Abtak Media Google News

ગુજરાતી ફિલ્મ છેલ્લો શો (લાસ્ટ ફિલ્મ શો) હાલ વિશ્વ ફલક પર ચમકી રહી છે ત્યારે જાપાનનો સુપ્રસિદ્ધ સ્ટુડિયો, શોચીકુ ગ્રુપ દ્વારા સમગ્ર જાપાનમાં પાન નલિનની ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)ની રિલીઝની શરૂઆત કરી. રિલીઝના પહેલા દિવસે માત્ર ટોક્યોમાં જ આ ફિલ્મ 24 સિનેમાઘરોમાં રજુ થઈ હતી. દિગ્દર્શક પાન નલિન અને નિર્માતા ધીર મોમાયા આ સપ્તાહના સમગ્ર સમયગાળા દરમિયાન ટોક્યોમાં પ્રેક્ષકોને મળશે અને તેઓનું અભિવાદન કરશે. શિનજુકુ પિકાડિલી ખાતે જે શોચીકુનું મુખ્ય સિનેમા છે, પ્રખ્યાત સ્ટાર કેન કોગાની હાજરીમાં એક વિશિષ્ટ શો સાથે આ ફિલ્મની જાપાનની જર્નીનો પ્રારંભ થયો.

શોચીકુ ગ્રુપએ મનોરંજન કોર્પોરેશન્સનું બહુ વ્યાપક જૂથ છે જે ઓડિયો, વિડિયો અને થિયેટરના ત્રણ મુખ્ય સ્તંભોથી નિર્મિત છે. શોચીકુ તેમના 120 વર્ષથી વધુના ઇતિહાસમાં, કાબુકીથી સિનેમાથી લઈને એનીમે સુધી, જાપાનીઝ પર્ફોર્મિંગ આર્ટ્સના પ્રણેતા છે. 1895 થી, શોચીકુ જાપાનીઝ એનિમેશન સહિત જાપાનીઝ મોશન પિક્ચર ઉદ્યોગનો એક ભાગ છે. તેઓએ જાપાનની પ્રથમ ટોકી ફિલ્મ અને રંગીન ફિલ્મનું નિર્માણ કર્યું છે. તેઓએ ઓઝુ, કુરોસાવા, મિઝોગુચીથી લઈને કિતાનો સુધીના ઘણા જાપાનીઝ માસ્ટર્સ બનાવ્યા છે. આ તમામ બાબતો લાસ્ટ ફિલ્મ શોના સંપાદન માટેનો તેમનો પ્રેમ પણ દર્શાવે છે કારણ કે શોચીકુ એક સંપૂર્ણ મનોરંજન કંપની છે પરંતુ મહાન સિનેમાને સમર્પિત પણ છે.

શોચીકુના એક્વિઝિશન હેડ રેઈકો હકુઇએ કહ્યું, “અમે તરત જ આ સુંદર અને પ્રેરણાદાયી વાર્તાના પ્રેમમાં પડી ગયા. આ ફિલ્મ માત્ર સિનેમા માટેનો પ્રેમ પત્ર નથી, પણ પરિવાર, મિત્રો પ્રત્યેના પ્રેમ અને શંકા વિના તમારા સ્વપ્નને અનુસરવાની શુદ્ધ નિર્દોષતાથી ભરપૂર છે. જાપાનના પ્રેક્ષકોને ભારત તરફથી આ અદ્ભુત રત્નનો પરિચય કરાવવા માટે અમે સન્માનિત છીએ.”

માસાહિરો યામાનાકા, જે શોચીકુ ખાતે મોશન પિક્ચર અને એક્વિઝિશન ડિવિઝનના ઓપરેટિંગ ઓફિસર છે, તેઓએ તેમની ફિલ્મ વિશેની ઉત્સુકતા શેર કરી, “સૌપ્રથમ, આ વર્ષના ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી થવી, જ્યાં ઘણા મજબૂત દાવેદારો હતા, તે ખરેખર એક મહાન સિદ્ધિ છે. વધુમાં, શોર્ટલિસ્ટ થવાનો અર્થ એ છે કે એકેડમીના સભ્યોએ ફિલ્મના વાસ્તવિક મૂલ્યને ઓળખી કાઢ્યું છે અને અમને લાગે છે કે આ ફિલ્મ ખરેખર તેને લાયક છે. સિનેમા પ્રત્યેના પ્રેમ ઉપરાંત, અમને તે ખરેખર રસપ્રદ લાગ્યું કે પ્રેક્ષકો એક ઉત્સુક છોકરાના અને તેના મિત્રોના સાહસોથી ખરેખર ઉત્સાહિત થઈ શકે છે!

