કેન્દ્રના AAIના સર્વેક્ષણમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતનો સતત વધતો પ્રભાવ

રાજ્યની ફિક્સ્ડ કેપિટલ 2012-13માં 14.96 ટકાથી વધીને 2019-20માં 20.59 ટકા થઈ

વીતેલા કેટલાક વર્ષોમાં દેશના તમામ રાજ્યોની વચ્ચે ઔદ્યોગિક રોકાણો હાંસલ કરવા માટે એક સકારાત્મક સ્પર્ધાનું વાતાવરણ ઊભું થયું છે. રાજ્યો વચ્ચે ચાલી રહેલી આ સકારાત્મક સ્પર્ધામાં પણ ગુજરાતે બાજી મારી લીધી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલા એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ અનુસાર ગુજરાતમાં ફિક્સ્ડ કેપિટલ 2012-13માં 14.96 ટકાથી વધીને 2019-20માં 20.59 ટકા થઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે આ જ સમયગાળા દરમિયાન ફિક્સ્ડ કેપિટલમાં દેશના મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટક જેવા ટોચના ઔદ્યોગિક રાજ્યોનો હિસ્સો ઘટી ગયો છે.

આ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે અન્ય કોઈપણ ભારતીય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં વધુ મશીનરી, સાધનો, મકાનો અને અન્ય ફેક્ટરી એસેટ્સ છે અને આ અંતર પણ સતત વધી રહ્યું છે. આનું કારણ એ છે કે રાજ્ય સરકાર પોતાની ઔદ્યોગિત નીતિઓમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઘણી આગળ અને વધુ પ્રોગ્રેસિવ છે.

કેન્દ્રના આ રિપોર્ટમાં ગુજરાતની સિદ્ધિના સંદર્ભમાં વાત કરતા ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા (ઈંઅજ) એ જણાવ્યું કે, આ રિપોર્ટ વર્ષ 2019-20 પહેલાના સમયમાં અમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પ્રદર્શિત કરે છે. આ એ વાતનું પ્રમાણ છે કે કેવી રીતે અમે દરેક વર્ષે ગુજરાતને દેશનું ઔદ્યોગિક કેન્દ્ર બનાવવાની દિશામાં કામ કર્યું છે. ગુજરાતની આ સિદ્ધિનો શ્રેય રાજ્ય સરકારના નેતૃત્વને જાય છે. અમને વિશ્વાસ છે કે આગામી બે વર્ષોના રિપોર્ટ્સમાં પણ ગુજરાત આ કેટેગરીઓમાં વધુ સારા નંબરો લઈને આવશે, કારણકે ગત બે વર્ષોમાં અમે દેશમાં કેવળ સૌથી વધુ રોકાણો જ હાંસલ નથી કર્યા, પરંતુ જમીની સ્તર પર પણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રએ ખૂબ જ વિકાસ કર્યો છે.

કેન્દ્ર સરકારના આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2019-20 માં રૂ.74,847,391 લાખની ફિક્સ્ડ કેપિટલ ઉપરાંત રૂ.96,156,760ની ઇન્વેસ્ટેડ કેપિટલ અને રૂ.85,884,037ની પ્રોડક્ટિવ કેપિટલ સાથે ગુજરાત આ કેટેગરીમાં પણ દેશમાં સૌથી આગળ છે. પ્રોડક્ટિવ કેપિટલમાં કાચો માલ, અર્ધતૈયાર માલ અને રોકડ નાણાનો સમાવેશ થાય છે. પ્રોડક્ટિવ કેપિટલમાં ગુજરાતનો હિસ્સો 2012-13માં 15.1  ટકાથી વધીને 2019-20માં 19 ટકા થઇ ગયો છે. આ કેટેગરીઓમાં ગુજરાત પછી મહારાષ્ટ્ર બીજા સ્થાન પર છે, ત્યારબાદ તમિલનાડુ ત્રીજા, કર્ણાટક ચોથા અને ઉત્તરપ્રદેશ પાંચમા સ્થાન પર છે.અન્ય ઔદ્યોગિક રાજ્યો માટે ફેક્ટરી ઉત્પાદન મૂલ્યના હિસ્સામાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. આ રિપોર્ટ મુજબ, ગુજરાતે કુલ ઉત્પાદનમાં 18.1 ટકા હિસ્સેદારી સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

કુલ ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો હિસ્સો 2012-13માં 17 ટકાથી ઘટીને 2019-20માં 13.8 ટકા થયો છે. આ જ સમયગાળા દરમિયાન તમિલનાડુએ કુલ ઉત્પાદનમાં પોતાના હિસ્સો 10.3 ટકા પર જાળવી રાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે ભારતીય મૂડીરોકાણ અને વિદેશી મૂડીરોકાણોનો મોટો હિસ્સો આકર્ષિત કર્યો છે, પરંતુ આજે પણ તમિલનાડુએ સૌથી વધુ ફેક્ટરીઓ હોવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. સંખ્યાની દ્રષ્ટિએ આ ભારતના કુલ કારખાનાઓનો 15.8 ટકા (38,837 ફેક્ટરીઓ) હિસ્સો છે. ગુજરાત 11.6 ટકા (28,479 ફેક્ટરીઓ) હિસ્સેદારી સાથે બીજા સ્થાન પર છે. ત્યારબાદ 10.4 ટકા (25,610 ફેક્ટરીઓ) હિસ્સા સાથે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાન પર છે.

ગુજરાત સરકારને આશા છે કે આગામી બે વર્ષોમાં પણ અજઈંના રિપોર્ટમાં ઉલ્લેખિત આ કેટેગરીઓમાં ગુજરાત ખૂબ સારું પ્રદર્શન કરશે. આ માટે સરકારનું કહેવું છે કે તેમણે વીતેલા બે વર્ષોમાં પોતાની ઔદ્યોગિક નીતિઓમાં પ્રોત્સાહક ફેરફારો કર્યા છે, જેના ફાયદાઓ હવે જમીની સ્તર પર જોવા મળી રહ્યા છે.