Abtak Media Google News
  • અર્થ શાસ્ત્રી મનમોહનસિંહ વડા પ્રધાન હતા ત્યારે 10 વર્ષમાં  ભારતની અર્થ વ્યવસ્થા 11માં નંબરેથી 10માં નંબરે આવી: ભાજપના શાસનમાં આઠ વર્ષમાં અર્થ વ્યવસ્થા પાંચમાં નંબરે પહોંચી: વડાપ્રધાન
  • સૌરાષ્ટ્ર કચ્છમાં અંતિમ ચૂંટણી સભા રાજકોટમાં સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મજબૂત  અર્થતંત્ર અને આતંકવાદના સંપૂર્ણ સફાયાના  બુલંદ  ઈરાદા સાથે  આગળ વધી રહ્યા છે. તે વધુ એક વાર પુરવાર થઈ ચૂકયું છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ આતંકવાદના નાશ અને અર્થ વ્યવસ્થા અંગે વાતો કરી રહ્યા છે. પ્રથમ તબકકાના મતદાનના  પ્રચાર પડધમ આજે સાંજે શાંત થાય તે પૂર્વે ગઈકાલે રાજકોટમાં વડાપ્રધાને અંતિમ ચૂંટણી સભા સંબોધી હતી જેમાં તેઓએ ભારતની મજબૂત અર્થ વ્યવસ્થામાં ગુજરાતનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું હતુ.

Dsc 1838

રાજકોટમાં ભાજપના ચારેય ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી ચૂંટણી સભામાં  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતુ કે, ગુજરાતની  જનતાને  ભાજપ પર પૂર્ણ ભરોસો છે. તેવું ચિત્ર મને અલગ અલગ વિસ્તારોમાં ચૂંટણી સભા દરમિયાન  જોવા મળ્યું છે. લોકજુવાળ તમામ રાજકીય વિશ્ર્લેષકોના  અનુમાન  ખોટા પાડી દેશે. તમામ સભાઓ દરમ્યાન મને જનતા જનાર્દનનું અલગ રૂપ જોવા મળ્યું છે. આ ચૂંટણી ભાજપા, નરેન્દ્ર કે ભૂપેન્દ્ર લડતા નથી પરંતુ ગુજરાતની જનતા લડી રહી હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.   ભારતીય જનતા પાર્ટીને જનતા ભરપૂર પ્રેમ આપતી જોવા મળી છે અને એટલે જ આ વખતે લોકતંત્રમાં ફીર એક બાર ભાજપા સરકાર.

નરેન્દ્રભાઇ મોદી એે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જમીનથી જોડાયેલ પાર્ટી છે, વિચારોથી જોડાયેલ પાર્ટી છે. મારૂ સૌભાગ્ય છે કે આ રાજકોટે મને પહેલી વખત ધારાસભ્ય બનાવ્યો હતો અને એટલે જ રાજકોટનો હું ઋણી છું. ભારતીય જનતા પાર્ટીની નીતી, રીતી અને નિયતને ગુજરાતની જનતા જાણે છે અને એટલા માટેજ ભાજપા માટે ગુજરાતનો લગાવ વધતો જાય છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાં છે અને હવે 25 વર્ષ સુધીમાં ગુજરાતને વિકસીત કરવાનુ કામ કરવાનું છે. દેશની અર્થવ્યવસ્થાને જે મજબૂતી મળી છે તેમાં ગુજરાતનું યોગદાન મહત્વનું છે. કોંગ્રેસના રાજમાં દેશની અર્થ વ્યવસ્થા દુનિયામાં 11માં નંબરે હતું. ભાજપાના 8 વર્ષના શાસનમાં ભારતની ઇકોનોમી 5માં નંબરે પહોચ્યું છે. 250 વર્ષ સુધી જેમણે આપણને ગુલામીમાં રાખ્યાં હતાં તેમની પછાડી આપણે પાંચમાં નંબરે પહોંચ્યા ત્યારે સમગ્ર દેશમાં ખુશીની લહેર ફરી વળી હતી.

