- ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2025નો ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લિડરશીપમાં ગુજરાત સેમિકન્ડક્ટરની ગ્લોબલ ડિમાન્ડ સપ્લાય ચેઈનમાં મહત્વપૂર્ણ ભુમિકા માટે સજ્જ થઈ રહ્યું છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં દેશ-વિદેશના 1500થી વધુ પ્રતિનિધિઓ- 250 જેટલા એક્ઝીબિટર્સ- 6 કંટ્રી સ્પેસીફિક રાઉન્ડ ટેબલ- 7 જેટલા પેનલ ડિસ્કસન્સ
મુખ્યમંત્રી
- અવસરોની ભૂમિ ગુજરાતને વિકાસની અસીમ સંભાવનાઓ સાથે હાઈટેક મેન્યુફેક્ચરીંગ રિવોલ્યુશન કેન્દ્ર બનાવવાની નેમ છે.
- ડેડિકેટેડ સેમિકન્ડક્ટર પોલિસીના અમલ સાથે ગુજરાતે ઈલેક્ટ્રોનીક એન્ડ સેમિકન્ડક્ટર સંલગ્ન સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસીલીટીઝ વિકસાવી છે.
- કોન્ફરન્સના પ્રારંભે 8 જેટલા એમ.ઓ.યુ. સંપન્ન થયા
- નેધરલેન્ડના રાજદુત સહિત સેમિકન્ડક્ટર ક્ષેત્રના વૈશ્વિક અગ્રણીઓ કોન્ફરન્સમાં સહભાગી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટરની ગ્લોબલ ડિમાન્ડ સપ્લાય ચેઈનનો મહત્વપૂર્ણ હિસ્સો બનવા ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વીઝનરી લીડરશીપમાં સજ્જ થઈ રહ્યુ છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, આધુનિક વિકાસના આ યુગમાં સેમિકન્ડક્ટર વગર કોઈપણ ઔદ્યોગિક વિકાસની કલ્પના કરવી અસંભવ છે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર સાથે સંલગ્ન અનેક સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસીલીટીઝ સાથે દેશમાં સેમિકન્ડક્ટર યુનિટ્સની સ્થાપના માટે પહેલી પસંદ બન્યું છે.
મુખ્યમંત્રી રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ આયોજિત ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરન્સ-2025 અને પ્રદર્શનીનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.
આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં વિવિધ દેશોના અને ભારતના મળીને 1500થી વધુ પ્રતિનિધિઓ, 250થી વધુ એકઝીબિટર્સ સહભાગી થઈ રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ કોન્ફરન્સમાં પ્રેરક ઉપસ્થિતિમાં સેમિકન્ડક્ટર અને ફેબ ક્ષેત્રમાં રોકાણો માટેના 8 એમ.ઓ.યુ., સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન કોમ્પેડીયમનું વિમોચન તેમજ ધોલેરા ખાતે નિર્માણ થનારી હોસ્પિટલ, ઇન્ટરનેશનલ સ્કૂલ અને ફાયર સ્ટેશનના ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડ્રોન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં ભારતની વૈશ્વિક સ્થિતિ દિવસે દિવસે મજબૂત થતી જાય છે.
ગુજરાતે ભારત સરકારની પેટ્રન પર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન કાર્યરત કરીને મજબૂત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ વિકસાવવી છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતે ડેડીકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી 2022માં જ અમલી કરી દીધી છે. એટલું જ નહિ, ધોલેરામાં સેમિકન્ડક્ટર ઉદ્યોગોના વિશાળ વિકાસની સંભાવનાઓ ઓળખી લઈને પ્લગ એન્ડ પ્લે ફેસીલીટીઝ સાથે દેશના પહેલા ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે તેનો વિકાસ શરૂ કર્યો છે તેમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં AI ,મશીન લર્નિંગ અને એનાલીટીક્સ જેવી ટેકનોલોજી અને ઉદ્યોગ તથા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલીસી પણ જાહેર કરવામાં આવી છે તેની વિગતો આપી હતી.
