Abtak Media Google News
  • 108  ઇમરજન્સી સેવાને 29મી ઓગસ્ટે 17 વર્ષ પૂર્ણ થશે
  • તત્કાલીન મુખ્યમંત્રી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  વર્ષ 2007માં 108 એમ્બ્યુલન્સની 24 કલાક સેવા શરૂ કરાવેલ
  • અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 1.66 કરોડથી વધુ કોલ એટેન્ડ કરાયા
  • 17 વર્ષમાં અંદાજે 15.52 લાખથી વધુ લોકોના જીવ બચાવાયા

રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે 2007માં શરૂ થયેલી 108 ઇમરજન્સી સેવાને આગામી 29મી ઓગસ્ટે 17 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. 108 ઇમરજન્સી સેવા 29 ઓગસ્ટ 2007ના રોજ  શરૂ થઈ હતી. એક જ કોલમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી આ સેવા થકી 17 વર્ષમાં અંદાજે 15.52 લાખથી વધુ લોકોના જીવ બચ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં 1.43 લાખ બાળકોનો જન્મ એમ્બ્યુલન્સમાં થયો છે.

ગુજરાતમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌ ના હૈયે અને હોઠે ચડતો એકમાત્ર ટોલ ફ્રી નંબર એટલે 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ. 29 ઓગસ્ટનો એ ઐતિહાસિક દિવસ કે જ્યારે 108 સેવાનો ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર શુભારંભ થયો હતો. આપત્તિનાં સમયમાં લાખો લોકોના જીવન બચાવનાર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા જીવાદોરી સમાન  બની ગઈ છે.

રાજ્યના નાગરિકોના આરોગ્યના હિત માટે વર્ષ 2007માં ઈમરજન્સી તાકીદની સ્થિતમાં જરૂરિયાતમંદ ગંભીર બીમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોચાડવા માટે નિ:શુલ્ક એમ્બ્યુલન્સ પરિવહનની સુવિધા પૂરી પાડવા અને તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી જેવી કે હૃદયરોગ, કેન્સર, કીડની, પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ, ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં 24 કલાક કાર્યરત અદ્યતન એમ્બ્યુલન્સ સેવા નિ:શુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા 108 સેવાની શરૂઆત 29 ઓગસ્ટ 2007ના રોજ કરવામાં આવી હતી. આ 108 યોજનાનું લોકાર્પણ આપણા હાલના વડાપ્રધાન તથા તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

108 જીવીકે ઈએમઆરઆઇના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિના જણાવ્યા અનુસાર, 20 ઓગસ્ટ 2024 સુધીમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા થકી 1.63 કરોડ કરતા વધારે લોકોને કટોકટી (મેડિકલ)ના સમયમાં સેવા, 2.31 લાખથી વધુ પોલીસ અને 6 હજારથી વધુ ફાયર આમ, કુલ 1.66 કરોડથી વધુ કોલ એટેન્ડ કરીને સેવા આપવામાં આવી છે. એટલું જ નહીં, 15.52 લાખથી વધુ વિકટ પરિસ્થિતિમાં મુકાયેલી મહામૂલી માનવ જિંદગીઓનો બચાવ કરવામાં આવ્યો છે. જ્યારે 55.25 લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને કટોકટીની સ્થિતિમાં તેમજ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા 1,43,432થી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં મદદ કરવામાં આવી છે. 108 સેવા માટે આવતા કોલ્સ પૈકી મોટાભાગના કોલ્સ પ્રસૂતા માતાઓ માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે. ગુજરાત રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચકાંકને લગતા સરકારના લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં 108 સેવાનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.

આ ઉપરાંત રોડ અકસ્માત સંબંધિત 20 લાખ 28 હજારથી વધુ ઈમર્જન્સી તેમજ 16 લાખ 38 હજારથી પણ વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમના જીવ બચાવવામાં આવ્યા છે. આ સિવાય 17 લાખ 22 હજારથી વધુ કોલ્સ પેટમાં દુખાવાની તકલીફની ફરિયાદના,  7 લાખ 84 હજારથી વધુ કોલ્સ હૃદયરોગ સંબંધિત ઇમરજન્સી માટે, 9 લાખ 8 હજારથી વધુ કોલ્સ શ્વાસ લેવામાં પડેલી તકલીફ તેમજ 7 લાખ 14 હજારથી વધુ કોલ્સ ભારે તાવની ફરિયાદને લઇને મળ્યા છે. અત્યાર સુધીમાં 51.35 કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવ્યું છે.

30 હજારથી વધુ કોલ 108 સિટીઝન મોબાઇલ એપ્લિકેશન થકી થયા

108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ઝડપી સેવા માટે અદ્યતન લોકોપયોગી ’108 સિટીઝન મોબાઇલ એપ્લીકેશન’ શરૂ કરવામાં આવી છે, જેને સાડા ત્રણ લાખ કરતા પણ વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. એટલું જનહીં 30 હજારથી વધુ કોલ આ એપ્લિકેશન મારફતે રિસીવ કરવામાં આવ્યા છે.

રાજ્યભરમાં કુલ 800થી વધારે એમ્બ્યુલન્સ કાર્યરત

108ની આ આરોગ્યલક્ષી સેવામાં આજે રાજ્યભરમાં કુલ 800થી વધારે એમ્બ્યુલન્સ કાર્યરત છે. દરિયામાં બીમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવીને 108 બોટ એમ્બ્યુલન્સ અને 108 એર એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરી છે. અત્યાર સુધીમાં એર એમ્બ્યુલન્સ  50થી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે, જ્યારે બોટ એમ્બ્યુલન્સ થકી 742 લોકોના જીવ બચ્યા છે.

108 પર આવેલા 99 ટકા  ફોન કોલને પ્રથમ બે રિંગમાં જ પ્રતિસાદ મળે છે

108 નંબર પર આવેલા 99 ટકા જેટલા ફોન કોલ પ્રથમ બે રિંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવતા છે. 108 એમ્બ્યુલન્સનો રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 18 મિનિટ જેટલો છે, જયારે શહેરી વિસ્તારમાં 11 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ અને ગ્રામીણ વિસ્તારમાં 22 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે. એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે, જેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.