ન હોય વિકાસમાં અવ્વલ રહેલું ગુજરાત ક્સ્ટોડીયલ ડેથમાં દેશભરમાં બીજા નંબરે !!

મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૨૬ મોત: ગુજરાતે ૨૧ ક્સ્ટોડીયલ ડેથ સાથે બિહારને પણ પાછળ છોડ્યું

અબતક, અમદાવાદ

કસ્ટોડિયલ ડેથ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ ગુજરાતની ખેદજનક સ્થિતિ દર્શાવે છે, જે આ વર્ષે પોલીસ કસ્ટડીમાં મૃત્યુના સંદર્ભમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે.

પોલીસ કસ્ટડીમાં ૨૧ મૃત્યુ સાથે ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે ૧૫ નવેમ્બર સુધીમાં આવા ૨૬ મૃત્યુ નોંધાયા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ અનુસાર, દેશમાં પોલીસ કસ્ટડીમાં કુલ ૧૫૧ મૃત્યુ નોંધાયા હતા જેમાં ગુજરાતનો લગભગ ૧૪% હિસ્સો હતો.

બિહારમાં પોલીસ કસ્ટડીમાં ૧૮ મૃત્યુ નોંધાયા છે, અને ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ૧૧-૧૧ મૃત્યુ નોંધાયા છે.

મંગળવારે લોકસભામાં રજૂ કરાયેલા આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં હજુ પણ કસ્ટડીમાં ત્રાસની ઘટનાઓ જોવા મળી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં કચ્છ પોલીસે ઘરફોડ ચોરીના કેસમાં શંકાસ્પદ બે પુરૂષોને ઢોર માર માર્યો હતો. આ પછી ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

સપ્ટેમ્બરમાં અરવલ્લી પોલીસ દ્વારા ગ્રેનેડ વિસ્ફોટની તપાસના સંબંધમાં પૂછપરછ માટે લેવામાં આવેલા એક યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. તેના પરિવારનો આરોપ છે કે યુવકે પોલીસનો ત્રાસ સહન ન કરી શકવાથી આત્મહત્યા કરી લીધી.

તે જ મહિને પંચમહાલ જિલ્લાના ગોધરામાં વધુ એક કસ્ટોડિયલ ડેથ નોંધાઇ હતી. ગોધરા પોલીસ સ્ટેશનમાં ગૌમાંસ વેચવાના ગુનામાં પકડાયેલા કાસીમ હયાતે કપડાના ટુકડાથી લટકાવેલી લાશ મળી આવી હતી.

લોક-અપમાં ત્રાસની ઘટનાઓ ઉપરાંત ન્યાયિક કસ્ટડી અથવા જેલમાં મૃત્યુના સંદર્ભમાં પણ રાજ્યનું ચિત્ર સારું નથી. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૨૦-૨૧ ની વચ્ચે ગુજરાતમાં રાજ્યભરની વિવિધ જેલોમાં ૨૦૨ મૃત્યુ નોંધાયા છે.

વર્ષ ૨૦૨૦માં ભારતમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના એક અહેવાલમાં એ પણ બહાર આવ્યું છે કે, ૨૦૨૦ માં ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથની સંખ્યા સૌથી વધુ હતી. રિમાન્ડ વિના પોલીસ કસ્ટડીમાં રહેલા ૧૫ વ્યક્તિઓ વિવિધ જિલ્લાઓમાં મૃત્યુ પામ્યા હતા.