાં આવ્યા હતા. લોકસભાની ચુંટણી બા સી.આર. પાટીલને કેન્દ્ર સરકારમાં જળ શકિત મંત્રાલયના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ હાલ બેવડી જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓએ ત્રણ થી ચાર વખત પોતાને પ્રદેશ ભાજપ અઘ્યક્ષની જવાબદારીમાંથી મુકત કરવાની માંગણી કરી છે. સંગઠન પર્વ અંતર્ગત ભાજપ દ્વારા મંડલ પ્રમુખોની નિયુકિત કરી દીધા બાદ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિમણુંકની પ્રક્રિયા હાથ પર લીધી હતી. દરમિયાન મોટાભાગના જિલ્લા અને મહાનગરોમાં વિવાદ ઉભો થતાં પ્રમુખની નિયુકિત થઇ શકી ન હતી. ત્યારબાદ સ્થાનીક સ્વરાજયની ચુંટણીની તારીખ જાહેર થઇ જવાના કારણે પ્રમુખના નામ જાહેર કરવાનું પક્ષ દ્વારા માંડી વાળવામાં આવ્યું હતું.
આગામી 16મી ફેબ્રુઆરીના રોજ સ્થાનીક સ્વરાજયની ચુંટણીનું મતદાન થવાનું છે. 18મીએ મત ગણતરી હાથ ધરવામાં આવશે આવામાં ભાજપ દ્વરા 19 અથવા ર0મી ફેબ્રુઆરીના રોજ ભાજપ દ્વારા નવા પ્રદેશ અઘ્યક્ષ નામની ધોષણા કરી દેવામાં આવશે.આગામી દિવસોમાં ભાજપના રાષ્ટ્રીય નેતા ભુપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવશે તેઓ નવા પ્રદેશ અઘ્યક્ષની નિમણુંક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ દરમિયાન પ્રમુખ પદ માટે જે નામો આવશે તે દિલ્હી દરબાર સમક્ષ રજુ કરી દેવામાં આવશે. પક્ષના બંધારણ મુજબ પ્રદેશ પ્રમુખની નિમણુંક પહેલા 50 ટકા જિલ્લા મહાનગરોમાં પ્રમુખ નીમી દેવા જરુરી છે. આવામાં ભાજપ દ્વારા આગામી દિવસોમાં એવા કેટલાક જિલ્લાના પ્રમુખના નામની જાહેરાત કરી દેવામાં આવશે જયાં પ્રમુખની નિમણુંક સામે કોઇ વિવાદ કે અસંતોષ ઉભો થવાની શકયતા નથી.