‘લોક સેવા’માં ગુજરાત બીજા નંબરે…!!

અનેક કોર્પોરેટ કંપનીઓનું હોમ ટાઉન બનેલા ગુજરાતમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ રૂ.676 કરોડનું સીએસઆર ફંડ એકત્ર થયું

મોટી 301 કંપનીઓમાંથી 40% કંપનીઓએ રાજયમાં એક કરતા વધુ સીએસઆર પ્રોજેકટ માટે ભંડોળ ફાળવ્યું; ફાર્મા, કેમિકલ અને ટેકસટાઈલ કંપનીઓનો મોટો ફાળો

 

અબતક, રાજકોટ:

વેગવંતા વિકાસની સાથે સાથે વિકાસના પાયા એવા લોકસેવામાં પણ ગુજરાત બીજા ક્રમે છે. અનેક કોર્પોરેટ કંપનીઓના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સનું હબ બનેલા ગુજરાતમાં મહારાષ્ટ્ર બાદ

સૌથી વધુ સીએસઆર એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ એકત્ર થયું છે. અમદાવાદ સ્થિત સીએસઆર રિસર્ચ એન્ડ એડવાઇઝરી ફર્મ દ્વારા હાથ ધરાયેલા 2021ના સર્વેમાં એ જાણવા મળ્યું છે કે સીએસઆર ફંડ માટે સૌથી વધુ પસંદગીના પ્રદેશોમાંના એક તરીકે ગુજરાત પણ ઉભરી આવ્યું છે. નાણાંકીય વર્ષ 2020-21માં સીએસઆર તરફ સાર્વજનિક રૂપે વેપાર કરતી કંપનીઓ દ્વારા ખર્ચવામાં આવેલ ભંડોળમાં ગુજરાતને બીજા ક્રમની સૌથી વધુ રૂપિયા 676 કરોડની રકમ મળી છે.

નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન સમગ્ર ગુજરાતમાં રૂ. 676 કરોડનું સીએસઆર ફંડ ખર્ચવામાં આવ્યું. આ રકમ મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં રૂ. 1,272 કરોડનો સીએસઆર ખર્ચ થયો. ફર્મના આ અહેવાલમાં ભારતના ટોચના સ્ટોક એક્સચેન્જોમાં જાહેર અને ખાનગી ક્ષેત્રની સૂચિબદ્ધ 301 મોટી કંપનીઓને આવરી લઈ તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં જે 676 કરોડનું ભંડોળ એકત્ર થયું છે. તેમાં 301 મોટી કંપનીઓમાંથી 40% કંપનીઓ કે જેઓએ ગુજરાતમાં એક અથવા વધુ સીએસઆર પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડ્યું છે.

આ 120 કંપનીઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ 500થી વધુ સીએસઆર પ્રોજેક્ટ્સ છે. જેમાં   ફાર્મા ક્ષેત્રની કંપની, કેમિકલ અને ટેક્સટાઇલ ક્ષેત્રની કંપનીઓનો મોટો ફાળો છે.

ભારતમાં ખર્ચવામાં આવતા કુલ વાર્ષિક સીએસઆરનો લગભગ દસમો ભાગ એકલા મહારાષ્ટ્રને મળ્યો છે. ત્યારબાદ ગુજરાત અને દિલ્હી અનુક્રમે 5.6% અને 4.3% સાથે આવે છે. જેમાં આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૌશલ્ય, ગરીબી નાબૂદી અને ગ્રામીણ વિકાસને મુખ્ય લાભાર્થી તરીકે ભંડોળ વાપરવામાં આવ્યું છે.