Abtak Media Google News

ડો. હસમુખ અઢિયાના વડપણ હેઠળની રચાયેલી ટાસ્ક ફોર્સ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રોડ મેપ રજૂ કરાયો: રાષ્ટ્રીય અર્થતંત્રમાં  ગુજરાતનો હિસ્સો 10 ટકા સુધી લઈ  જવા સહિતના મહત્વપૂર્ણ સુચના

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવા આપેલા વિઝનને સાકાર કરવા ગુજરાતે આગવી પહેલરૂપ રણનીતિ-રોડમેપ ઘડ્યો છે. આ સંદર્ભમાં ગુજરાત સરકારે રચેલી ટાસ્કફોર્સના અધ્યક્ષ ડો. હસમુખ અઢિયાએ મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલને આ રોડમેપ મંગળવારે ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો.  રોડમેપ-રણનીતિની વિસ્તૃત વિગતો આપતાં ટાસ્કફોર્સના અધ્યક્ષ ડો. હસમુખ અઢિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારે રચેલી આ ટાસ્કફોર્સ દ્વારા માત્ર 3 જ મહિનાના ટૂંકાગાળામાં આ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. એટલું જ નહિ, રાજ્ય સરકારના બધા જ વિભાગોના સૂચનો તથા 1પ જેટલા સ્ટેક હોલ્ડર્સના સૂઝાવો પણ આ રોડમેપ તૈયાર કરવા માટે મેળવીને તેનો સમાવેશ રણનીતિમાં કરવામાં આવ્યો છે.

વડાપ્રધાનેે પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીના વિઝનને સાકાર કરવા દરેક રાજ્યો પણ પોતાના રોડમેપ-રણનીતિ તૈયાર કરે તેવી અપેક્ષ દર્શાવી હતી. આ અપેક્ષાને ગુજરાતે આગવી પહેલ કરીને પૂર્ણ કરી છે તેમ પણ ડો. હસમુખ અઢિયાએ ઉમેર્યુ હતું. તેમણે આ રોડમેપ પ્રધાનમંત્રી કાર્યાલય, નીતિ આયોગ અને ભારત સરકારમાં સબમિટ કરવા પણ સૂચવ્યુ હતું. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ રોડમેપ-રણનીતિમાં સૂચવાયેલી બાબતોના અમલીકરણ માટે એક સઘન માળખું વિકસાવવાની નેમ વ્યકત કરી હતી.  ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાના વડાપ્રધાનના વિઝનને સિદ્ધ કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. ડો. હસમુખ અઢિયાએ આ રોડમેપનું વિગતવાર પ્રેઝન્ટેશન પણ પ્રસ્તુત કર્યુ હતું.

તેઓએ જણાવ્યું કે, જો ભારતને 5 ટ્રિલિયન યુ.એસ. ડોલર ઈકોનોમીના લક્ષ્યાંકો નાણાંકીય વર્ષ 2026-27 સુધીમાં સિધ્ધ કરવા હોય તો, ગુજરાતે તેના આર્થિક વિકાસને વધુ વેગ આપવાની જરૂરીયાત છે. રાષ્ટ્રીય અર્થતંત્રમાં વર્ષ 2021માં ગુજરાતનો હિસ્સો 8.36 % છે તે વધારીને 10% સુધી લઇ જવાનો રહે. તેનો અર્થ એ થાય છે કે ગુજરાતમાં વૃધ્ધિ દર હવે પછીના 5 વર્ષનો કંપાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 14.5 % હોવો જરૂરી છે જે છેલ્લા દાયકામાં આશરે 12.3 %  જેટલો રહેવા પામ્યો છે.

તેમણે ઉમેર્યુ કે, રાજયના અર્થતંત્રમાં મેન્યુફેક્ચરીંગ ક્ષેત્ર મુખ્ય પાસું છે. ટાસ્ક ફોર્સ દ્વારા કુલ 9 નવા આર્થિક ક્ષેત્રોની વૃધ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન થયેલ છે. જેમાં, ગ્રીન અને સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ, ટેક્નોલોજીનો ઉપયોગ, સચોટ પધ્ધતિ અને કાર્યરીતિ જે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ માટે જરૂરી છે તેની ઉપર ખાસ ભાર મુકવાનું સૂચન કરવામાં આવ્યું છે.સેવા વિષયક ક્ષેત્રોનો હિસ્સો અર્થતંત્રમાં વધારવા, આઇ.ટી., ફીન્ટેક, પ્રવાસન ક્ષેત્ર કે જેમાં તબીબી પ્રવાસનનો પણ સમાવેશ થાય છે, તેમાં મૂડીરોકાણ મળે અને આ ક્ષેત્રોનો વિકાસ થાય તેમજ સેવા વિષયક ક્ષેત્રો માટે ઉચ્ચ ગુણવત્તાવાળી માળખાકીય સુવિધા ઉભી કરવા અંદાજપત્રીય સંશાધનોની જરૂરીયાત અને આયોજન પર ખાસ લક્ષ્ય આપવા સૂચન કરવામાં આવ્યું છે. ડો. અઢિયા વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રમાં સ્ટેચ્યું ઓફ યુનિટીનો જે રીતે વિકાસ થયેલ છે તે રીતે કુલ પ થી 6 પ્રવાસન કલ્સટરને વિકસાવવા સૂચન કરવામાં આવ્યું છે. રાજયમાં આઇ.ટી., પ્રવાસન અને અન્ય ક્ષેત્રોમાં મૂડી રોકાણ આકર્ષવા, 4 થી 5 મુખ્ય એરપોર્ટની આંતરાષ્ટ્રીય કનેક્ટીવીટી સુધારવા માટે પ્રયત્નો કરવા માટે પણ તેઓ દ્વારા આ રોડમેપમાં સૂચન કરવામાં આવ્યું છે.

