Abtak Media Google News
  • ડાંગના દોડવીર સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિતે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ હાંસલ કરીને રાજ્યને ગૌરવ અપાવ્યું છે
  • આદિજાતિ વિસ્તારોની જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ માટે વર્ષ 2023-24માં ₹13 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી
  • 10 વર્ષમાં આદિજાતિ ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર તરીકે કુલ 1 કરોડ 39 લાખની રકમ એનાયત કરવામાં આવી

ગાંધીનગર, 9 ઓગસ્ટ 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન આદિજાતિ સમુદાયના ઉત્કર્ષ માટે નોંધનીય પ્રયાસો કર્યા છે. તેના પરિણામે આજે ગુજરાતનો આદિજાતિ બાંધવ દરેક ક્ષેત્રે અગ્રેસર બન્યો છે. વડાપ્રધાનશ્રીએ ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી હતી, જેના હેઠળ આદિવાસી ખેલાડીઓએ રાજ્યને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે. આદિવાસી યુવાનોએ એથ્લેટિક્સ, આર્ચરી, જુડો, કુસ્તી, ખો-ખો, રાઈફલ શૂટિંગ સહિતની રમતોમાં વિવિધ કક્ષાએ નોંધનીય પ્રદર્શન કર્યું છે. ડાંગની ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સ 2018માં મહિલા 4×400 મીટર રિલે ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને મુરલી ગાવિતે 2019માં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10,000 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. ગુજરાત સરકાર આવા પ્રતિભાશાળી ખેલાડીઓની ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

રાજ્યમાં રમતગમતના વાતાવરણને ઉત્તેજન મળે એ માટે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે જેમાં સ્કૂલ સ્પોર્ટ્સ કોન્ટેક્ટ પ્રોગ્રામ, સેન્ટર ઑફ એક્સલન્સ, ખેલ પ્રતિભા પુરસ્કાર, શક્તિદૂત યોજના, ઇનસ્કૂલ યોજના, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, ખેલ મહાકુંભ વગેરેનો સમાવેશ થાય છે. ખેલાડીઓની પ્રતિભાને નિખારવા માટે ગુજરાત સરકાર તેમને યોજના મુજબ સ્પેશિયલ કોચિંગ, સ્પોર્ટ્સ કિટ, સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રવાસનો ખર્ચ, પોષણ સહિતની સુવિધાઓ પૂરી પાડે છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સ્પોર્ટ્સ પોલિસી 2022-2027 લૉન્ચ કરી હતી જેનો હેતુ રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાનો છે. નવી પોલિસીથી ગુજરાત આવનારા સમયમાં સ્પોર્ટ્સમાં અગ્રણી બનશે અને રાજ્યના પ્રતિભાવાન ખેલાડીઓને તેમના સપના સાકાર કરવાની વધુ તકો મળશે. આ નીતિ હેઠળ રાજ્યમાં આદિવાસી લોકોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા વિશેષ પ્રોગ્રામ શરુ કરવામાં આવશે.

રમતગમત ક્ષેત્રે આદિવાસી ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

• વર્ષ 2023-24માં અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, દાહોદ, ડાંગ, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વલસાડની 15 ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલો માટે ₹13,91,70,615ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ શાળાઓમાં 1000થી વધુ આદિવાસી ખેલાડીઓ તાલીમ લઈ રહ્યા છે.

• છેલ્લા 10 વર્ષમાં 15 આદિવાસી ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર તરીકે કુલ 1 કરોડ 39 લાખની રકમ એનાયત કરવામાં આવી છે.

• શક્તિદૂત યોજના હેઠળ સરિતા ગાયકવાડને વર્ષ 2017થી વર્ષ 2024 સુધી ₹12 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. તો મુરલી ગાવિતને આ જ સમયગાળામાં ₹55,92,806ની સહાય આપવામાં આવી છે.

• સ્વામી વિવેકાનંદ બિન-નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર હેઠળ પ્રતિ ખેલાડી વાર્ષિક અંદાજીત રૂ. 65 હજાર જેટલો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત 336 આદિજાતિ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જે પૈકી રાષ્ટ્રીય કક્ષાએ ખેલાડીઓએ 7 સિલ્વર અને 17 બ્રોન્ઝ મળી કુલ 24 મેડલ મેળવ્યા છે. તો સ્વામી વિવેકાનંદ પ્રતિભા સંવર્ધન કેન્દ્ર- રેસિડેન્શિયલ એકેડમી હેઠળ પ્રતિ ખેલાડી વાર્ષિક અંદાજીત કુલ રૂ. 3 લાખ જેટલો ખર્ચ રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારના 444 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ખેલાડીઓએ 350 અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 41 એમ કુલ 391 મેડલ પ્રાપ્ત કર્યા છે.

• ઇનસ્કૂલ યોજના હેઠળ 14 આદિજાતિ જિલ્લાઓની કુલ 79 શાળાઓમાં વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં તાલીમ મેળવી રહ્યા છે. જે પૈકી શાળા દરમ્યાન 37,000 અને આફ્ટર સેશનમાં 4,000થી વધુ ખેલાડીઓનો સમાવેશ થાય છે.

• રાજ્યના આદિવાસી વિસ્તારોમાં 9 જેટલા ખેલો ઇન્ડિયા ડિસ્ટ્રિક્ટ સેન્ટરોમાં કુલ 292 ખેલાડીઓ તાલીમ લઈ રહ્યા છે.

• તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરુ કરેલી મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટ ખેલ મહાકુંભ અંતર્ગત વર્ષ 2023માં ખેલ મહાકુંભ 2.૦માં 16,86,331 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી કરોડોની રોકડ-પુરસ્કાર રકમ આપવામાં આવશે.

• SGFI જેવી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાના આયોજનમાં પણ રાજ્ય સરકાર મહત્વની ભૂમિકા ભજવે છે. વર્ષ 2023-24 અંતર્ગત 67મી SGFI અન્ડર-14, અન્ડર-17, અન્ડર-19 સ્પર્ધામાં 24 બહેનો અને 9 ભાઈઓ એમ કુલ 33 જેટલા ખેલાડીઓએ ખો-ખો, હૅન્ડબૉલ, આર્ચરી, રાઈફલ શૂટિંગ, સોફ્ટ ટેનિસ, વૉલીબૉલ, કુસ્તી જેવી રમતોમાં મેડલ જીત્યા છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.