પર્યાવરણની સુરક્ષા માટે વડાપ્રધાનના પંચામૃત લક્ષ્યાંકની લીડ લેવા ગુજરાત સજજ: મુખ્યમંત્રી

ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારો  સામે પર્યાવરણીય સુરક્ષા સાથે  વિકાસની  નવી પરિભાષા અંકિત કરી છે: ભૂપેન્દ્રભાઈ પટેલ

અબતક,રાજકોટ

મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વિકાસના રોલ મોડેલ ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારો સામે પણ સુરક્ષિતતા, સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે.આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વર્તમાન પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે 2009માં એશિયાભરમાં પ્રથમવાર કલાયમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરી દેશ અને દુનિયાને આગવી દિશા દર્શાવી છે.તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આ કલાયમેટ ચેન્જ વિભાગના બજેટમાં છેલ્લાં 12 વર્ષમાં ઉત્તરોતર  વધારો કર્યો છે. આ વર્ષે બજેટમાં 910 કરોડની જોગવાઇ સરકારે કરી છે મુખ્યમંત્રીએ રાજ્યની પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવા માટે કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા રૂપિયા 1 કરોડ 50 લાખના અનુદાન ફાળવણી જાહેરાત પણ કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી એ સાયન્સ મ્યુઝિયમ, મેડિકલ કોલેજ અને પોલીટેક્નીક ઇમારતો ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું હતું. તેમજ સબસીડી યોજના અંતર્ગત અપાયેલા ઇલેક્ટ્રીક વ્હિકલનું ફ્લેગ ઓફ કરાવીને બેટરી સંચાલિત દ્વી-ચક્રી વાહનોની સહાય વિતરણ, ગૌશાળા-પાંજરાપોળને બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટેની સહાય વિતરણ તેમજ સખી મંડળ દ્વારા પ્લાસ્ટિક કચરાના એકત્રીકરણ માટે પ્રોત્સાહક રકમનું વિતરણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે 12 લાભાર્થીઓને બેટરી સંચાલિત દ્રી-ચક્રી વાહનોની સહાય વિતરણ કરાયું હતું. આ યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યના ધોરણ 9 થી 12 તથા કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કુલ 25,328 વિદ્યાર્થીઓને કુલ રૂપિયા 21.06 કરોડની સહાય અપાઇ છે.

ગૌશાળા-પાંજરાપોળને બાયોગેસ પ્લાન્ટ સ્થાપના માટેની સહાય વિતરણ અંતર્ગત પ્રતિકરૂપે તરભ સ્થિત શ્રી વાલીનાથ અખાડા ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટને તથા કડી સ્થિત નંદ ગૌશાળાને પ્રત્યેકને રૂ. 10,73,082 ની સહાય અપાઇ હતી. મોરબી સ્થિત તક્ષશિલા સ્વસહાય જૂથ અને સિંઘોઇમાં મહિલા સંગઠનને એમ પ્રત્યેકને રૂપિયા 2.5 લાખની પ્લાસ્કિ કચરાના એકત્રીકરણ માટે પ્રોત્સાહક સહા અપાઇ હતી. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 22.91 કરોડની સહાય અપાઇ હતી.

મુખ્યમંત્રીએ પાટણ સ્થિત રિઝિનલ સાયન્સ મ્યુઝિયમ ખાતે 100 કિલો વોટ, હિંમતનગર સ્થિત જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજમાં 100 કિલો વોટ તથા ભાવનગર સ્થિત શ્રી ભાવસિંહજી પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યુટ કેમ્પસ ખાતે 180 કિલો વોટની સોલાર સિસ્ટમનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ. રૂપિયા 1.26 કરોડના ખર્ચે તૈયાર થયેલી  આ સોલાર સિસ્ટમ દ્વારા પ લાખ 70 હજાર યુનિટની વાર્ષિક બચત થશે.ગુજરાત આ લક્ષ્ય સિદ્ધ કરવામાં લીડ લેવા સજ્જ છે તેની વિભાવના આપતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ પંચામૃત લક્ષ્યો અન્વયે 2030 સુધીના લક્ષ્યને ધ્યાનમાં રાખી ગુજરાતે નવો સ્ટેટ એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે.

