જંગલના રાજાનું ‘રજવાડું’ વિકસાવવા કેન્દ્રનો ૧૦૦ ટકા સહયોગ ઈચ્છતું ગુજરાત

અબતક, રાજકોટ

ગુજરાતની શાન એવા જંગલના રાજા સિંહનું રજવાડું વિકસાવવા માટે રૂ . ૧૦૦૦ કરોડનો મહત્વપૂર્ણ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. પણ હવે રૂ . ૧૦૦૦ કરોડના મહત્વપૂર્ણ પ્રોજેકટમાં રાજ્ય સરકારને ૪૦ ટકા હિસ્સો આપવાની સૂચના રદ કરી તમામ ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા પુરી પાડવામાં આવે તેવી દરખાસ્ત પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

૧૦૦૦ કરોડના મહત્વપૂર્ણ પ્રોજેકટમાં રાજ્ય સરકારને ૪૦ ટકા હિસ્સો આપવાની સૂચના રદ કરી તમામ ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા પુરૂ પાડવામાં આવે તેવો પ્રસ્તાવ

આ સિંહ પ્રોજેકટની ચર્ચા કરવા માટે યોજાયેલી બેઠક દરમિયાન રાજ્ય સરકારે જણાવ્યું હતું કે કેન્દ્રએ પ્રોજેક્ટને સંપૂર્ણ રીતે ભંડોળ પૂરું પાડવું જોઈએ કારણ કે તે પ્રોજેક્ટ ટાઇગર પ્રોજેકટ જેવો જ છે. આ બેઠકમાં ભાગ લેનારા અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેન્દ્રએ પ્રસ્તાવ મૂક્યો હતો કે લગભગ ૧,૦૦૦ કરોડ રૂ પિયાના પ્રોજેક્ટમાં ૪૦% હિસ્સો રાજ્યને ભોગવવો પડશે અને તે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પણ મેળવી શકાય છે.  જો કે, રાજ્ય સરકારે પ્રસ્તાવ મૂક્યો હતો કે પ્રોજેક્ટ માટે ભંડોળ કેન્દ્ર સરકાર તરફથી મળવું જોઈએ.

આ બેઠકમાં રાષ્ટ્રીય વન્યજીવન રોગ કેન્દ્ર સ્થાપવા અંગે લાંબી ચર્ચા કરવામાં આવી હતી.  વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલયના અધિકારીઓએ જૂનાગઢમાં આ સંસ્થા લાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જો કે, રાજ્યના અધિકારીઓ ઇચ્છતા હતા કે કેન્દ્ર ગાંધીનગરમાં હોય.

કેન્દ્રીય એમઓઇએફસીસીના સચિવ આરપી ગુપ્તાએ જણાવ્યું હતું કે સિંહોની સારવાર માટે પ્રોજેક્ટ સિંહ માટે ફોકસ વિસ્તારોમાં વન્યજીવન કોષ, આનુવંશિક અને સંશોધન કેન્દ્ર અને અદ્યતન હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી રહી છે.  સિંહો અભયારણ્યની બહાર ન જાય તે માટે અમે ગીરમાં રહેઠાણ મજબૂત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે અભયારણ્ય વિસ્તારમાંથી કોઈ માલધારીને બળજબરીથી બહાર કાઢવામાં આવશે નહીં.  ફક્ત જેઓ સ્થળાંતર કરવા માંગે છે તેમને જ શિફ્ટ કરવામાં આવશે. કારણકે માનવ-પ્રાણી વચ્ચે સંઘર્ષ બહુ નથી કારણ કે લોકો સિંહો સાથે રહી રહ્યા છે અને સિંહોને તેમની નજીકમાં ઈચ્છે છે.

રાજ્યના વન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ બેઠકમાં હતા અને સમગ્ર પ્રોજેક્ટ પર લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.  આ પ્રોજેક્ટની કિંમત લગભગ ૧,૦૦૦ કરોડ રૂ પિયા છે.  વસાવાએ જણાવ્યું હતું કે એક વખત આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ તે સિંહ સંરક્ષણના પ્રયાસોને વેગ આપશે.  તેમણે કહ્યું કે રોગ નિરીક્ષણ માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર માત્ર સિંહો માટે નહીં, પરંતુ તમામ જંગલી પ્રાણીઓ માટે હશે.  મંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ કેશોદ એરપોર્ટ વિકસાવવાની વાત પણ કરે છે, જેથી અન્ય રાજ્યોમાંથી આવતા અને સિંહોને જોવા માંગતા લોકો એરપોર્ટનો ઉપયોગ કરી શકે.  મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત વન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી અને અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવે તે પહેલા હવે અંતિમ ચકાસણી કરવામા આવશે.

શુ છે રૂ . ૧૦૦૦ કરોડનો ‘પ્રોજેકટ લાયન’?

ક્લાઇમેટ ચેન્જની પર્યાવરણ અને અર્થતંત્ર પર આગામી ૫૦ વર્ષમાં કેવી અસર પડે તેની ૨ વર્ષમાં પૂર્ણ સમીક્ષા કરવી

સિહો અને માનવીઓના સહજીવન નું વાતાવરણ ઉભુ કરવા ૨ વર્ષમાં ૪૦ રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવી

૫૦૦ ગામડાઓમાં ૧૦ વર્ષમાં ખેડૂતો માટે વોચ ટાવર ઉભા કરવા

પર્યાવરણલક્ષી આંતરમાળખાકીયર સુવિધા ઉભી કરવા ૫ વર્ષમાં સિંહોના હલન ચલન ઉપર નજર રખાશે

વનયજીવોમાં આવતા રોગનો અભ્યાસ અને દવા બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણે માહિતીના આદાન પ્રદાન માટે ૪ વર્ષમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ ઉપચાર કેન્દ્ર ઉભું કરવું

૫૦ હેકટર જમીનમાં બે વર્ષના સમયગાળામાં ખાસ સંજોગોમાં સિંહોને અલગ અને ક્વોરોન્ટાઇન રાખવાની જગ્યા ઉભી કરવી

જૂનાગઢમાં આર્ટ સેન્ટર બે વર્ષમાં ઉભું કરી સિંહો માટે હોસ્પિટલ અને એમ્બ્યુલન્સની સુવિધા ઉભી કરાશે

નાઈટ ટ્રેક અને સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની સરળતા અર્થે કેશોદ એરપોર્ટનો વિકાસ ૧૦ વર્ષમાં કરાશે

ગીરની નજીકના ધારી, ભાવનગર, પાલીતાણા, અમરેલી વિસ્તારનો ૧૦ વર્ષમાં વિકાસ કરાશે

૫૦૦ સિંહ મિત્રોની જગ્યા ૧૦ વર્ષમાં ઉભી કરાશે