Dsc 1914

એક્ષપોર્ટ ક્ષેત્રે આજે ભારત વિશ્વમાં નંબર 1માં બન્યું છે. આજે વિશ્વ ભારતમાં મૂડી રોકાણ કરવા આતુર બન્યું છે. આ મૂડી રોકાણ તેઓ ગુજરાતમાં જ કરવા માગે છે કારણ કે ગુજરાતનું વાતાવરણ મોટા માં મોટા ઉદ્યોગો માટે અનુકુળ આવે તેમ છે. વિશ્વના મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવે ત્યારે તેનો લાભ રાજકોટને મળે જ અને રોજગારીનું સર્જન થાય. ડીઝીટલ ઇન્ડિયામાં પણ ભારત અગ્રીમ સ્થાન ધરાવે છે. હિન્દુસ્તાનનો મિજાજ બદલતા આજે ભારત પજી બનાવતો દેશ બન્યો છે. ગુજરાતની નીતિઓના કારણે આ દેશમાં ગુજરાત 5જી સેવાઓ શરૂ કરનારૂ પ્રથમ રાજ્ય બન્યું છે. રજી ગોટાળો કરનાર કોંગ્રેસ હતી અને આજે દેશ કોઇપણ જાતના ગોટાળા વગર 5જીની દિશામાં આગળ વધી રહ્યો છે.

નરેન્દ્રભાઇ મોદી એ વધુમાં ઉમેર્યું હતું કે, ટેકનોલોજીના સમાધાન માટે વિદેશી બાળકો ભારત આવ્યાં હતાં ત્યારે હિન્દુસ્તાન સસ્તામાં સસ્તો ડેટા મળી રહે છે તેમ જાણી અચંબીત થઇ ગયા હતાં. વિદેશોમાં આજે ફોન કરવો હોય તો મફતમાં થઇ શકે તેમ કહેવામાં અતિશયોક્તી નથી. જો કોંગ્રેસની સરકાર હોત તો એમના સમયના ભાવ મુજબ ઓછામાં ઓછુ 5 હજાર રૂપિયા બિલ ઉપભોક્તાને ભોગવવા પડતા પરંતુ ભાજપાની નિયત ખોટી ન હોવાથી આજે શાકભાજી વેચનારો માણસ પણ મોંઘામાં મોંઘો ફોન વાપરે છે.

Dsc 2017

ભાજપાની સરકારે ટેકનોલોજીના માધ્યમથી ભ્રષ્ટાચારનો મૃત્યું ઘંટ વગાડ્યો છે. છેવાડાના માનવી સુધી લાભાર્થીઓને સીધો લાભ તેમના ડી.બી.ટી. મારફતે જમાં કરાવવામાં આવે છે. દેશની દશા કોંગ્રેસમાં શાસનમાં જેમનો જન્મ ન થયો હોય તેવા લોકો સરકારી યોજનાનો લાભ લેતા હતાં જેનાંથી સાચા લાભાર્થીઓ લાભથી વંચિત રહેતા હતો. ભારતીય જનતા પાર્ટીની સરકારે 9 કરોડ જેટલા ભૂતિયા નામને ઓળખી લેવામાં આવ્યાં અને તેમને સરકારી રેકોર્ડમાંથી હટાવવામાં આવ્યાં છે. આવા ભ્રષ્ટાચાર થકી ભૂતકાળની કોંગ્રેસ દ્વારા દેશને ખોખલો કરી નાંખ્યો હતો. ભાજપાના સુશાસન થકી દેશને બચાવવામાં આવ્યો છે.