 

આ ફિલ્મ એક છોકરાના વિકાસની સુંદર વાર્તા છે, અને માતા-પિતાનો તેમના બાળકો પ્રત્યેનો સાચા પ્રેમ પર આધારિત છે, જે સાર્વત્રિક અને ટાઈમલેસ થીમ છે. આ ફિલ્મ વિશ્વભરના પ્રેક્ષકોના દિલ જીતવાની શક્તિ ધરાવે છે, અને હકીકત એ છે કે ફિલ્મે અસંખ્ય પ્રેક્ષક પુરસ્કારો જીત્યા છે અને ફિલ્મને વિવિધ દેશોમાં વિતરિત કરવામાં આવી છે. અમે માનીએ છીએ કે જાપાની દર્શકો પણ આ ફિલ્મનો જાદુ અનુભવશે.”

લેખક-નિર્દેશક પાન નલિને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે , “શોચીકુએ સો કરતાં પણ વધુ વર્ષ પહેલાં ફિલ્મો બનાવવાની શરૂઆત કરી હતી, તે માત્ર સ્ટુડિયો જ નહીં પણ જાપાનીઝ સિનેમાનું એક સ્મારક છે અને સિનેમાના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ છે. એક યુવાન ફિલ્મપ્રેમી તરીકે કુરોસાવા, ઓઝુ, યામાદા, નાકાતા જેવા માસ્ટર્સની મૂવીઝની શરૂઆત પહેલા મેં શોચીકુ સ્ટુડિયોનો મોશન લોગો સેંકડો વખત જોયો હશે; તેથી આજે, અહીં જાપાનમાં હોવાથી, એવું લાગે છે કે એક સપનું સાકાર થયું છે કે આજે સિનેમાઘરોમાં ખુલતાની સાથે જ શોચીકુ લોગો લાસ્ટ ફિલ્મ શોનું નેતૃત્વ કરી રહ્યો છે. શોચીકુ ટીમ લાસ્ટ ફિલ્મ શોમાંથી ફિલ્મો, ફૂડ અને ફેશન જેવી થીમનો ઉપયોગ કરીને સૌથી નવીનતમ માર્કેટિંગ કરી રહી છે. અહીંના પ્રેસ અને મીડિયાએ ટોચના સ્ટાર રિવ્યુથી ફિલ્મને સ્વીકારી છે. અને આ પ્રથમ સપ્તાહના અંતે હું જાપાની પ્રેક્ષકોને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે પ્રીવ્યુ શોનો શરૂઆતનો પ્રતિસાદ જબરજસ્ત રહ્યો છે.”

નિર્માતા ધીર મોમાયા કે જેઓ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ડાર ગઇ સાથે જાપાનમાં છે, તેમણે શેર કર્યું, “જાપાનમાં આ મારી પહેલી મુલાકાત છે, અને લાસ્ટ ફિલ્મ શોના થિયેટર રિલીઝ થકી, આ સમૃદ્ધ દેશને શોધવાની આ સારી તક છે. અમે શોચીકુ અને જાપાનીઝ વિતરણ સિસ્ટમમાંથી ઘણું શીખી શકીએ છીએ, અને તેઓ ફિલ્મને કેવી રીતે વિકસાવે છે, અને તેને ઝીણવટપૂર્વક આયોજિત માર્કેટિંગ સાથે દર્શકો સુધી લઈ જાય છે. જાપાની પ્રેક્ષકોનો પ્રારંભિક પ્રતિસાદ અદ્ભુત રહ્યો છે, અને અમારી ફિલ્મ પ્રત્યેનો પ્રેમ સતત ફેલાઈ રહ્યો છે…”

લાસ્ટ ફિલ્મ શો, 95મા ઓસ્કારમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તેનું વર્લ્ડ પ્રીમિયર ન્યૂયોર્કમાં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પોટલાઇટની ઓપનિંગ ફિલ્મ તરીકે યોજાયું હતું. ત્યારથી આ ફિલ્મે સેમીન્સી 66મા વેલાડોલિડ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સ્પેનમાં બેસ્ટ પિક્ચર, મિલ વેલી કેલિફોર્નિયા ખાતે ઓડિયન્સ ફેવરિટ એવોર્ડ્સ, લોસ એન્જલસના એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ પિક્ચર સ્નો લેપર્ડ, BAFICI આર્જેન્ટિના, બેઇજિંગ ચાઇના ખાતે બેસ્ટ પિક્ચર અને બેસ્ટ ડિરેક્ટર નામાંકન.સહિત વિશ્વભરમાંથી અનેક એવોર્ડ જીત્યા છે.

આ ફિલ્મનું નિર્માણ ધીર મોમાયા (જુગાડ મોશન પિક્ચર), સિદ્ધાર્થ રોય કપૂર (રોય કપૂર ફિલ્મ્સ) અને પાન નલિન (મોન્સૂન ફિલ્મ્સ) દ્વારા ફ્રાન્સની વર્જિની લેકોમ્બે (વર્જની ફિલ્મ્સ) અને એરિક ડુપોન્ટ સાથે સહ-નિર્માણમાં કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.