મુખ્યમંત્રીએ ભવિષ્યની પેઢીને ગ્રીન-ક્લીન એન્વાયરમેન્ટ આપવાનો સંકલ્પ લેવાની પ્રેરણા આપતા કહ્યું કે, કલાયમેટ ચેન્જની ચેલેન્જીસ સામે સક્ષમ પરિણામદાયી ઉપાયોથી સજ્જ ગુજરાતનું નિર્માણ એ જ આપણે સહિયારો સંકલ્પ અને પ્રતિબદ્ધતા છે.આ પ્રસંગે કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા હતા. જેમાં યુનિસેફ, ઈ.યુ, આઇ.સી.એલ.ઈ.આઇ., આઇ.આઇ.એમ-અમદાવાદ, આઇ.આઇ.ટી- ગાંધીનગર, એમ.એસ.યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, પી.ડી.પી.યુ., સાયન્સ સિટી, ટેક્નિકલ શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, નવસારી કૃષિ યુનિવર્સિટી, સુઝલોન ગુજરાત વિન્ડ પાર્ક લિમિટેડ જેવી સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ થયા છે.

શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે લીધેલા પગલાઓને પ્રવર્તમાન રાજ્ય સરકાર પરિણામ લક્ષી રીતે આગળ વધારી રહી છે. કલાઈમેટ ચેન્જ એ વૈશ્વિક પડકાર છે અને વિશ્વ આખું તેનો સામનો કરી રહ્યું છે. ઋતુઓમા બદલાવ અને તેના પગલે કુદરતી હોનારતો સર્જાઈ રહી છે તેના માટે કલાઈમેટ ચેન્જ જવાબદાર છે. સાથો- સાથ અનેક પ્રકારના રોગોનો આપણે સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ બધી વિપરીત પરિસ્થિતિના પડકાર માટે ગુજરાત કટિબદ્ધ બન્યું છે.આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ પણ કલાઈમેટ ચેન્જને એક વિષય તરીકે દાખલ કરવા પ્રયત્નશીલ છીએ એમ તેમણે ઉમેર્યું હતું.

વન પર્યાવરણ અને કલાયમેટ ચેન્જ વિભાગના મંત્રી  કિરીટસિંહ રાણાએ જણાવ્યુ હતુ કે, તત્કાલીન મુખ્યમંત્રી  અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગને વધતું કઈ રીતે અટકાવી શકાય તે વિશે વિચાર મંથન કરીને 2009માં કલાયમેટ ચેન્જ વિભાગની શરૂઆત કરી અને વિઝનને એક મિશન તરીકે હાથ ધર્યું. અનેક યોજનાઓ થકી યુવાઓ અને નાગરિકોને જોડ્યા. પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા યુવા વર્ગને વિધાર્થીકાળથીજ જાગૃત કરવામા આવ્યા જેમાં ગુજરાતમાં શરૂ કરવામાં આવેલા સ્ટાર્ટ અપ ઈનોવેશનથી આજે છ હજારથી વધુ સ્ટાર્ટઅપ કાર્યાન્વિત થયા છે.મુખ્યમંત્રી શ્રીએ કલાયમેટ ચેન્જ કાર્યક્રમ અંતર્ગત ક્લાઇમેન્ટ ચેન્જની સમજ લોકો સુધી પહોંચે તે હેતુથી આ વિષયને લગતી વિવિધ 6 ડોક્યુમેન્ટ્રીનું વિમોચન પણ કર્યું હતું. સાથો-સાથ ક્લાઇમેન્ટ ચેન્જની વૈજ્ઞાનિક સમજ બાળકો સુધી પહોંચે તે હેતુથી બાળકો માટે વેબિનારનું લોન્ચિંગ, ગુજરાતની પરંપરા પુસ્તકનું વિમોચન, ક્લાઇમેન્ટ ચેન્જને સ્પર્શતા જુદા-જુદા સ્ટડી અહેવાલનું વિમોચન તેમજ શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ અને ટેક્નીકલ શિક્ષણના વિદ્યાર્થીઓ માટેની માર્ગદર્શિકા ‘વિદ્યાસુરભી’નું વિમોચન પણ મુખ્યમંત્રી ના હસ્તે કરવામાં આવ્યું હતું.