ગુજરાતનું હીર ઝળક્યું….આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ સ્ક્રિપ્ટ એવોર્ડ વિનર ફિલ્મ ‘મૃગતૃષ્ણા’નું ટ્રેલર થયું રીલીઝ

હાલ ગુયાજરતી ફિલ્મના ચાહકો વધી રહ્યા છે. ત્યારે એક ગુજરાતી ફિલ્મ ‘મૃગતૃષ્ણા’એ તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. દર્શન ત્રિવેદી દિગ્દર્શિત ફિલ્મ ‘મૃગતૃષ્ણા’નું ઇરાનના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પાર્ધાત્મક સ્તરે સિલેક્શન થયું હતું, એટલું જ નહીં પણ આ ફિલ્મને બેસ્ટ સ્ક્રિપ્ટ એવોર્ડ મળ્યો છે. આગામી 20 મે ના રોજ થશે ગુજરાતનાં થિયેટર્સમાં રીલીઝ.

ઇરાનમાં યોજાયેલા 33માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન એન્ડ યુથમાં દર્શન ત્રિવેદી દિગ્દર્શિત ફિલ્મ ‘મૃગતૃષ્ણા: ધ અધર સાઈડ ઓફ ધ રીવર’નું સ્પાર્ધાત્મક સ્તરે સિલેક્શન થયું હતું, જેમાં ફિલ્મને બેસ્ટ સ્ક્રિપ્ટનો એવોર્ડ મળ્યો છે. સ્ટોરી-સ્ક્રિનપ્લે દર્શન અશ્વિન ત્રિવેદીએ અને ડાયલોગ્સ અંકિત ગોર અને ગૌરાંગ આનંદ તેમ જ સ્ક્રિપ્ટ ડૉકટર્સ અરવિંદ શિવકુમારનએ લખ્યા છે. જ્યારે કો-પ્રોડ્યુસર બુરઝીન ઉનવાલાએ VFX પણ આપ્યું છે.

આ ફિલ્મમાં ચાર બાળકોની વાત છે. જે નદી કિનારે રહે છે. નદીને પેલે પાર દુનિયા કેવી હશે તે જોવાની અને જાણવાની આ બાળકોની ઈચ્છા છે. તે માટે તેઓ નદી કઈ રીતે પાર કરશે તેની વાત આ ફિલ્મમાં છે. ‘મૃગતૃષ્ણા: ધ અધર સાઈડ ઓફ ધ રીવર’ મુખ્ય કલાકારોમાં જયેશ મોરે, શર્વરી જોશી, કરણ પટેલ, નિષ્મા સોની, આર્યન સાગર અને કુશ તાહિલરામાની છે. વાર્તામાં ચારેય બાળકોના પાત્રો સામાન્ય જીવન પર અને તેમના સપનાઓ પર આધારિત છે.

‘મૃગતૃષ્ણા: ધ અધર સાઈડ ઓફ ધ રીવર’ ગુજરાતી સિનેમાની પ્રથમ ટ્રિઓલોજી ફિલ્મ છે. રોજિંદા જીવનના ભ્રામક અનુભવોથી પ્રભાવિત થઈને આ ફિલ્મની પટકથા લખી છે દર્શન ત્રિવેદીએ. ફિલ્મને પ્રોડયુસ મ્રિણલ કાપડિયા અને ડૉ. દેવદત્ત કાપડિયાએ કરી છે. ‘મૃગતૃષ્ણા’માં મ્યુઝિક નિશિથ મહેતાએ આપ્યું છે જ્યારે ગીતો અંકિત ગોર અને ગૌરાંગ આનંદે લખ્યા છે. ‘મૃગતૃષ્ણા’ના આર્ટ ડિરેક્ટર જય શિહોરા છે. ‘મૃગતૃષ્ણા’નું શૂટિંગ છોટા ઉદેપુર, પોળોના જંગલો, નર્મદા નદીના કિનારે તેમજ વરસોડાની હવેલી જેવી ગુજરાતના જાણીતા સ્થળોએ થયું છે.