Abtak Media Google News

કોરોના વાયરસની બીજી લહેર હવે અંત તરફ છે. કેસ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ હવે સદંતર ઘટી રહ્યા છે. તો સામે રિકવરી રેટ પણ વધ્યો છે. રાજ્યભરમાં કોવિડ -19નું સંક્રમણ ઘટતા પ્રાણવાયુની પડાપડી, રેમડેસીવીરની રામાયણ તેમજ બેડની અવ્યવસ્થાનો પણ અંત આવ્યો છે. ત્યારે હવે રાજ્યમા કોરોના સામેની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓના વેચાણમાં પણ ઘરખમ ઘટાડો નોંધાયો છે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન (એફજીએસસીડીએ)ના અંદાજ પ્રમાણે કોવિડ સામેની દવાઓનું વેચાણ જથ્થાની દ્રષ્ટિએ 50% ઘટ્યું છે.

આ દવાઓમાં ફેવિપીરાવીર, એઝિથ્રોમાસીન, આઇવરમેક્ટિન, ડોક્સીસાયક્લાઇન અને પેરાસીટામોલ જેવી દવાઓનો સમાવેશ છે. તો સાથે ડેક્સામેથાસોન જેવા સ્ટીરોઇડ્સના વેચાણમાં પણ ઘટાડો થયો છે. એફજીએસસીડીએના પ્રમુખ અલ્પેશ પટેલે આ અંગે જણાવ્યું કે, ગુજરાતમાં કેસના ઘટાડાથી કોવિડ દવાઓના વેચાણમાં પણ તીવ્ર ઘટાડો થયો છે. દવાઓની માંગ એપ્રિલના છેલ્લા અઠવાડિયાની તુલનામાં મેના બીજા સપ્તાહમાં ઓછામાં ઓછા 50% ઘટી ગઈ છે. મીની લોકડાઉન જેવા કડક નિયમોની સાથે પ્રતિબંધો લાદવામાં આવતા કોવિડના નવા કેસ ઘટ્યા જેના પરિણામે, દવાઓની માંગ પણ ઓછી થઈ.

                              હવે મ્યુકોર્માયકોસિસની દવાનું વેચાણ વધ્યું 

અમદાવાદ સ્થિત એક રસાયણશાસ્ત્રીએ જણાવ્યું કે એક તબક્કે દવાઓની માંગ એટલી વધારે હતી કે ઘણા લોકોએ અછતની આશંકાથી દવાઓને સંગ્રહિત કરી હતી. આથી દવાઓનો સ્ટોક એક જ દિવસમાં નીચે સરકી ગયો હતો. આનો અર્થ એ કે મેડિસિન સ્ટોક્સ જે અઠવાડિયામાં વેચતા હતા તે માત્ર એક દિવસમાં વેચાઈ જતા. કોવિડ સામે  ટ્રીટમેન્ટ માટે ઉપયોગમાં લેવાતી એન્ટિ-ઇન્ફેક્ટીવ્સ અને એન્ટિબાયોટિક્સ અને અન્ય દવાઓનું વેચાણ ગયા અઠવાડિયામાં જ લગભગ 40% જેટલું ઘટી ગયું હતું. અને હવે 50 ટકાનો ઘટાડો થઈ ગયો છે. જોકે, મ્યુકોર્માયકોસિસ માટેની દવાઓનું વેચાણ પાછલા બે અઠવાડિયામાં વધ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.