મુખ્યમંત્રીએ સેમિકન્ડક્ટર સેક્ટરમાં હાઇટેક મેનપાવર તૈયાર કરવાની દિશામાં ગુજરાત તેજ ગતિએ આગળ વધ્યું છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, ટેક્સટાઇલ, ફાર્મા, ડાયમંડ, કેમિકલ એન્ડ પેટ્રોલ કેમિકલ્સ, સીરામીક, રીન્યૂએબલ એનર્જી જેવા ક્ષેત્રમાં ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બન્યું છે.
હવે, અવસરોની ભૂમી ગુજરાતને વિકાસની અસીમ સંભાવનાઓ સાથે ઇનોવેશનમાં વૈશ્વિક સહભાગીતાથી હાઈટેક મેન્યુફેક્ચરિંગ રિવોલ્યુશન કેન્દ્ર બનાવવાની નેમ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કોન્ફરન્સની સફળતા માટે શુભેચ્છાઓ આપતા એવી અપેક્ષા દર્શાવી હતી કે ત્રિ-દિવસીય કોન્ફરન્સના ચર્ચા સત્રો, પેનલ ડિસ્કશન્સનો નિષ્ક્રર્ષ સેમિકન્ડક્ટર ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવાનો માઈલસ્ટોન બનશે.
ભારતમાં નેધરલેન્ડના રાજદૂત શ્રીયુત મારીસા ગેરાર્ડ્સ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા કરેલા સંકલ્પને સાકાર કરવામાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે રહેલી ક્ષમતાઓને ઉજાગર કરીને ગુજરાતને ભારતનું સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં “ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ” મહત્વપૂર્ણ ફાળો આપશે. ભારતને ટેક્નોલોજી ક્ષેત્રે નવી ઊંચાઇએ લઇ જવામાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહ્યું છે.
ભારત અને નેધરલેન્ડ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. ભારત એ નેધરલેન્ડનો સૌથી વિશ્વાસપાત્ર મિત્ર દેશ છે. નેધરલેન્ડ સેમિકન્ડક્ટર ઉત્પાદનનું પાવર હાઉસ છે, જ્યારે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે સૌથી ઝડપથી વિકાસ પામનારો દેશ બન્યો છે, તેમાં પણ ગુજરાતની ભૂમિકા ખૂબ જ મહત્વની સાબિત થઇ છે. આ બંને દેશો પ્રતિયોગીતા નહીં, પરંતુ સહભાગીતા સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્ય સચિવ પંકજ જોશીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, છેલ્લા અનેક વર્ષોથી ગુજરાત દેશના મેન્યુફેક્ચરીંગ હબ તરીકે પ્રસ્થાપિત થયેલુ છે. સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપન, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ માટેની શ્રેષ્ઠતમ સુવિધાઓ અને વિવિધ ઔદ્યોગિક પોલિસીઓના પરિણામે આજે ગુજરાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે. ધોલેરા સેમીકોન સીટી તેમજ સાણંદ GIDC સેમિકન્ડક્ટર પેકેજીંગ હબ તરીકે વિકાસ પામી રહ્યું છે.
ધોલેરા SIR ખાતે સેમિકન્ડક્ટર ઉપરાંત દરેક ઉદ્યોગોને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત સરકારે અનેકવિધ પગલાઓ લીધાં છે. ધોલેરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની માળખાકીય સુવિધાઓ, અવિરત વીજ પુરવઠો, ગેસ પુરવઠો, પાણી પુરવઠો, ધોલેરાને સુદ્રઢ કનેક્ટીવીટી પૂરી પાડતો એક્સપ્રેસ-વે, ભીમનાથ રેલ્વે સ્ટેશન અને ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે. કાર્ગો સુવિધાઓ માટે એરપોર્ટ લગભગ જુલાઈ-૨૦૨૫ સુધીમાં કાર્યરત થશે, તેમ મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે જેટ્રોના ચેરમેન અને CEO ઇશિગુરો નોરિહિકોએ જણાવ્યું હતું કે, એક વિઝનરી નેતૃત્વ હેઠળ ભારત અને ગુજરાતની સેમિકન્ડક્ટર ઇકોસીસ્ટમ ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહી છે. ગુજરાતની સેમિકન્ડક્ટર ઇકોસીસ્ટમને વધુ મજબૂત બનાવવામાં અમારી કંપની જેટ્રો પણ મહત્વનું યોગદાન આપશે. આજે ગુજરાતમાં ધોલેરા SIR ખાતે વિકસી રહેલી સેમિકન્ડક્ટર ઉદ્યોગોના પરિણામે, ભવિષ્યમાં ધોલેરા દેશના મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ સેન્ટર તરીકે ઉભરી આવશે.
વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે કાર્યક્રમમાં સૌનું શાબ્દિક સ્વાગત કરીને ત્રિ-દિવસીય કોન્ફરન્સના હેતુ, ગુજરાતમાં વિકસી રહેલી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને કોન્ફરન્સમાં બે દિવસ દરમિયાન યોજાનાર વિવિધ સત્રો અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં સેમિકન્ડક્ટર પોલીસી જેવી અનેકવિધ પોલિસીઓ અમલમાં આવી છે, જે ગુજરાતને દેશના સેમિકન્ડક્ટર હબ બનાવવામાં મદદરૂપ થશે.
આ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ ક્ષેત્રે નવીનતા અને સહયોગ ઉપરાંત વૈશ્વિક સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમ વિશે કેન્સ ટેકનોલોજીના મેનેજીંગ ડિરેક્ટર રમેશ કન્નન, જેબિલ ગ્લોબલ બિઝનેશ યુનિટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મેટ ક્રોલી, ઇન્ફિનીઓન ટેક્નોલોજીસ એશિયા પેસિફિકના મેનેજીંગ ડીરેક્ટર સી. એસ. ચુઆ, સીજી સેમી પ્રાઇવેટ લિમીટેડના ચેરમેન ગીરીશ ચંદ્ર ચતુર્વેદી, માઈક્રોન ટેક્નોલોજીના સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ ગુરશરણ સિંઘ, SEMI ગ્લોબલના પ્રેસિડેન્ટ અજીત મનોચા તેમજ ઈન્ડીયા સેમિકંડક્ટર મિશનના CEO સુશીલ પાલે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ ઉપરાંત ટાટા ઇલેક્ટ્રોનિકસના મેનેજીંગ ડીરેક્ટર ડૉ. રણધીર ઠાકુર, PSMCના પ્રેસિડેન્ટ માર્ટીન ચુ તેમજ હિમાક્ષ ટેકનોલોજીસના ડીરેક્ટર જોર્ડન વુ દ્વારા પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યુ હતું.
આ સમારોહમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ભારત અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ દેશોમાંથી પધારેલા ડેલીગેટ્સ ઉપરાંત સેમિકન્ડક્ટર ક્ષેત્રના નિષ્ણાતો, ઉદ્યોગકારો અને રોકાણકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ અંતર્ગત થયેલા MoU
આ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા MOU ની વિગતો આ મુજબ છે.
1) ગુજરાતમાં રૂ.1000 કરોડના રોકાણ દ્વારા નવા સિલિકોન ફોટોનિક્સ મેન્યુફેક્ચરીંગ એકમ સ્થાપવા માટે JABIL INDIA કંપની સાથે MoU કરવામાં આવ્યા. આ એકમ ખાતે AI., ટેલિકોમ, IOT અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઉપયોગી એવા ફોટોનિક્સ ટ્રાન્સરીસીવર્સ (ડેટા કમ્યુનિકેશન ડિવાઇસ)નું ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે. આ રોકાણ થકી 1500 જેટલી નવી રોજગારીનું સર્જન થશે.
2) રૂ. 91,526 કરોડના કુલ રોકાણ દ્વારા ધોલેરા ખાતે સ્થપાનાર સેમિકંડક્ટર ફેબ એકમને કેન્દ્ર સરકાર દ્વારા મળવાપાત્ર નાણાકીય સહાય આપવા માટે ઈન્ડીયા સેમિકંડક્ટર મિશન (ISM) અને ટાટા ઈલેક્ટ્રોનિક્સ (TEPL) વચ્ચે કરાર (FSA) થયા.
3) ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને IIT ગાંધીનગર વચ્ચે MoU કરવામાં આવ્યા જે અંતર્ગત IIT ગાંધીનગર ખાતે સેમિકંડક્ટર ક્ષેત્રે કૌશલ્યવર્ધન માટે સહિયારો પ્રયત્ન કરવામાં આવશે.