ઘરમાં ચોર હોય તો ઘરનું ભલું ન થાય તેમ દેશમાં ચોર હોય તો દેશનું ભલું ના જ થાય. ભારતીય જનતા પાર્ટી એ જનતા જનાર્દન ઉપર ભરોસો કરનારી પાર્ટી છે અને જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો કરે છે. ભારતીય જનતા પાર્ટી પણ જનતા જનાર્દનના ભરોસાના કાયમ રાખ્યો છે. અંગ્રજોની વિરાસત કોંગ્રેસમાં આવી હોવાથી જનતાને કોંગ્રેસ ઉપર ભરોસો રહ્યો નથી. પહેલાં રાજ્યમાં છાશવારે કોમી હિંસા ફેલાતી હતી અને કર્ફ્યુ લગાવવામાં આવતો હતો. આજે ગુજરાતની નવી જનરેશન કર્ફ્યુ શું છે તેની ખબર નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારે અસામાજીક તત્વો અને આતંકવાદ સામે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું હોવાથી આતંકવાદીઓ અને આતંકવાદને પોષનારાઓ આજે ભારત સામે આંખ ઉંચી કરીને જોવાની હિંમત પણ નથી કરતાં. મેં પાંચ વર્ષમાં 1500 જેટલા કાયદાઓ નાબૂદ કરી દીધા છે જે જનતા જનાર્દન ઉપર બોજો બનતા હતાં. માતાઓ અને બહેનોની આબરૂ જાળવવા માટે ખુલ્લામાં શૌચ ક્રિયમાંથી મૂક્તિ આપવા માટે જાહેર શૌચાલય બનાવવાનું કામ કર્યું છે. પાથરણા બજારના લોકોને સ્વનિધી યોજના હેઠળ રૂ. 10 હજાર થી 50 હજાર સુધીની સહાય આપવામાં આવી જેના કારણે તેમને વ્યાજના ચક્કરમાંથી મૂકી અપાવવાનું કામ ભાજપા સરકારે કર્યું છે અને તેમને પણ સમયસર બેંકમાં પૈસા પરત જમાં કરાવે છે. સખીમંડળને વગર ગેરન્ટીએ રૂ. 20 લાખ સુધીની સહાય આપવમાં આવે છે અને તેઓ પણ સમયસર રકમ પરત જમાં કરાવવામાં આવે છે.

Dsc 1825

તેઓએ જણાવ્યું હતું કે, નાના ઉદ્યોગને મુદ્રા યોજના હેઠળ રૂ. 20 લાખ કરોડની સહાય આપવામાં આવે છે અને તેમાંથી 70 ટકા બહેનો સહાય મેળવે છે અને સમયસર રકમ પરત જમાં કરાવે છે અને એટલે ભાજપાની સરકાર એ ભરોસાની સરકાર છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સરકાર છે. ગરીબોને માથે છત પુરી પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા મકાનો પુરા પાડ્યા છે. મધ્યમવર્ગના લોકોને ગમે તેવા મકાનો આ ડબલ એન્જિનવાળી સરકારે આપ્યાં છે. સૌરાષ્ટ્રને પાણીના ટેન્કરથી મૂક્તિ આપવામાં આવી છે.આ તમામ બદલાવ તમારા એક વોટના કારણે આવ્યો છે. દેશ અને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે બાકીના કામો પણ સત્વરે પૂર્ણ થાય અને ગુજરાત વિશ્વમાં પ્રસ્થાપિત થાય તે માટે આજ સુધીના તમામ રેકોર્ડ તોડી સૌથી વધુ કમળ સૌથી વધુ સીટ સાથે ગુજરાત વિધાનસભામાં મોકલી આપવા માટે 100 ટકા મતદાન કરવા અપીલ કરી હતી.

જનસભામાં કર્ણાટક  પૂર્વ ગર્વનર  વજુભાઇ વાળા, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી,  સંસદ સભ્ય  મોહનભાઇ કુંડારીયા,  રામભાઇ મોકરીયા, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ  ડો. ભરતભાઇ બોઘરા, રાજ્ય સરકારના મંત્રી  અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને રાજકોટ શહેરના તમામ ઉમેદવાર તેમજ રાજકોટ શહેર ભાજપા સંગઠનના હોદેદારો અને ચૂંટાયેલ પાંખના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજકોટની માટીનું ઋણ ક્યારેય ચૂકવી નહીં શકુ: નરેન્દ્ર મોદી