રાજયના સેવા વિષયક ક્ષેત્રોને શહેરી વિસ્તારમાં વિકસાવવા માટે, રાજયએ ગીફ્ટ સીટીની જેમ જ અન્ય વર્લ્ડ ક્લાસ શહેરી કેન્દ્રો વિકસાવવાની પણ જરૂરીયાત રહેશે. તેઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું કે, શહેરી ક્ષેત્રોના વિકાસ માટે મેટ્રો રેલ, રીંગ રોડ, અર્બન માસ ટ્રાન્સપોર્ટ અને અર્બન હાઉસિંગ જેવા ક્ષેત્રોમાં વ્યાપક પ્રમાણમાં મૂડી રોકાણની જરૂરીયાત રહેશે. ગુજરાતી લોકોની ઉદ્યોગ સાહસિકતાનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા સ્ટાર્ટઅપને પ્રમોટ કરવાની જરૂરીયાત રહેશે તેવું સૂચન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજય ઉત્પાદિત વસ્તુઓના નિકાસ માટે ઘણું અગ્રેસર છે, તેઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું કે, સેવા વિષયક નિકાસ માટે નેતૃત્વ પુરૂ પાડવું જરૂરી છે, તેને અમલી બનાવવાના મહત્વના સૂચન ટાસ્ક ફોર્સના રીપોર્ટમાં દર્શાવવામાં આવ્યા છે. ડો. અઢિયાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત દેશમાં સ્ટ્રેટેજીક લોકેશન ધરાવે છે અને કોસ્ટલ ડેવલપમેન્ટ અને બ્લ્યુ ઇકોનોમીના વિકાસ માટે વ્યાપક પ્રમાણમાં મૂડી રોકાણ જરૂરી છે. તે કોસ્ટલ કોમ્યુનિટીના આર્થિક ઉત્કર્ષ માટે વ્યાપક તક પૂરી પાડશે અને પ્રવાસન અને પોર્ટ કનેક્ટીવીટીના વિકાસની વ્યાપક શક્યતાઓને પ્રોત્સાહીત કરશે.

રોડમેપ-રણનીતિની અન્ય બાબતો અંગે તેમણે ઉમેર્યુ કે, ગુજરાત રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં અગ્રેસર છે. લાંબાગાળા સુધી ઉર્જાની જરૂરીયાતને સંતોષવા રાજયએ વ્યાપક પ્રમાણમાં રીન્યુએબલ એનર્જી, માઇક્રો ગ્રીડ્સ અને ઇલેક્ટ્રિક મોબીલીટી પર ખાસ ભાર મુકવો પડશે. ગ્રીન હાઇડ્રોજન અને સેમી ક્ધડક્ટરનું ઉત્પાદન કરવા રાજય સરકારે પહેલ કરવી ખૂબ જરૂરી છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.રાજયના કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ફાર્મીંગની વિકસીત પધ્ધતિઓ ટેક્નોલોજીની મદદ થકી કૃષિ ઉત્પાદન વધારવું ખૂબ અગત્યનું બની ગયું છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, ગ્રામ્ય ક્ષેત્રે લોકોની આવક વધારવા માટે પશુપાલન, બાગાયાત, મત્સઉદ્યોગ અને પોલ્ટ્રી ફાર્મીંગ જેવા ક્ષેત્રોનો વિકાસ હાથ ધરવો જરૂરી છે. રાજય દ્વારા તમામ આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રોના વિકાસ માટે જરૂરી માનવબળ મળી રહે, તે માટે ઉચ્ચ શિક્ષણ અને લોકોના કલા-કૌશલ્ય વધારવાના ક્ષેત્રોમાં પણ એક અદ્યતન અને કાર્યક્ષમ ઇકો સિસ્ટમ વિકસાવવી પડશે. ડો. અઢિયાએ જણાવ્યું કે, ટાસ્ક ફોર્સનો આ રીપોર્ટ તમામ સ્ટેક હોલ્ડર સરકારના અધિકારીઓ, ખાનગી ક્ષેત્ર અને શૈક્ષણિક સંસ્થાઓના પરામર્શમાં રહીને તૈયાર કરાયેલ છે. આ રીપોર્ટમાં દર્શાવેલ તમામ રણનીતિ રાજયના આર્થિક વિકાસ માટે અને 5 ટ્રિલિયન યુ.એસ. ડોલર ઈકોનોમીને સિધ્ધ કરવા ખૂબ ઉપયોગી બની રહેશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ટાસ્ક ફોર્સ દ્વારા ખૂબ ટૂંકા સમયમાં સઘન પ્રયત્નો કરી, જે રણનીતિ અને તેના અમલીકરણ માટેનું આયોજન, અહેવાલ સ્વરૂપે તૈયાર કરવાના કાર્યને અભિનંદન આપી બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીએ એવી ખાતરી આપી કે, પ્રધાનમંત્રીના 5 ટ્રિલિયન યુ.એસ. ડોલર ઈકોનોમીના વિઝનને સિધ્ધ કરવા રાજય સરકાર કટિબધ્ધ છે અને ટાસ્ક ફોર્સના રીપોર્ટમાં સૂચવવામાં આવેલ તમામ સજેશનના અમલીકરણ માટે એક સઘન અમલીકરણનું માળખું રાજય દ્વારા વિકસાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.