4) ટાટા ઈલેક્ટ્રોનિક્સ, તાઈવાનની કંપની PSMC અને તાઈવાનની ફેબલેસ સેમિકન્ડક્ટર ઉત્પાદક કંપની હાઈમેક્સ ટેકનોલોજીસ વચ્ચે ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યા. ધોલેરા ખાતે PSMCની મદદથી ટાટા ઈલેક્ટ્રોનિક્સ દ્વારા કરવામાં આવનાર સેમિકંડક્ટર ચીપના ઉત્પાદન માટે આ કરાર ખૂબજ મહત્વપૂર્ણ સાબિત થશે.
5) સાણંદ ખાતે કેયન્સ ટેકનોલોજીના નવા સેમિકન્ડક્ટર એકમનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું. આ સાથે જાહેરાત કરવામાં આવી કે આ કેયન્સના સાણંદ ખાતેના આ સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટ પર પાયલોટ મેન્યુફેક્ચરીંગ લાઇન દ્વારા જૂન 2025 અને મુખ્ય મેન્યુફેક્ચરીંગ લાઇન દ્વારા જાન્યુઆરી 2026માં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત કેન્સ દ્વારા અમેરીકાની સેમિકન્ડક્ટર ચીપ ડિઝાઇનર, ડેવલપર અને પાવર સેમિકન્ડક્ટર્સની વિશાળ શ્રેણીની વૈશ્વિક સપ્લાયર એવી આલ્ફા અને ઓમેગા સેમિકન્ડક્ટર લિમિટેડ (AOS) સાથે મલ્ટી-યર-મલ્ટી-મિલયન-ડોલરના POWER MOSFETs, IGBTs અને IPMs જેવા સેમિકંડક્ટર ચીપ ઉત્પાદનો માટે મહત્વપૂર્ણ ભાગીદારી કરાર કરવામાં આવ્યા. આ ઉપરાંત કેન્સ કંપની દ્વારા તેના ટેકનોલોજી પાર્ટનર, ઉત્પાદક સાધન પાર્ટનર અને સપ્લાય ચેન પાર્ટનર સાથે કરારોની જાહેરાત કરવામાં આવી. સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવા કૌશલ્ય નિર્માણ માટે 8 સંસ્થાઓ સાથેના સ્ટ્રેટર્જીક સહયોગ માટેના કરારની જાહેરાત કરવામાં આવી.
6) ગુજરાતમાં રૂ.500 કરોડથી વધુના રોકાણ દ્વારા નવા ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ સર્વિસ (EMS) એકમ સ્થાપવા માટે તાઈવાનની તાઈવાન સરફેસ માઉન્ટીંગ ટેકનોલોજી (TSMT) કંપની સાથે MoU કરવામાં આવ્યા. આ રોકાણ થકી 1000 જેટલી નવી રોજગારીનું સર્જન થશે.
7) ગુજરાતમાં સાણંદ ખાતે આવેલી સેમિકંડક્ટર ક્ષેત્રની કંપની માઈક્રૉન ટેકનોલોજી સાથે પર્યાવરણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, STEM શિક્ષણ અને કુશળ માનવબળના વિકાસ માટેના પ્રયત્નો માટે MOU કરવામાં આવ્યા. જેનો લાભ સાણંદની આસપાસના ગ્રામ્ય વિસ્તારને મળશે.
8) નેક્સ્ટજેને હિટાચી અને સોલિડલાઇટના ટેકનિકલ સહયોગથી ગુજરાતમાં કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ અને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ ફેસિલિટી સ્થાપવાનો ઇરાદો વ્યક્ત કરતા રૂ. 10,000 કરોડના MOU પર હસ્તાક્ષર કર્યા.
9) ધોલેરા સર ખાતે નિર્માણ પામનાર નવી હોસ્પિટલ, ઇન્ટરનેશનલ સ્કૂલ અને ફાયર સ્ટેશનનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું.
10) ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન (IESA) દ્વારા “સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇન” રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું તેમજ “વિઝન ટુ રિયાલિટી” – મેઇક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ ઇનિશિએટીવનું પણ વિમોચન કરવામાં આવ્યું.