Abtak Media Google News

ભારતમાં પહેલી વખત ઓલિમ્પિક સ્પર્ધા યોજવા માટે અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદની ઐતિહાસિક ભૂમિ પર વિશ્ર્વની સૌથી મોટી ખેલકુદ સ્પર્ધાના આયોજન માટે મજબૂત રીતે દાવો નોંધાવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઓલિમ્પિકની યજમાની માટેનો દાવો ખુબજ સક્ષમ અને અસરકારક રીતે રજૂ કરી શકાય તે માટે વિશ્ર્વકક્ષાના ક્ધસલ્ટન્ટો મદદ કરવા તૈયાર થઈ ગયા છે.

ગુજરાત કી હવા મેં ધંધા હૈ… ઓલિમ્પિકની યજમાની કરી ગુજરાત વિશ્વમાં ડંકો વગાડશે

અમદાવાદની દાવેદારી સક્ષમ અને સબળ રીતે મુક્વા

દેશ અને ગુજરાતના અર્થતંત્ર માટે ઓલિમ્પિકની યજમાની બહુ મોટો બુસ્ટર ડોઝ પુરવાર થશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળનો સંપર્ક કરી રહ્યાં છે. 2036માં યોજાનાર ઓલિમ્પિકની યજમાની ગુજરાતના મહાનગર અમદાવાદને મળવાની શકયતાઓ વધુને વધુ ઉજળી બની રહી છે. ઓલિમ્પિકનું યજમાન બનીને ગુજરાત વિશ્ર્વભરમાં ડંકો વગાડી દેશે તે નિશ્ર્ચિત મનાય છે. એટલું જ નહીં ગુજરાતના અર્થતંત્રને પણ ભારે સમર્થન અને ગતિ પ્રાપ્ત થશે. ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદના ધંધા-રોજગારને મોટો વેગ મળશે અને મોટાપાયે રોજગારીનું પણ સર્જન થવાની શકયતા છે.

ઓલિમ્પિક સ્પર્ધા વિશ્ર્વની સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત ખેલકુદ સ્પર્ધા ગણાય છે. તેના માટે દાવો કરનાર શહેરમાં પાયાના માળખાની સુવિધાઓ, શહેરની આયોજનની ક્ષમતા, આર્થિક શક્તિ જેવા માપદંડો ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમીટી જે તે શહેરના દાવાને મંજૂરીની આખરી મહોર મારે છે.

અમદાવાદ દેશનું સૌથી વધુ ઝડપથી વિકાસ પામતું મહાનગર છે. જો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિકની યજમાની માટેના તમામ માપદંડો અને ક્ષમતાની કસોટીમાંથી પાર ઉતરશે તો 2036માં એક અનેરો ઈતિહાસ સર્જાઈ જશે તેમાં બે મત નથી. ભારતમાં અગાઉ એશિયાડ અને કોમનવેલ્થ જેવા વિશ્ર્વકક્ષાના રમતોત્સવ યોજાઈ ગયા છે. પરંતુ ભારતમાં કદી પણ ઓલિમ્પિકનો મેળાવડો યોજાયો નથી. હવે પહેલી વખત યજમાન બનવાની શકયતાઓ ઉજળી બની છે અને દાવેદારોમાં અમદાવાદનું નામ મોખરે ચાલી રહ્યું છે.

અમદાવાદને ઓલિમ્પિક માટે સજ્જ કરવા માટે અત્યારથી જ તૈયારીઓને શરૂ કરી દેવામાં આવી છે. ‘ઔડા’ (અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ) દ્વારા ઓલિમ્પિકને છાજે તે પ્રકારે અમદાવાદ મહાનગરના કાયાકલ્પની યોજના અને રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ઓલિમ્પિક સ્પર્ધાઓ માટેના સ્થળ અને પાયાના માળખાની પસંદગી તેમજ તૈયારીઓ માટે ચર્ચા-વિચારણા અને મુલ્યાંકન કરવા દેશ અને વિશ્ર્વના કન્સલ્ટન્ટ પાસેથી ગુજરાતે દરખાસ્તો મંગાવી છે. 8મી જૂન સુધીમાં આ દરખાસ્તો મેળવી લેવામાં આવી હતી. 12 જેટલા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ક્ધસલ્ટન્ટોએ તેમનું મહત્વપૂર્ણ સુચનો મોકલ્યા છે જેના આધારે ઓલિમ્પિક યજમાનગીરીનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતની નારીશક્તિની સ્પોર્ટસ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ: આ 6 મહિલા ખેલાડીઓની ટોક્યો ઓલમ્પિકમાં પસંદગી, CMએ કહ્યુ….

ભાડગામ નજીક રીવર ફ્રન્ટ પર રૂા.4118 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા એસવીપી સ્પોર્ટ સંકુલની જગ્યા ઓલિમ્પિક રમતો માટેનું મુખ્ય કેન્દ્ર રહેશે. ગત 18મી જુને ક્ધસલ્ટીંગ કંપનીઓ સાથે મહાનગરના નિયોજકોએ મહત્વની બેઠક કરી હતી. જેથી કરીને દાવેદારીની પ્રક્રિયાની તૈયારી કરી શકાય.

