- કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરિયાના હસ્તે લોધિકાના ખાંભાથી કુપોષિત બાળકોને દૂધ-પ્રોટીન પાવડર આપવાના પ્રોજેક્ટનો શુભારંભ
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ લોધિકા તાલુકાના ખાંભા ગામ ખાતેથી કૂપોષિત બાળકોને દૂધ તથા પ્રોટીન પાવડર આપવાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો.
આ તકે મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે, લોધિકા તાલુકાના 886 બાળકોને રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ તરફથી ત્રણ માસ માટે દૂધના પાઉચ તેમજ રોટરી ક્લબ ઑફ રાજકોટ પ્રાઇમ દ્વારા પ્રોટીન પાવડરના ડબ્બા આપવામાં આવશે. સતત 90 દિવસ સુધી દૂધ-પ્રોટીન પાવડર આરોગ્યા બાદ બાળકો સુપોષિત બનશે
મંત્રીએ કહ્યું હતું કે, હાલમાં શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે પોષણ ઉત્સવ અંતર્ગત સરગવો, મિલેટ્સ-શ્રી અન્ન તથા ટી.એચ.આર.જેવા પોષક આહારની વાનગીઓના પ્રદર્શન રાજ્યભરમાં યોજાઈ રહ્યા છે. જેમાં બહેનો-માતાઓ આ પોષક આહારની અવનવી વાનગીઓ જોઈને શીખે અને ઘરે તેને બનાવીને પરિવારનું પોષણ કરતા થાય તેવો શુભ આશય છે.
ગુજરાતના પોષણ ઉત્સવની કેન્દ્ર સરકારે સરાહના કરી છે, તેમ જણાવતા મંત્રી શ્રીમતી ભાનુબહેને કહ્યું હતું કે, ઉદયપુરમાં કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા એક શિબિર યોજાઈ હતી. જેમાં બેસ્ટ પ્રેક્ટિસિસમાં ગુજરાતમાં કુપોષણ નાબૂદી માટે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા થતા પોષણ ઉત્સવની વિગતો રજૂ કરી હતી. આ જોઈને કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સુશ્રી અન્નપૂર્ણા દેવીએ તેની પ્રશંસા કરી હતી અને અન્ય રાજ્યોના મંત્રીઓને ગુજરાતના પોષણ ઉત્સવ કાર્યક્રમને અપનાવવા નિર્દેશ આપ્યો હતો. પોષણ ઉત્સવની આ સફળતાનો શ્રેય આંગણવાડીની બહેનો અને હેલ્પર બહેનોને જાય છે,
આ તકે રાજકોટના ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એ. કે. વસ્તાણીએ કહ્યું હતું કે, કુપોષણ એ દેશ સામે સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કુપોષણના રાક્ષસની ચુંગાલમાંથી દેશને મુક્ત કરવા આહવાન કર્યું છે. આ માટે સરકાર દ્વારા પોષણ અભિયાન સાથે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાળકોને સુપોષિત બનાવવા માટે તેમને જંક ફૂડની આદતમાંથી બહાર લાવવા પણ વાલીઓને અપીલ કરી હતી.
રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે, લોધિકા તાલુકાના 34 ગામની 54 આંગણવાડીઓના 886 બાળકોને રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ દ્વારા, ત્રણ માસ સુધી દરરોજ 125 એમ.એલ. અમૂલ મોતી મિલ્કનું પાઉચ આપવામાં આવશે. આ સમગ્ર વિતરણ વ્યવસ્થાનું બે ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.
આ અવસરે મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા તેમજ મહાનુભાવોના હસ્તે બાળકોને પ્રોટીનયુક્ત દુધ પીવડાવવામાં આવ્યું હતું. આ સાથે ‘શેર વિથ સ્માઈલ’ સંસ્થાના સહયોગથી 100 બાળકોને શિયાળામાં ઉપયોગી સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત મંત્રીના હસ્તે 330 આંગણવાડી કેન્દ્રોનાં બાળકો માટે લાકડાના રમકડાની કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. મંત્રીએ દૂધ, પ્રોટીન પાવડર તથા સ્વેટરનું દાન આપનારી સંસ્થાના પ્રતિનિધિઓને સન્માનપત્ર આપીને બિરદાવ્યા હતા.
આ તકે પોષણ ઉત્સવ અંતર્ગત આંગણવાડીની બહેનો દ્વારા મિલેટ્સ તથા ટી.એચ.આર.વાનગીની સ્પર્ધા તથા નિદર્શન યોજાયું હતું. જેમાં વિજેતા બહેનોને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાળકો તેમજ મહિલાઓના સ્વાસ્થ્યના પરીક્ષણ માટે આયુર્વેદિક તપાસ કેમ્પ પણ ડોક્ટર હરદેવસિંહ પરમારના સહયોગથી યોજવામાં આવ્યો હતો. ડોક્ટર પરમારે આ તકે બાળકોને ઘરમાં જ સુપોષિત કઈ રીતે બનાવી શકાય તે માટે ઘરગથ્થુ ઉપાયો સૂચવતું પ્રવચન આપ્યું હતું.
જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર જનકસિંહ ગોહિલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. જ્યારે સી.ડી.પી.ઓ. શ્રી શોભનાબેન લાડાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિ.પં.ની મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન કંચનબેન બગડા, શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ, જિ.પં.ના સદસ્ય મોહનભાઈ દાફડા, તાલુકા વિકાસ અધિકારી પી.આર.સિંધવ તથા અન્ય પદાધિકારીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.