Abtak Media Google News

 

ઝાલાવાડ લોકસાહિત્ય પરિવારના ઉપક્રમે સુરેન્દ્રનગર ખાતેપુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો

 

અબતક, શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર લીંબડી આયોજિત રામકથામાં ઝાલાવાડ લોકસાહિત્ય પરિવારના ઉપક્રમે કેન્દ્રીય મંત્રી  પરસોત્તમ રૂપાલા તેમજ વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા ની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મંત્રી  તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રફુલ્લ પંડ્યા રચિત ‘લયનાં ઝાંઝર વાગે’ પુસ્તકનું વિમોચન કરાયું હતું.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષા ભાગ્યશાળી છે, તેમાં આવા પ્રકારના સાહિત્યનું અવતરણ થતું રહે છે. આજે કવિઓની નવી રચનાઓ થકી ગુજરાતી સાહિત્ય સોળે કળાએ ખીલ્યું છે.

વધુમાં મંત્રીએ પ્રફુલભાઈ પંડ્યાના સાહિત્ય સર્જનને બિરદાવતા જણાવ્યું હતું કે, સાહિત્યસર્જનમાં પ્રફુલભાઈ પંડ્યાનું અનેરું પ્રદાન છે. દરેક ગામમાં કથાઓ, કવિતાઓ અને રચનાઓ પડી હોય છે, આ રચનાઓને આવા કવિઓ દ્વારા બહાર લાવવામાં આવે છે.

આ તકે પ્રફુલભાઇ પંડયાની રચનાઓને પ્રાગટ્યના સ્તર સુધી પહોંચાડવા માટે પ્રકાશન સંસ્થાને પણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઇ.કે.જાડેજા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, મહંત લલિત કિશોરદાસજી મહારાજ, અગ્રણીઓ સર્વ શંભુપ્રસાદ ટુંડિયા, ગૌતમભાઈ ગેડિયા, જગદીશભાઈ મકવાણા, રણજીતસિંહ ઝાલા, શંકરભાઈ વેગડ, વર્ષાબેન દોશી, ધનરાજભાઇ કૈલા, યોગેશભાઈ ગઢવી, જગદીશભાઈ ત્રિવેદી તથા જયેશભાઈ ભૂત સહિત સાહિત્ય સર્જકો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.