યુરોપ, અમેરિકાના કન્સલ્ટન્ટ અને દેશના ટોચના કન્સલ્ટન્ટ બેઠકમાં હાજર રહ્યાં હતા. ઓલિમ્પિક માટે દાવો કરવાની પ્રક્રિયા 12મી જુલાઈએ શરૂ થઈ જવાની છે. ત્યારથી એક બાદ એક રસ ધરાવતા દેશો યજમાની માટે પોત-પોતાનો દાવો આગળ કરશે. વિજેતા કન્સલ્ટન્ટ મહાનગરના તમામ સ્પોર્ટસ સંકુલ અને અન્ય મહત્વના રમત-ગમત કેન્દ્રોનું નિરીક્ષણ કરશે, મુલ્યાંકન કરવામાં આવશે, શહેરના પાયાના માળખા અને સુવિધાનું પણ મુલ્યાંકન કરવામાં આવશે તે પછી યજમાનગીરીનો દાવો કરનારા શહેરોના બહુવિધિ વિકલ્પો પર ચકાસણી કરીને ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

ઔડાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કન્સલ્ટન્ટની પસંદગી ખુબજ નિર્ણાયક બની રહે છે કેમ કે આઈઓસી સાથે સતત સંપર્કમાં રહેવું પડે છે. સતત અને લક્ષ્ય આધારીત વાટાઘાટો ચાલુ રાખવી પડે છે. આઈઓસીના નીતિ નિયમો, ઓલિમ્પિક ચાર્ટર અને આઈઓસીના કોડ ક્ધડકટ વગેરેને અનુકુળ થવું પડે છે અને એ જ રીતે તૈયારીઓની વિગતો આઈઓસી સમક્ષ રજૂ કરવી પડે છે. એટલે કન્સલ્ટન્ટની પસંદગી ખુબજ મહત્વની અને નિર્ણાયક બની રહેશે.

ગુજરાત ઓલિમ્પિકની યજમાની કરે તે પહેલા આવ્યા મીઠા વાવડ… અમદાવાદની આ સ્વીમર ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલીફાય

ગુજરાત સરકારે ઓલિમ્પિકના દાવા અંગેની દરખાસ્ત કેન્દ્રના સ્પોર્ટસ અને યુવા બાબતોના મંત્રાલયને મોકલી આપી છે. જેમાં એસપીવી (સ્પેશિયલ પર્પઝ વિહીકલ)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કેન્દ્ર પાસેથી તે માટે ઉદાર હાથે ફંડ મેળવવાની રાજ્ય સરકારને આશા છે. ઓલિમ્પિકની તૈયારીઓ માટે અને યજમાન પ્રાપ્ત થાય તે દિશામાં નક્કર પ્રયાસો કરવા માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા ઔડા સાથે સતત સંકલન જાળવશે.

યજમાન બનવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખર્ચ કરશે. રાજ્યનો 30 ટકા અને કેન્દ્રનો 70 ટકા અથવા બન્નેનો 50-50 ટકા ખર્ચ એ ફોર્મ્યુલા પર હવે પછી નિર્ણય લેવાશે. ઔડાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓલિમ્પિકનું યજમાન પદ મળે તો રૂા.1100 કરોડનું ખાનગી મુડી રોકાણ મળવાની પણ આશા રાખવામાં આવે છે. ઓલિમ્પિક સ્પર્ધા માટે બાંધકામની પ્રક્રિયા અગત્યનું અંગ છે.

અલગ અલગ રમતના સ્ટેડિયમો સાથે ખેલાડીઓ માટે ખાસ ઓલિમ્પિક ગેમ્સ વિલેજ પણ ઉભુ કરવાનું રહે છે તે માટે 2-4 બેડરૂમના 3000 જેટલા એપાર્ટમેન્ટ બાંધવા પડશે. એટલું જ નહીં વિશ્ર્વભરમાંથી 12500 ખાસ મહેમાનો પણ સ્પર્ધા માટે પધરામણી કરે તેવી શકયતા છે. ઓલિમ્પિક પૂર્ણ થયા બાદ અને મહામાનો ચાલ્યા જાય તે બાદ ઓલિમ્પિકના એપાર્ટમેન્ટ વેંચી નાખવામાં આવશે.

ઓલિમ્પિકના આયોજન અંગે આખરી નિર્ણય લેવાય જાય અને આઈઓસીની લીલીઝંડી મળી જાય તે બાદ આ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવશે. ઓલિમ્પિક વિલેજ ઉપરાંત સમગ્ર રિવરફ્રન્ટ પર આધુનિક હોટલો રિટેલ ચીજ-વસ્તુના કોમ્પલેક્ષ અને શો-રૂમ તેમજ મનોરંજન માટેના કેન્દ્રો ઉભા કરવામાં આવશે. આ રીતે જો બધુ સમુસુતરુ પાર ઉતરી જાય તો ગુજરાત એક નવા ઈતિહાસનું સર્જન કરવા સજ્જ થઈ જશે.

ભારત અને ખાસ કરીને ગુજરાતનો આખા વિશ્ર્વમાં ડંકો વાગી જશે અને સાથે સાથે અર્થતંત્રની ગાડી પણ પુરપાટ દોડવા લાગશે. હજારો લોકો માટે નવી રોજગારીનું સર્જન થશે, પાયાના માળખાકીય સાધનો અને સુખ સુવિધાઓનું નિર્માણ થશે જે ઓલિમ્પિક બાદ અમદાવાદની જનતાને જ કામ લાગશે. ગુજરાત આશા રાખે છે કે, અમદાવાદનો દાવો આઈઓસીમાં મંજૂર થઈ જાય તો મહાનગરની સાથે સાથે ગુજરાતની કાયાકલ્પ થઈ જશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.