Dsc 1789

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે મારા રાજકીય જીવનની પ્રથમ ચૂંટણી હું રાજકોટથી લડ્યો હતો. રાજકોટે મને બોલાવ્યો અને પ્રથમવાર ધારાસભ્ય બનાવ્યો રાજકોટની માટીનું ઋણ હું ક્યારેય ચૂકવી શકુ તેમ નથી. તેઓએ સભા દરમિયાન અનેકવાર રાજકોટના નામનો ઉલ્લેખ કર્યો હતો. રાજકોટમાં અમે ગરીબો માટે આધુનિક કોલોની બનાવી છે. અગાઉ દિલ્હી એઇમ્સની ચર્ચા થતી હતી. પરંતુ હવે રાજકોટ એઇમ્સની ચર્ચા થઇ રહી છે. રાજકોટમાં વધુમાં વધુ મતદાન થવું જોઇએ અને ભાજપના ઉમેદવારો શક્ય તેટલી લીડથી જીતે તેવું કામ કરવાનું છે. સાથોસાથ કાર્યકરોને એવી અપીલ કરી હતી કે મારૂ એક કામ કરજો હવે ડોર ટુ ડોર પ્રચારમાં જાવ ત્યારે વડીલોને કહેજો નરેન્દ્રભાઇ રાજકોટ આવ્યા હતા અને આપને પ્રણામ કહ્યા છે.

ટેકનોલોજીના ઉપયોગથી અમે ભ્રષ્ટાચારનો મૃત્યુઘંટ વગાડ્યો

Dsc 1960

કેન્દ્રની ભાજપ સરકારે ટેકનોલોજીના ઉપયોગથી ભ્રષ્ટાચારનો મૃત્યુ ઘંટ વગાડ્યો છે. આધાર કાર્ડ, મોબાઇલ અને જનધનના સહારે અમે ગરીબો અને મુળ લાભાર્થીઓ સુધી તેઓના હક્કના લાભ પહોંચાડ્યા છે. છેલ્લા આઠ વર્ષમાં 9 હજાર ભૂતીયા નામને શોધી કાઢવામાં આવ્યા છે અને તેને સરકારી રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. અગાઉની સરકારમાં ટુજી, થ્રીજી અને ફોર-જીમાં ભ્રષ્ટાચારો થયા છે. જ્યારે વર્તમાન સરકારે એકપણ ગોટાળો કર્યા વિના ફાઇવ-જી લઇ આવી છે. ટેકનોલોજીની મદદથી અમે ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કાર્ય શરૂ કર્યું છે.

કોંગ્રેસ એટલે ત્રિલોક ભ્રષ્ટાચાર પાર્ટી વિજયભાઇ રૂપાણી

Dsc 1894

કોંગ્રેસ સહિતની તમામ રાજકીય પાર્ટીઓને ગુજરાતનો વિકાસ આંખના કણા જેમ ખુંચે છે કોંગ્રેસનો ધરતી, આકાશ અને પાતળ એમ ત્રણેય જગ્યાએ ભ્રષ્ટાચાર કર્યા છે. કોંગ્રેસ તો ત્રિલોક ભ્રષ્ટાચારી પાર્ટી છે. તેમ આકરા પ્રહારો કરતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, કોગ્રેસે 70 વર્ષ સુધી દેશમાં રાજ કર્યુ છતાં રાજકોટના વિકાસ માટે કશું જ કર્યુ નથી. સાત દાયકામાં એઇમ્સ પણ આપવામાં આવી નથી. આ વખતે સાતમી વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનશે પાતળી બહુમતિથી નહી બે તિતૃયાંશ બહુમતિથી ભાજપની સરકાર બનશે આ ચૂંટણી કોઇ વ્યકિત, સમાજ, જ્ઞાતિ વચ્ચેની નથી પરંતુ ભવિષ્યના રાજકોટ અને ગુજરાતના નિર્માણ માટેની છે. રાજકોટવાસીઓએ નાણા સામે ‘માણા’ (માણસ)ને ચુંટવાનો છે ભૂતકાળમાં પાઠ ભણાવ્યા છે આ વખતે પણ વિરોધીઓને સબક શીખવાડવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.