Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજ્યની ૧૦ યુનિવર્સિટી- ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને વીડિયો કોન્ફરન્સ થકી ‘પરમ શાવક’ સુપર કોમ્પ્યુટર અર્પણ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના કાર્યક્રમમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા નવા ૧૦ પરમ સુપર કોમ્પ્યુટર મહત્વની ભૂમિકા ભજવશે.

રોબોફેસ્ટ ગુજરાત ૧.૦ સ્પર્ધાના વિજેતાઓ અને સુપર કોમ્પ્યુટર પ્રાપ્ત સંસ્થાઓને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અભિનંદન આપી શુભકામનાઓ પાઠવી હતી.

સંશોધન ક્ષેત્રે ગુજરાતના યુવાનો ઉપર સમગ્ર દેશની આશાઓ- અપેક્ષાઓ છે. ગુજરાતના યુવાનો નવા સંશોધનો દ્વારા પ્રજાકલ્યાણમાં પોતાનું મહત્તમ પ્રદાન આપશે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તથા રાજ્યની ૧૦ યુનિવર્સિટી- ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા પરમ શાવક સુપર કોમ્પ્યુટર અર્પણ કર્યા હતા.

તેમણે ઉમેર્યું કે, વધુ નવા ૧૦ સુપર કોમ્પ્યુટર મળવાથી ગુજરાતનો યુવાન વિશ્વના અન્ય દેશોના યુવાનો સાથે સીધી સ્પર્ધા કરી શકશે. એટલું જ નહિ, સુપર કોમ્પ્યુટર દ્વારા નવીન સંશોધન અને સ્ટાર્ટઅપની પક્રિયા વધુ ઝડપી બનશે.

ગુજરાતનો યુવાન આગામી દિવસોમાં સંશોધન ક્ષેત્રે તમામ પડકારો ઝીલવા સજ્જ છે.  સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રમાં રાજ્યના યુવાનોના રસ-રૂચિને કેળવવા માટે સાયન્સ સિટી ખાતે આધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાશે તેવી નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

તેમણે ઉમેર્યું કે, વર્તમાન સમયની માંગ પ્રમાણે યુવાનો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારનો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ પ્રતિબધ્ધ છે.

રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને નવીન સંશોધન માટે કુલ ૨૬ સુપર કોમ્પ્યુટરની ભેટ આપવામાં આવી છે.

પરમ શાવકને સી-ડેક દ્વારા સંપૂર્ણ રીતે ભારતમાં વિકસાવવામાં આવેલ છે જેની ઉપયોગિતા હાઈ  પરફોર્મન્સ કોમ્પ્યુટીંગ અને ડીપ લર્નિંગની છે જેના માટે તેમાં એકસ-૮૬ આધારિત ઇન્ટેલ પ્રોસેસર, ૯૬ જીબી રેમ, ૧૬ ટીબી સ્ટોરેજ, એનવિડિયા આધારિત કો-પ્રોસેસિંગ એક્સેલરેટર ટેક્નોલોજીસ અને સોફ્ટવેર ડેવલોપમેન્ટ એન્વાયરમેન્ટ વગેરે જેવી સુવિધાઓ ધરાવે છે.

આ સુપર કોમ્પ્યુટર થકી નવીનતમ અને ગ્રાઉન્ડ બ્રેકીંગ તકનીકી વિકાસને હાઈ એન્ડ કોમ્પ્યુટીંગને ટેબલ ટોપ પ્લેટફોર્મ પર લાવી શકાશે અને આવા કર્યો માટે મોંઘા ડેટા સેન્ટરોના માળખાની જરૂર નહિ પડે. રોબોફેસ્ટ એક નવીનત્તમ અને રાજ્ય કક્ષાની વૈજ્ઞાનિક અને ઇજનેરી સ્પર્ધા છે. રોબોફેસ્ટ ગુજરાત ૧.૦ સ્પર્ધામાં ચાર પગ વાળા રોબોટ, ચેસ રમતાં રોબોટ, પાણીની અંદર કાર્યક્ષમ હોય તેવા રોબોટ, સંગીત વાજીંત્રો વગાડી શકે તેવા રોબોટ, રોવર, પ્રોસ્થેટિક લિમ્બ્સ અને ઉત્ખનન રોબોટ સહિત સાત વિવિધ શ્રેણીઓ છે. રોબોફેસ્ટ ગુજરાત ૧.૦ સ્પર્ધા અંતર્ગત તમામ સાત કેટેગરીમાં નવ વિદ્યાર્થી ટીમોને વિજેતા તરીકે જાહેર કરવામાં આવી છે.

વિજેતાઓમાંથી પાંચ વિદ્યાર્થી ટીમોને રૂ. ૫.૦૦ લાખ અને પ્રમાણપત્રો, બે વિદ્યાર્થી ટીમોને સંયુક્ત ઇનામ રૂ. ૨.૫૦ લાખ અને પ્રમાણપત્રો અને બે વિદ્યાર્થી ટીમોને મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૧.૦૦ લાખ ઇનામ અને પ્રમાણપત્ર વર્ચ્યુઅલ એવોર્ડ સમારોહમાં આપવામા આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.